પ્રાકૃતિક ખેતી માટે અમૃત ગણાય છે આ વસ્તુ, જાણો કેવી રીતે બને છે અને શું છે ફાયદા
જીવામૃતને મહિનામાં 1-2 વાર ઉપલબ્ધતા મુજબ 200 લિટર પ્રતિ એકરના હિસાબથી પિયતના પાણી સાથે આપો જેનાથી ખેતીમાં ફાયદો થશે.
Natural Farming Benefits: રાજ્યમાં પ્રાકૃતિક ખેતીની (natural farming) પ્રોત્સાહિત કરવા સવિશેષ પ્રયાસો થઈ રહ્યા છે. રાજ્યના ખેડૂતો રાસાયણિક (pesticides) ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે અનેક તાલીમ (training) શિબિરો (workshop) પણ યોજવામાં આવી રહી છે. આપણે આજે જાણીશું પ્રાકૃતિક ખેતીમાં જમીન માટે અમૃત ગણાતા જીવામૃતનું મહત્ત્વ, તેને બનાવવાની રીત તથા ફાયદા વિશે.
જીવામૃત એટલે શું?
ગાયના છાણ અને ગૌમૂત્રમાં રહેલા બેક્ટેરિયાના દ્રાવણને જીવામૃત કહેવામાં આવે છે. આ જીવામૃતમાં ઘણાં બેક્ટેરિયા હોય છે, જે ખેતીમાં ખૂબ જ ઉપયોગી નીવડે છે.
જીવામૃત બનાવવા જરૂરી સામગ્રી :-
જીવામૃત બનાવવા માટે 10 કિગ્રા જેટલું દેશી ગાયનું છાણ, 8થી 10 લિટર જેટલું દેશી ગાયનું ગૌમૂત્ર, 2 કિગ્રા જેટલો ગોળ, 2 કિગ્રા જેટલો ચણાનો લોટ અને 500 ગ્રામ જેટલી ઝાડની નીચેની માટી.
જીવામૃત બનાવવાની રીત :-
આમ તો જીવામૃત બનાવવાની ઘણી રીતો છે, પરંતુ મુખ્ય પદ્ધતિ જે વ્યાપકપણે ઉપયોગ થાય છે, તેની વાત કરીશું. સૌ પ્રથમ 200 લિટરનું એક ટીપણું લો. ઉપર દર્શાવેલ બધી વસ્તુઓને ટીપણામાં ઓગાળી લો. ત્યારબાદ ટીપણું ખાલી હોય તેટલું પાણી ભરો. તેના પછી સતત 3 દિવસ સુધી લાકડી વડે ઘડિયાળના કાંટાની દિશામાં રોજ સવાર-સાંજ બે-ત્રણ મિનિટ સુધી હલાવો. આ દરમિયાન ટીપણાને કોથળાના બારદાનથી ઢાંકીને ઝાડની નીચે રાખો તે વધારે સારું રહે છે. એના સડવાથી એમોનિયા, કાર્બન ડાયોક્સાઈડ, મિથેન જેવા હાનિકારક વાયુઓનું નિર્માણ થશે.
3 દિવસ બાદ તમારું જીવામૃત ઉપયોગ માટે તૈયાર થઈ જશે. તૈયાર કરેલા જીવામૃતનો ઉનાળામાં સાત દિવસની અંદર ઉપયોગ કરવો જોઈએ અને ઠંડા વાતાવરણમાં 8થી 15 દિવસ સુધી તેનો ઉપયોગ કરી શકાય છે, ત્યારબાદ તેમાં બેક્ટેરિયાનું પ્રમાણ ઘટી જાય છે, તેથી તેની અસરકારકતા ઘટી જાય છે, તેથી તેનો પાકમાં ઉપયોગ કર્યા વિના તેને જમીનમાં નાખીને તેનો નાશ કરવો જોઈએ.
જીવામૃતનો ઉપયોગ કેવી રીતે કરવો :-
જીવામૃતને મહિનામાં 1-2 વાર ઉપલબ્ધતા મુજબ 200 લિટર પ્રતિ એકરના હિસાબથી પિયતના પાણી સાથે આપો જેનાથી ખેતીમાં ફાયદો થશે. જીવામૃત આપતી વખતે અમુક ચોક્કસ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેમ કે, કોઈપણ પ્રકારના છોડ અથવા ઝાડને ખાતર તરીકે આપી શકાય છે. અને તે આપતી વખતે જમીનમાં ભેજનું પ્રમાણ હોવું જોઈએ, તે જરૂરી છે. વધુમાં વરસાદની મોસમમાં જીવામૃત જમીન પર સીધું રેડી શકાય છે અને ટપક સિંચાઈ દ્વારા આપી શકાય છે. આ ઉપરાંત જો તમારે ઉત્તમ પરિણામ મેળવવું હોય તો દર 15થી 25 દિવસે ઊભા પાકમાં જીવામૃત આપવું જોઈએ. તો બાગાયત પાકોમાં બપોરના 12 વાગ્યે ઝાડનો પડછાયો પડે તેવા વિસ્તારમાં 15થી 20 દિવસમાં 3 લીટર જેટલું જીવામૃત પ્રતિ ઝાડ આપવું જોઈએ.
જીવામૃતનો જંતુનાશક તરીકે ઉપયોગ કરવાની રીત
જીવામૃતને કોઈ પણ પાક પર જંતુનાશક તરીકે ઉપયોગ કરી શકાય છે. કોઈ પણ છોડ અથવા ઝાડ પર ફૂગજન્ય રોગોને રોકવા માટે તેનો ઉપયોગ કરી શકાય છે. અનેક પ્રકારના રોગ નિયંત્રણ માટે પણ તે વાપરી શકાય છે. તમે 16 લિટરના સ્પ્રે પંપમાં બેથી ત્રણ લિટર જીવામૃત અને પાણી ઉમેરીને કોઈ પણ છોડ કે ઝાડ પર સીધો છંટકાવ કરી શકો છો. આમ, શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે દર 15થી 20 દિવસે અમૃતપાણીનો છંટકાવ કરવો જોઈએ.
જીવામૃતના ફાયદા :-
- જીવામૃત જમીનને આપવાથી ઉપરની માટી જીવંત બને છે, જે તમામ પ્રકારના છોડ અને વૃક્ષોના નિર્માણ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
- જમીનમાં અળસિયા ઉપરની સપાટી પર આવે છે અને પાકને જરૂરી એવા નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, હ્યુમિક એસિડ વગેરે પોષક તત્ત્વોનું નિર્માણ કરે છે.
- જમીનમાં અનિચ્છનીય ફૂગનો નાશ કરે છે. જ્યારે છોડ અથવા ઝાડ પર છાંટવામાં આવે ત્યારે તે જંતુનાશક તરીકે કાર્ય કરે છે.
- જમીનને ઢીલી અને મુલાયમ રાખે છે, જેથી વરસાદનું વધારાનું પાણી પાકને નુકસાન ન પહોંચાડે અને જમીનમાં ઊતરી જાય.
- પાણીનો વપરાશ અટકે છે, તેથી પાણીનું સ્તર ઊંચું આવે છે, અને પિયત ઓછું કરવું પડે છે. જમીનમાં ભેજ જળવાઈ રહે છે અને માટી પણ જીવંત બને છે.