Union Budget 2024: પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 10 લાખ કરોડના રોકાણની જાહેરાત, 1 કરોડ લોકોને મળશે ઘર
Union Budget 2024:નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી છે કે પીએમ આવાસ યોજના હેઠળ શહેરી આવાસના વિકાસ માટે 10 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
Union Budget 2024: સરકારે તેના સામાન્ય બજેટમાં શહેરી આવાસને લઈને વિશેષ આયોજન કર્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી છે કે પીએમ આવાસ યોજના હેઠળ શહેરી આવાસના વિકાસ માટે 10 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. અર્બન હાઉસિંગ સ્કીમ 2.0 હેઠળ સરકાર 1 કરોડ લોકોને ઘર અપાશે.
આ સિવાય નાણામંત્રીએ કહ્યું છે કે રેન્ટલ હાઉસિંગને પ્રોત્સાહન આપવા પર પણ કામ કરવામાં આવશે. આ માટે રેગ્યુલેશન માટે નિયમો બનાવવામાં આવશે. નાણામંત્રીએ કહ્યું કે જે રાજ્યો સ્ટેમ્પ ડ્યુટીમાં ઘટાડો કરશે તેમને પ્રોત્સાહન આપવામાં આવશે. આ સિવાય સસ્તા દરે લોન માટે વ્યાજ સબસિડી સ્કીમ પણ લાવવામાં આવશે.
બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રીએ કહ્યું કે આગામી પાંચ વર્ષમાં શહેરી આવાસ માટે 2.2 લાખ કરોડ રૂપિયાની કેન્દ્રીય સહાય આપવામાં આવશે. સરકાર રેન્ટલ હાઉસિંગની વધુ સારી ઉપલબ્ધતા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આ માટે કાર્યક્ષમ અને પારદર્શક ભાડાંના પગલાં લેવામાં આવશે. હવે શહેરી વિસ્તારોમાં જમીનની વિગતો ડિજિટલ રીતે એકત્રિત કરવામાં આવશે.
શહેરી વિકાસના વિશેષ મુદ્દાઓ
-100 મોટા શહેરો માટે પાણી પુરવઠો, સુએજ ટ્રીટમેન્ટ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ્સ અને સેવાઓ
-30 લાખથી વધુ વસ્તી ધરાવતા 14 મોટા શહેરો માટે પરિવહન સંબંધિત વિકાસ યોજનાઓ
-પીએમ આવાસ યોજના અર્બન 2.0 હેઠળ, 1 કરોડ શહેરી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને લાભ મળશે.
-પસંદગીના શહેરોમાં 100 સાપ્તાહિક 'હાટ' અથવા સ્ટ્રીટ ફૂડ હબ બનાવવામાં આવશે.
-જાહેર ખાનગી ભાગીદારી (PPP) મોડમાં ઔદ્યોગિક કામદારો માટે ભાડાના મકાનોનું બાંધકામ.
પીએમ આવાસ યોજના શું છે અને કોને મળે છે લાભ?
0લોકોનું પોતાનું ઘર હોવાનું સ્વપ્ન સાકાર કરવા માટે ભારત સરકારે PM આવાસ યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ લાખો લોકોનું પોતાનું ઘર હોવાનું સ્વપ્ન સાકાર થયું છે. જે લોકો પાકુ મકાન બનાવવા ઈચ્છે છે તેમને સરકાર આર્થિક સહાય પૂરી પાડે છે.
આ યોજનાનો ભાગ બનવા માટે તમારે કેટલીક શરતો પૂરી કરવી પડશે. આ માટે જો તમે આ યોજના માટે અરજી કરવા માંગો છો તો તમારી પાસે તમારું પોતાનું કોઈ ઘર ન હોવું જોઈએ. જો પરિવારના કોઈપણ સભ્યની સરકારી નોકરી હોય તો તેઓ પણ આ યોજનાનો લાભ લઈ શકતા નથી.આર્થિક રીતે નબળા અને ઓછી આવક ધરાવતા વર્ગના પરિવારની મહિલા વડાને આ યોજનાનો લાભ મળશે.EWS સાથે સંકળાયેલા લોકોની વાર્ષિક આવક 3 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ.