આ મેસેજ વાયરલ થતાં ઠાકોર સમાજના લોકો પોતાનો ગુસ્સો વ્યક્ત કરી કહ્યા છે. ખાસ કરીને વોટ્સએપ પર આ મેસેજ બહુ ફરી રહ્યા છે. ઠાકોર સમાજના યુવાનોનાં ગ્રુપમાં આ મેસેજ મોકલીને તેને વધુ ને વધુ પ્રમાણમાં વાયરલ કરવાની અપીલો પણ કરાઈ છે. આ મેસેજમાં એવો આક્ષેપ પણ કરાયો છે કે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે પણ ઠાકોર સમાજને અન્યાય કરાયો હતો અને આનંદીબેનના શાસનમાં પણ ઠાકોર સમાજને અન્યાય થઈ રહ્યો છે. મેસેજમાં બબ્બે પાટીદાર (રૂપાલા અને માંડવિયા)ને સ્થાન અપાયાનો પણ ઉલ્લેખ છે.
2/5
સોશિયલ મીડિયા પર ફરતા થયેલા સંદેશાઓમાં એવું કહેવાયું છે કે, ગુજરાતમાંથી ઠાકોર સમાજના પાંચ સંસદસભ્યો છે છતાં કેન્દ્રની મોદી કેબિનેટમાં એક પણ ઠાકોરને સ્થાન નથી અપાયું એ ઠાકોર સમાજનું ઘોર અપમાન છે અને એ કોઈ પણ સંજોગોમાં ચલાવી ના લેવાય. ગુજરાતમાંથી ઠાકોર સમાજના લીલાધર વાઘેલા (પાટણ લોકસભા), દેવજીભાઈ ફતેપરા (સુરેન્દ્રનગર લોકસભા), દીપસિંહ રાઠોડ (સાબરકાંઠા), દેવુસિંહ ચૌહાણ (ખેડા) તથા પ્રભાતસિંહ ચૌહાણ (પંચમહાલ) એમ પાંચ સંસદસભ્યો છે તેવો દાવો પણ આ મેસેજમાં કરાયો છે.
3/5
બીજી તરફ ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરે ભાજપ સામે સીધું એલાન-એ-જંગ કરી દીધું છે. અલ્પેશ ઠાકોરે ભાજપને સીધી ધમકી આપતાં કહ્યું છે કે આ ઠાકોર સમાજનું ઘોર અપમાન છે અને હવે 2017માં અમે ઠાકોર સમાજના નેતાને મુખ્યમંત્રી બનાવીને બતાવીશું. અલ્પેશ ઠાકોરે ઠાકોર સમાજને પણ અપીલ કરી છે કે 2017ની ચૂંટણી પછી આપણા ઠાકોર સમાજનો નેતા મુખ્યમંત્રી બને તે જોવું જોઈએ. આપણે આ માટે કમર કસીને કામે લાગી જવું પડશે. ઠાકોર સમાજના ઘોર અપમાન માટે ભાજપને માફ ના કરી શકાય.
4/5
મેસેજમાં લખાયું છે કે, ભાજપવાળાને એવું લાગે છે કે ઠાકોર સમાજ જોઈ નથી રહ્યો કે પછી સમજી વિચારીને ઠાકોર સમાજને અન્યાય થઈ રહ્યો છે. ઠાકોર સમાજના પાંચ-પાંચ સંસદસભ્યો હોવા છતાં મોદી, અમિત શાહ, આનંદીબેન જાણી જોઈને ઠાકોર સમાજની અવગણના કરીને અન્યાય કરી રહ્યા છે. મેસેજમાં અપીલ કરાઈ છે કે, ઠાકોર સમાજ જાગે અને વિરોધ કરે, ભાજપથી ચેતે. ઠાકોર સમાજે વિચારવાનું રહ્યું કે 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોની સાથે રહેવું જોઈએ. ગુજરાતના વિકાસ રૂંધનારા લોકોને જલસા અને વિકાસમાં સિંહફાળો આપનારાઓને લોલીપોપ. વાહ રે, ભાજપા તારો અન્યાય......
5/5
અમદાવાદઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી કેબિનેટના વિસ્તરણમાં ગુજરાતના ઠાકોર સમાજના એક પણ સંસદસભ્યને સ્થાન ના મળતાં સોશિયલ મીડિયા પર ઠાકોર સમાજને અન્યાય થયો હોવાના મેસેજ ફરતા થયા છે. આ મેસેજ વાયરલ થયા છે અને સમગ્ર ઠાકોર સમાજમાં ચર્ચાનો વિષય બન્યા છે.