Lumpy Virus: સૌરાષ્ટ્ર અને કચ્છમાં લમ્પી વાયરસના કહેર, દૂધની આવકમાં ઘટાડો નોંધાયો
સૌરાષ્ટ્ર અને કચ્છમાં લમ્પી વાયરસના કહેરને લઈ રાજકોટ ડેરીના ચેરમેન ગોરધન ધામેલિયાએ નિવેદન આપ્યું છે કે લમ્પી વાયરસના કારણે દૂધની આવકમાં ઘટાડો નોંધાયો છે.
રાજકોટ: સૌરાષ્ટ્ર અને કચ્છમાં લમ્પી વાયરસના કહેરને લઈ રાજકોટ ડેરીના ચેરમેન ગોરધન ધામેલિયાએ નિવેદન આપ્યું છે કે લમ્પી વાયરસના કારણે દૂધની આવકમાં ઘટાડો નોંધાયો છે. રોગચાળો અને વરસાદના કારણે હાલ દૂધની દૈનિક આવક 3.60 લાખ લીટર છે. ચોમાસામાં સામાન્ય 3.70 લાખ લીટર દૈનિક દૂધની આવક રહેતી હોય છે. ત્યારે ત્રણ ટકના દૂધની આવકમાં ઘટાડો નોંધાયો હોવાનું ગોરધન ધામેલિયાએ જણાવ્યું છે.
બે સપ્તાહ સુધી આ ઘટ રહેશે અને ત્યારબાદ દૂધની આવક સ્ટેબલ થઈ જશે તેમ પણ જણાવ્યું હતું. રાજકોટ જિલ્લામાંથી 1.20 લાખ પશુઓને રસી અપાશે. બે દિવસમાં લક્ષ્યાંક પાર પાડવામાં આવશે. અત્યાર સુધીમાં 80 ટકા પશુઓને રસી અપાઈ ચુકી છે. અને કોટડાસાંગાણી સહિતના તાલુકામાં વેક્સિનેશન શરૂ કરી દેવાયું છે.
રોગના લક્ષણ
- રોગના વાયરસ પશુના શરીરમાં દાખલ થયાના એક અઠવાડિયાની અંદર આ રોગના ચિન્હો જોવા મળે છે.
- જેમ કે, પશુને તાવ આવે છે, પશુ ખાવાનું ઓછું કરે છે અથવા તો સંપૂર્ણ બંધ કરી દે છે.
- મોઢામાંથી લાળ પડે છે. ત્યારબાદ પશુની ચામડી પર ફોડલા જેવા ગઠ્ઠા થાય છે, પશુઓની દૂધ ઉત્પાદન ક્ષમતા પર માઠી અસર થાય છે.
- રોગીષ્ટ પશુઓ પોતાના શરીરની રોગપ્રતિકારક શક્તિને લીધે આપોઆપ 2 થી 3 અઠવાડિયામાં સાજુ થઇ જાય છે, રોગચાળો ફ્લાવાનો દર માત્ર 10 થી 20 ટકા છે. જ્યારે મૃત્યુ દર ખૂબજ ઓછો 1 થી 2 ટકા છે.
મનુષ્યમાં નથી ફેલાતો આ રોગ
આ રોગ પશુઓમાંથી મનુષ્યમાં ફેલાતો નથી.આરોગ મુખ્યત્વે તેના લક્ષણો પરથી પરખાઇ આવે છે. તે ઉપરાંત પી.સી.આર. અને એલાઇઝા પ્રકારની ટેસ્ટ દ્વારા લેબોરેટરી નિદાન થાય છે.
રોગચાળાને અટકાવવા અને કાબૂમાં લેવાના પગલાં
આ રોગચાળાને કાબૂમાં લેવા માટે બીમાર પશુઓને બીજા તંદુરસ્ત પશુઓથી તાત્કાલિક અલગ કરવા. પશુઓની રહેઠાણની જગ્યા સ્વચ્છ રાખવી તેમજ યોગ્ય દવાઓનાં ઉપયોગથી માખી, મચ્છર અને ઇતરડી નો ઉપદ્રવ અટકાવવો. રોગગ્રસ્ત વિસ્તારમાંથી કોઇ પશુ લાવવું નહી. આ રોગ તંદુરસ્ત પશુઓમાં ન આવે એટલા માટે તંદુરસ્ત પશુઓમાં રસીકરણ કરવું.