રાજ્યમાં હત્યાના ઉપરાછાપરી બનાવો: અમદાવાદમાં પુત્રએ પિતાને રહેંસી નાંખ્યા, અમરેલી, નર્મદા અને મહેસાણામાં પણ હત્યા
Crime News: જૂની અદાવત, ખેતરના રસ્તા અને કૌટુંબિક ઝઘડામાં હત્યા, પોલીસ દ્વારા તપાસ અને આરોપીઓની ધરપકડ.

Gujarat murder cases: ગુજરાતના જુદા જુદા ભાગોમાંથી તાજેતરમાં હત્યાના ઉપરા-છાપરી બનાવો સામે આવ્યા છે, જેના કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. કૌટુંબિક વિવાદ, જૂની અદાવત અને જમીન સંબંધિત ઝઘડા જેવી બાબતોમાં હત્યા જેવી ગંભીર ઘટનાઓ બની છે.
અમદાવાદમાં પુત્રના હાથે પિતાની હત્યા
અમદાવાદના બાપુનગર વિસ્તારમાં એક પુત્રએ કંટાળીને પોતાના પિતાની હત્યા કરી નાખી હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, પિતા નશો કરીને ઘરમાં સતત ઝઘડા કરતા હતા, જેનાથી કંટાળીને પુત્ર ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે પિતાને માર માર્યો હતો. આ હુમલામાં પિતાને માથા અને પેટના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી, જેના કારણે તેમનું મૃત્યુ થયું હતું. બાપુનગર પોલીસે આ મામલે કાર્યવાહી કરીને આરોપી પુત્ર સોનુ શર્માની ધરપકડ કરી છે.
નર્મદાના પીપલોદ ગામમાં મહિલાની હત્યા
નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના પીપલોદ ગામમાં પણ એક ૪૮ વર્ષીય મહિલાની કરપીણ હત્યાનો બનાવ સામે આવ્યો છે. મૃતક રમીલાબેન વસાવાનો મૃતદેહ તેમના જ ઘરના આંગણામાંથી મળી આવ્યો હતો. મહિલાના ગળાના ભાગે ઈજાના નિશાન જોવા મળ્યા હતા, જેના પરથી પરિવારજનોએ ગળું દબાવીને હત્યા કરાઈ હોવાની આશંકા વ્યક્ત કરી હતી. ઘટનાસ્થળે પોલીસ પહોંચી ત્યારે મૃતકના પરિવાર અને પોલીસ વચ્ચે રકઝક પણ થઈ હતી. બાદમાં લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી હતી. ડેડીયાપાડા પોલીસે આ મામલે અજાણ્યા શખ્સ સામે હત્યાનો ગુનો નોંધી એફએસએલ, ડોગ સ્ક્વોડ અને હ્યુમન સોર્સીસની મદદથી તપાસ શરૂ કરી છે. મૃતકની પુત્રી રમીલાબેને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
અમરેલીના ખીજડિયા ગામે આધેડની હત્યા
અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના ખીજડિયા ગામે પણ એક આધેડની હત્યા કરી દેવાઈ છે. ખેતરના રસ્તા બાબતે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ૫૫ વર્ષીય કાળુભાઈ વાળા પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા કાળુભાઈનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ મામલે પોલીસે જયરાજ વાળા અને રાજદીપ વાળા નામના બે યુવકો સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મહેસાણામાં યુવકની હત્યાનો કેસ, ૩ આરોપી ઝડપાયા
મહેસાણા શહેરમાં ત્રણ દિવસ પહેલા જૂની અદાવતમાં એક યુવકની હત્યા કરી દેવાઈ હતી. વિક્રમસિંહ વાઘેલા નામના યુવકને એક્ટિવા પર જતાં ચાર શખ્સોએ કારમાં આવીને આંતર્યો હતો અને તેમની હત્યા કરીને ફરાર થઈ ગયા હતા. મહેસાણા પોલીસે આ મામલે ઝડપી કાર્યવાહી કરીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે એક આરોપી હજુ પણ ફરાર છે, જેને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
રાજ્યના અલગ અલગ ભાગોમાં બનેલી આ હત્યાની ઘટનાઓ કાયદો અને વ્યવસ્થા માટે પડકારરૂપ છે. પોલીસ દ્વારા તમામ કેસોમાં તપાસ અને આરોપીઓને પકડવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.





















