દમણમાં હોસ્પિટલના સિક્યોરિટી ગાર્ડે 11 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું, પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપ્યો
દમણ પોલીસે ગણતરીના કલાકોમાં જ સિક્યોરિટી ગાર્ડ પ્રશાંત કુમારની દમણ બસસ્ટેંડ વિસ્તારમાંથી ધરપકડ કરી હતી.
દમણઃ સંઘ પ્રદેશ દમણમાં 11 વર્ષની બાળકી પર બળાત્કારની ઘટના બનતા ચકચાર મચી ગઇ છે. મળતી જાણકારી અનુસાર દમણના દરિયા કિનારે આવેલી મરવડ સરકારી હોસ્પિટલમાં એક મહિલા સારવાર માટે દાખલ થઈ હતી. ત્યારે તેમની 11 વર્ષની બાળકી પર હોસ્પિટલના સિક્યોરિટી ગાર્ડ પ્રશાંતે દુષ્કર્મ આચર્યું હતું અને ત્યાર બાદ ફરાર થઈ ગયો હતો. બાદમાં બાળકીએ આ તમામ ઘટનાની જાણ પરિવારને કરતા પોલીસ નોંધવામાં આવી હતી.
જે બાદ દમણ પોલીસે ગણતરીના કલાકોમાં જ સિક્યોરિટી ગાર્ડ પ્રશાંત કુમારની દમણ બસસ્ટેંડ વિસ્તારમાંથી ધરપકડ કરી હતી. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આરોપી છેલ્લા 4 મહિનાથી દમણની સરકારી હોપિટલમાં સિક્યુરિટી તરીકે નોકરી કરતો હતો. પોલીસના મતે આરોપી મૂળ બિહારનો રહેવાસી છે અને 4 મહિના અગાઉ જ દમણની સરકારી હોસ્પિટલમાં નોકરી પર જોડાયો હતો
પોલીસના જણાવ્યા પ્રમાણે સંઘ પ્રદેશ દમણના દરિયા કિનારે આવેલી મરવડ સરકારી હોસ્પિટલમાં એક મહિલા બીમારીને કારણે દાખલ થઇ હતી. મહિલા દર્દી સાથે તેની પુત્રી પણ હોસ્પિટલ આવી હતી. આમ બીમાર મહિલાની સારસંભાળ માટે સાથે આવેલી 11 વર્ષની બાળકી પર સિક્યોરિટી ગાર્ડે પ્રશાંત કુમારે દાનત બગાડી હતી. અને પાણી પીવાના બહાને રૂમમાં લઇ જઈ અને બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ આચર્યા બાદ નરાધમ પ્રશાંતકુમાર હોસ્પિટલમાંથી ફરાર થઈ ગયો હતો. જોકે હોસ્પિટલમાં ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક દમણ પોલીસને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતા જોતા દમણ પોલીસ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આરોપીને શોધવા તપાસ તેજ કરી હતી.
આરોપીને પકડવામાં ગણતરીના સમયમાં જ દમણ પોલીસને સફળતા મળી હતી. બાળકી પર દુષ્કર્મ આચરનાર નરાધમ સિક્યુરિટી ગાર્ડ પ્રશાંતકુમાર વતન બિહાર ભાગવાની ફિરાકમાં હતો એ વખતે જ પોલીસે તેને દબોચી સળિયા પાછળ ધકેલી દીધો હતો. નરાધમ આરોપી પ્રશાંતકુમાર મૂળ બિહારના જહાંનાબાદનો રહેવાસી હતો. છેલ્લા 4 મહિનાથી દમણની સરકારી હોપિટલમાં સિક્યુરિટી તરીકે નોકરી કરતો હતો.