(Source: ECI/ABP News/ABP Majha)
Farmer’s Success Story: વાંચ ગામના ખેડૂતે ફાલસાની ખેતી અને પલ્પના વેચાણથી મબલખ કમાણી કરી
Agriculture News: અમદાવાદના દસક્રોઈ તાલુકાનું વાંચ ગામ મુખ્યત્વે ફટાકડાના કારખાનાઓ માટે જાણીતું છે. ફટાકડા બાદ ફાલસાની બાગાયતી ખેતી આ ગામની નવી ઓળખ બની રહી છે.
Farmer’s success story: અમદાવાદના દસક્રોઈ તાલુકાનું વાંચ ગામ મુખ્યત્વે ફટાકડાના કારખાનાઓ માટે જાણીતું છે. ફટાકડા બાદ ફાલસાની બાગાયતી ખેતી આ ગામની નવી ઓળખ બની રહી છે. ગામમાં મોટાપાયે થતાં ફાલસાના વાવેતર અને ઉત્પાદને વાંચ ગામને નવી ઓળખ આપી છે.
વાંચના આવા જ એક પ્રગતિશીલ ખેડૂત અમિતભાઈ છે. વ્યવસાયે પ્રિન્ટિંગ પ્રેસના કારોબાર સાથે સંકળાયેલા વાંચના ખેડૂત અમિતભાઈ શાહ બાગાયતી ખેતી સાથે પણ દિલથી જોડાયેલા છે. પોતાની 1.12 હેકટર જમીન ઉપરાંત ભાડા પેટે અન્ય 1 હેકટર જમીન મેળવીને ફાલસા, પપૈયા અને આમળાંની બાગાયતી ખેતી કરતા અમિતભાઈ બાગાયત વિભાગના માર્ગદર્શન અને સહાય દ્વારા યોગ્ય વાવેતર અને આયોજન થકી સારો નફો મેળવી રહ્યાં છે. ફાલસાના ફળ ઉપરાંત ફાલસાના પલ્પના વેચાણ થકી સારો નફો મેળવતા અમિતભાઈએ બાગાયતી પાકોના કોમર્શિયલાઈઝેશનમાં નવો ચીલો ચાતર્યો છે.
સીધું બજારમાં જ વેચાણ
ફાલસા અને અન્ય બાગાયતી પાકોની ખેતી અને તેમાં બાગાયત વિભાગ દ્વારા મળતા માર્ગદર્શન વિશે વાત કરતા અમિતભાઈ જણાવે છે કે પાંચેક વીઘા જેટલા વાવેતરમાં 6 થી 7 હજાર કિલો જેટલું ફાલસાનું ઉત્પાદન મળતું હોય છે. ડિસેમ્બર માસમાં ફાલસાના પાકને કાપણી કરીને રાખવામાં આવે છે, જેનું ઉત્પાદન માર્ચ - એપ્રિલ આસપાસ મળવા પામતું હોય છે. ફાલસાના કુલ ઉત્પાદનમાંથી તેઓ ફાલસા સીધા બજારમાં પણ વેચે છે અને પલ્પ બનાવીને પણ વેચાણ કરે છે.
આતંકપાક તરીકે પપૈયાનું વાવેતર
ફાલસાના પલ્પનો 350 રૂપિયા પ્રતિકિલો જેટલો બજારભાવ મળી રહેતો હોય છે, જ્યારે સીઝનમાં ફાલસાનો ભાવ પણ 70 થી 100 રૂપિયા પ્રતિ કિલો જેવો મળી રહેતો હોય છે. આ ઉપરાંત, આ વખતે 2.5 વીઘા જેટલી જમીનમાં તેમણે આમળાંનું વાવેતર કર્યું છે અને તેમાં આંતરપાક તરીકે પપૈયાનું વાવેતર કરેલું છે. બાગાયતી ખેતીમાં અન્ય ખેતીની સરખામણીમાં ઓછી મહેનતમાં વધુ ઉત્પાદન મેળવી શકાય છે. ફાલસાની કુલ ₹3 લાખ જેટલી આવકમાંથી ચોખ્ખો ₹2.5 લાખ જેટલો નફો મળતો હોય છે.
રાજ્ય સરકારના બાગાયત વિભાગના માર્ગદર્શન થકી અમિતભાઈ ફળપાકોનું આયોજનપૂર્વક વાવતેર કરીને સારું ઉત્પાદન અને નફો મેળવી રહ્યાં છે. આ ઉપરાંત, અમિતભાઇએ ફળ પાક વાવેતરમાં બાગાયત વિભાગ તરફથી ₹12000 ની સહાય મેળવી છે તેમજ ચાલુ વર્ષે તેઓએ પપૈયાના પાકમાં સહાય માટે અને મિનિમલ પ્રોસેસિંગ યુનિટ માટે પણ બાગાયત વિભાગની સહાય માટે અરજી કરવાના છે.
ઉનાળામાં ફાલસાની રહે છે માંગ
સ્વાદ અને સ્વાસ્થ્ય બંનેમાં અવ્વલ હોવાથી અને પ્રકૃતિમાં ઠંડા હોવાથી ઉનાળામાં ફાલસાની બજારમાં ખૂબ જ ડિમાન્ડ રહેતી હોય છે. ફાલસાના પલ્પ, શરબત, શોટ્સ સહિત અન્ય ઘણી રીતે લોકો ઉનાળામાં ફાલસાની મજા માણતા હોય છે. કાર્બોહાઈડ્રેટ્સ, વિટામીન અને ફાઇબરથી ભરપૂર 'નેચરલ કૂલિંગ એજન્ટ' તરીકે ઓળખાતા ફાલસા હિટ સ્ટ્રોક સામે રક્ષણ આપવા ઉપરાંત બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરવા સહિત હાયપરટેન્શન અને અનેમિયા જેવા રોગોમાં પણ ઉપયોગી સાબિત થાય છે.