'સરકારો પાસે મફતની યોજનાઓ માટે રૂપિયા છે પરંતુ જજોના પગાર અને પેન્શન માટે નહી': સુપ્રીમ કોર્ટ
Supreme Court:દિલ્હીમાં પાર્ટીઓ સત્તામાં આવવા માટે દર મહિને 2500 રૂપિયા આપવા સુધીનું વચન આપી રહી છે.
Supreme Court: સુપ્રીમ કોર્ટે જિલ્લા અદાલતના ન્યાયાધીશોના પગાર અને પેન્શનને લઈને સરકારોના વલણ પર નિરાશા વ્યક્ત કરી છે. કોર્ટે તમામ રાજ્ય સરકારો તરફથી આપવામાં આવતા રૂપિયા તરફ ઈશારો કરતાં કહ્યું હતું કે, "જે કોઇ કામ કરતા નથી તેમના માટે તમારી પાસે રૂપિયા છે. જ્યારે જજોના પગાર અને પેન્શનનો સવાલ આવે છે તો આર્થિક સમસ્યાઓનો ઉલ્લેખ કરવા લાગે છે.
ઓલ ઈન્ડિયા જજિસ એસોસિએશન નામના સંગઠન દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બીઆર ગવઈના નેતૃત્વ હેઠળની ખંડપીઠે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં વિવિધ પક્ષો દ્વારા કરવામાં આવી રહેલી જાહેરાતો અંગે ચર્ચા કરી હતી. કોર્ટે કહ્યું હતું કે, "ચૂંટણી આવતાં જ લાડલી બહન જેવી યોજનાઓની જાહેરાત શરૂ થઈ જાય છે, જ્યાં એવું કહેવામાં આવે છે કે લાભાર્થીઓને દર મહિને એક નિશ્ચિત રકમ આપવામાં આવશે. દિલ્હીમાં પાર્ટીઓ સત્તામાં આવવા માટે દર મહિને 2500 રૂપિયા આપવા સુધીનું વચન આપી રહી છે.
' ફ્રીબિજ એક કામચલાઉ વ્યવસ્થા છે' - કેન્દ્ર સરકાર
2015માં દાખલ કરાયેલી આ અરજીમાં ન્યાયાધીશોના ઓછા પગાર અને નિવૃત્તિ પછી યોગ્ય પેન્શન ન મળવાની વાત કહેવામાં આવી છે. સમગ્ર દેશમાં આ બાબતે એકસમાન નીતિ ન હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે આ કેસમાં મદદ કરવા માટે વરિષ્ઠ વકીલ કે પરમેશ્વરને એમિકસ ક્યુરી તરીકે નિયુક્ત કર્યા છે. સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા એટોર્ની જનરલ આર વેંકટરમનીએ કહ્યું કે સરકારો દ્વારા આપવામાં આવતી ફ્રીબીઝ (મફત યોજનાઓ) અસ્થાયી વ્યવસ્થા છે. પગાર અને પેન્શનમાં વધારો એ કાયમી બાબત છે. સરકારી ભંડોળ પર તેની અસર પર વિચાર કરવો જરૂરી છે
'હવે સુનાવણી મોકૂફ રાખવામાં આવશે નહીં'- સુપ્રીમ કોર્ટ
જસ્ટિસ ગવઈ અને જસ્ટિસ ઑગસ્ટિન જ્યોર્જ મસીહની બે સભ્યોની બેન્ચને એટોર્ની જનરલે કહ્યું કે કેન્દ્ર સરકાર એક નોટિફિકેશન લાવવા પર વિચાર કરી રહી છે, જે અરજીમાં ઉઠાવવામાં આવેલી ચિંતાઓને દૂર કરશે. આના પર ન્યાયાધીશોએ કહ્યું કે જો સરકાર ભવિષ્યમાં આવું કરે છે તો તેને તેની જાણ કરવી જોઈએ. આ કેસ લાંબા સમયથી પેન્ડિંગ હોવાથી તેની સુનાવણી હવે મુલતવી રાખવામાં આવશે નહીં.