Banaskantha Crime: વડગામના ધનપુરા પાસે હત્યા બાદ કારમાં સળગાવાના કેસમાં મોટો ખુલાસો
આખરે બનાસકાંઠા પોલીસે ભગવાનસિંહ રાજપૂતને દબોચી લીધો. તેના પર આરોપ છે વીમો પાસ કરાવવા પોતાની જ હોટેલમાં કામ કરતાં કર્મચારીની હત્યા કરી તેની લાશને કારમાં મૂકીને સળગાવી દીધાનો. વડગામ તાલુકાના ધનપુરા ગામ પાસે 27 ડિસેમ્બરે સળગેલી હાલતમાં કાર મળી આવી હતી. જેમાં એક માનવકંકાલ પણ હતું. તપાસ દરમિયાન પહેલા તો પોલીસને એવું જાણવા મળ્યું કે સ્મશાનમાંથી રમેશ નામના શખ્સનો મૃતદેહ બહાર કાઢી તેને કારમાં મૂકીને સળગાવી દેવાઈ છે. જો કે, માનવકંકાલના DNA અને FSLના રિપોર્ટમાં ખુલ્યું કે, કંકાલમાંથી યૂરિન પણ જોવા મળ્યું... રમેશ નામના શખ્સનું તો 4 મહિના પહેલા મૃત્યુ થઈ ચૂક્યું હતું. થોડા દિવસમાં જ મૃત્યુ પામેલા કોઈ વ્યક્તિનું આ કંકાલ હોઈ શકે. જેને લઈ પોલીસ તપાસમાં લાગી અને 5 આરોપીની અટકાયત કરી. તેની પૂછપરછમાં ખુલ્યું કે, ભગવાનસિંહે એક હોટેલ ખોલી હતી. જેમાં નુકસાન જતાં તેણે પોતાનો વીમો લીધો હતો. વીમો પાસ કરાવવા તેણે પોતાની મોતનું તરકટ રચ્યું. પોતાની જ હોટેલમાં કામ કરતાં રેવાભાઈ ગામેતી નામના કર્મચારીની હત્યા કરી નાખી. બાદમાં પ્રાઈમસથી મોઢું બાળી લાશ કારમાં મુકી દીધી અને ધનપુરા ગામ પાસે લાશ સાથે કારને જ સળગાવી નાખી.