અમદાવાદ: આમરણાંત ઉપવાસના પાંચમાં દિવસ હાર્દિક પટેલને મળવા માટે પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટ પહોંચ્યા હતા. આ ઉપરાંત ધંધુકાના ધારાસભ્ય રાજેશભાઈ ગોહિલ પણ હાર્દિકને મળવા પહોંચ્યા હતા. સંજીવ ભટ્ટની મુલાકાત અંગે હાર્દિકે ટ્વિટ પર લખ્યું હતું કે, વિજય સંકલ્પ આમરણાંત ઉપવાસના પાંચમાં દિવસે છાવણી પર પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટ હાજર રહ્યા હતા. સંજીવ ભટ્ટે કહ્યું હતું કે, પોલીસ પોતાની ઈમાનદારી અને ફરજ ભૂલી ગઈ છે. ગુજરાતની પોલીસે લોકોનો ભરોસો તોડ્યો છે.
2/4
કલમ 144નો ઉપયોગ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કરવામાં આવે છે. પરંતુ અહીં તો લોકોને હાર્દિકને મળવા માટે આવતા રોકવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. કાયદાનું ખોટું અર્થઘટન કરવામાં આવી રહ્યું છે. પ્રજા અહીં પહોંચી ન શકે તે માટે કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. અધિકારીઓ પોતાની સૂઝબૂઝથી કામ કરી રહ્યા નથી તેઓ સરકારની દોરવણી હેઠળ કામ કરે છે.
3/4
પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટે હાર્દિક પટેલ સાથે મુલાકાત કરી હતી. સંજીવ ભટ્ટે જણાવ્યું હતું કે, હું વ્યક્તિગત મુલાકાત લેવા માટે અહીં આવ્યો છું. હાર્દિકના મુદ્દા યુવાનો અને લોકોને સીધા જ સ્પર્શે છે. હાર્દિક લોકોનો અવાજ સરકારને પહોંચાડવાનું કામ કરે છે. આઝાદીના આટલા વર્ષો બાદ પણ અનામતની સ્થિતિ અંગે ચર્ચા થવી જોઈએ.
4/4
હાર્દિકને મળવા આવેલા સંજીવ ભટ્ટ અને ધોળકાના ધારાસભ્ય રાજેશભાઈ ગોહિલની કારને પોલીસે હાર્દિકના ઘર બહાર જ અટકાવી દીધી હતી. કારની તપાસ બાદ બંનેને ગાડી સાથે હાર્દિકની મુલાકાત માટે જવા દેવામાં આવ્યા હતા.