Farming in Kenya: કેન્યાના ખેડૂતોએ કરી બતાવી કમાલ, ભારતમાં પણ થઈ શકે છે ધાનના ઢગલા
અહીંના નાના ખેડૂતોને આ પરિવર્તનના સારા પરિણામો મળી રહ્યા છે. ખેડૂતો હવે ખેતી માટે પાક રોટેશન અપનાવી રહ્યા છે.
Climate Over Farming: આજે સમગ્ર વિશ્વ કૃષિ ક્ષેત્રે અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. ક્યારેક ખરાબ હવામાનને કારણે તો ક્યારેક જીવાત-રોગને કારણે. આ સમસ્યાઓના કારણે ખેત પેદાશોનું ઉત્પાદન ઘટી રહ્યું છે. ભારતમાં પણ કંઈક આવી જ સ્થિતિ છે. પરંતુ કેન્યાના ખેડૂતોએ આ સમસ્યાને દૂર કરવા માટે દેશી અને સ્થાનિક પાકની ખેતી કરવાનું શરૂ કર્યું છે. જોકે હજી પણ લોકો વિદેશી અને કોમર્શિયલ ડાયટ લઈ રહ્યા છે. યુનાઈટેડ નેશન્સ (યુએન) અને વિશ્વ બેંકે તેમના અનેક અહેવાલોમાં આબોહવા પરિવર્તનને કારણે વધતી જતી ખાદ્ય કટોકટી અને પાક ઉત્પાદકતામાં ઘટાડા અંગે ચિંતા વ્યક્ત કરી છે, પરંતુ કેન્યાના ખેડૂતોએ આ પડકારોનો ઉકેલ પણ શોધી કાઢ્યો છે.
કેન્યામાં ખેડૂતો આબોહવા પરિવર્તનની પ્રતિકૂળ અસરોને ઘટાડવા દેશી પાકો, પાંદડાવાળા શાકભાજી અને કંદમૂળની ખેતી તરફ વળ્યા છે. અહીંના નાના ખેડૂતોને આ પરિવર્તનના સારા પરિણામો મળી રહ્યા છે. ખેડૂતો હવે ખેતી માટે પાક રોટેશન અપનાવી રહ્યા છે. અહીંના પવન, પક્ષીઓ અને મૈત્રીપૂર્ણ જંતુઓ પણ ખેડૂતોને દેશી જાતોમાંથી પાક ઉત્પાદન વધારવામાં ઘણી મદદ કરી રહ્યા છે.
દેશી જાતોમાંથી અઢળક નફો
કેન્યાના ખેડૂતોએ પણ સ્વીકાર્યું છે કે, બદલાતી આબોહવા વચ્ચે ખેતીના સારા પરિણામો માટે આપણે સ્વદેશી જાતો તરફ આગળ વળવં પડશે. કેન્યામાં ઘણા ખેડૂતો સ્વદેશી બિયારણ ખરીદવાને બદલે તેને સાચવીને રાખે છે જેનાથી કરીને ખેતી પરનો ખર્ચ ઘટાડી શકાય. કેન્યાના ખેડૂતોના જણાવ્યા મુજબ હવે હાઇબ્રિડ બિયારણ ખૂબ મોંઘા થયા છે જેનો ઉપયોગ ફક્ત એક જ વાર કરી શકાય છે. તેમાં સારી ઉપજ મેળવવા માટે ખાતર અને જંતુનાશકોનો પણ ઉપયોગ કરવો પડે છે. પરીણામે ખેતીનો ખર્ચ તો વધે જ છે સાથે સાથે પર્યાવરણ પર પણ ખરાબ અસર પડે છે. આ જ કારણે હવે કેન્યામાં ઘણી NGOએ સ્વદેશી બીજની પસંદગી, સંગ્રહ અને વ્યવસ્થાપનની કામગીરી શરૂ કરી છે. ખેડૂતોને સ્વદેશી બિયારણ બેંક ઉભી કરવા માટે તાલીમ અને આર્થિક મદદ પણ આપવામાં આવી રહી છે.
નાના ખેડૂતો દેશી બિયારણ તરફ વળ્યાં
મીડિયા અહેવાલો અનુસાર, હવે કેન્યામાં નાના ખેડૂતોએ ખેતી માટે 80% સુધી સ્વદેશી બિયારણનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. જો કે ઘણા ખેડૂતોને બીજ પરિવહન અને ફરીથી એકત્રિત કરવામાં મુશ્કેલીઓ આવી રહી છે. સ્વદેશી જાતોને બચાવવા માટે કેન્યાના ખેડૂતોની આ પહેલને યુનેસ્કો દ્વારા પણ કેન્યાના સ્વદેશી ખોરાકને સાંસ્કૃતિક વારસો તરીકે માન્યતા આપવામાં આવી છે. જ્યારે દેશની ખાદ્ય વિવિધતા ઘટી રહી હોવાનું જણાયું ત્યારે નાના ખેડૂતો અને સંશોધકોએ સ્વદેશી જાતોની ઓળખ અને સંરક્ષણ માટે અરજીઓ દાખલ કરી હતી. કેન્યાના નાના ખેડૂતોના આ પ્રયાસોને જોઈને હવે સરકારે પણ ખેડૂતો માટે મદદનો હાથ લંબાવ્યો છે, જોકે અહીં પહેલાથી જ કૃષિ યોજનાઓનો લાભ આપવામાં આવી રહ્યો હતો.
ભારતે પણ બોધપાઠ લેવો જોઈએ
આજે ભારતને મુખ્ય ખાદ્ય સપ્લાયર તરીકે જોવામાં આવે છે. દેશમાં હવે ઓર્ગેનિક ખેતી અને કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, પરંતુ હવે દેશી જાતોનું સ્થાન હાઇબ્રિડ જાતોએ લીધું છે. ભારતમાં ઘણા ખેડૂતો અને સંગઠનો છે જેઓ વૈજ્ઞાનિક ખેતી સિવાય સ્વદેશી જાતોનું જતન કરે છે. આજે પણ ઘણા ગામડાઓમાં દેશી જાતોની ખેતી કરવામાં આવે છે અને આગામી પાક માટે બિયારણ સાચવવામાં આવે છે, પરંતુ હજુ પણ દેશી બિયારણ બેંકનો અભાવ છે.