Crime News: રીલ બનાવવા બાબતે પત્નીથી ગુસ્સે ભરાયેલા પતિએ કરી હત્યા, ત્રણ દિવસ સુધી લાશ સાથે સૂતો રહ્યો!
પત્નીને અન્ય સાથે રીલ બનાવતી જોઈ પતિ થયો બેકાબૂ, ગળું કાપી કાંડા પણ વાઢ્યા, પોલીસે આરોપીની ધરપકડ કરી.

Agra murder over reels: ઉત્તર પ્રદેશના આગ્રામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક પતિ તેની પત્નીના મોબાઈલ પર રીલ બનાવવાના શોખથી એટલો ગુસ્સે ભરાયો કે તેણે તેની હત્યા કરી નાખી. આ ચોંકાવનારી વાત એ છે કે હત્યા કર્યા બાદ આરોપી પતિ ત્રણ દિવસ સુધી પત્નીના મૃતદેહ સાથે એક જ રૂમમાં રહ્યો. પોલીસે આ મામલે આરોપીની ધરપકડ કરી લીધી છે.
આ ઘટના આગ્રાના સુંદર પાડા, બાર્બર માર્કેટ વિસ્તારમાં બની હતી. માહિતી અનુસાર, શક્તિ સિંહ નામના વ્યક્તિએ બે વર્ષ પહેલાં પાર્વતી નામની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ થોડો સમય તો બધું બરાબર ચાલ્યું, પરંતુ ત્યારબાદ બંને વચ્ચે નાની-મોટી બાબતોમાં ઝઘડા થવા લાગ્યા હતા. પાર્વતીની બહેન ગીતા દૂર રહેતી હોવાથી તે અવારનવાર પોતાની બહેનને મળવા આવતી રહેતી હતી.
ગીતાએ છેલ્લા ત્રણ દિવસથી પાર્વતી સાથે કોઈ વાતચીત કરી નહોતી. જ્યારે તેને પોતાની બહેનની ચિંતા થઈ તો તે તેના ઘરે પહોંચી. ત્યાં તેણે જે જોયું તે અત્યંત ભયાનક હતું. રૂમમાં પાર્વતીનું લોહીથી લથબથ શરીર પડેલું હતું. તેની ગરદન કપાયેલી હતી અને તેના કાંડા પર પણ ઊંડા ઘાના નિશાન હતા. ગીતાએ તાત્કાલિક પોલીસને જાણ કરી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહનો કબજો લીધો અને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે મૃતદેહ લગભગ ત્રણ દિવસ જૂનો હતો.
પોલીસની પૂછપરછમાં આરોપી પતિ શક્તિ સિંહે જણાવ્યું કે તેને તેની પત્ની પાર્વતીનું રીલ બનાવવું પસંદ નહોતું. પાર્વતીને મોબાઈલથી રીલ બનાવવાનો શોખ હતો, પરંતુ શક્તિને તે ગમતું નહોતું અને આ બાબતે તેમની વચ્ચે ઘણી વખત ઝઘડા થતા હતા. એટલું જ નહીં, શક્તિને પાર્વતીનું અન્ય લોકો સાથે વાત કરવું પણ પસંદ નહોતું.
પોલીસે આરોપીની પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે શક્તિને શંકા હતી કે તેની પત્ની રીલ બનાવવાના બહાને અન્ય યુવકો સાથે વાત કરે છે. તેણે પાર્વતીને આવું કરવાથી રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જેના કારણે આવેશમાં આવીને શક્તિએ પાર્વતીને મોતને ઘાટ ઉતારી દીધી. આરોપીએ પોલીસને જણાવ્યું કે તેણે બ્લેડથી પાર્વતીનું ગળું કાપી નાખ્યું હતું અને તેને ડર હતો કે કદાચ તે બચી જશે, તેથી તેણે તેના હાથના કાંડા પણ કાપી નાખ્યા હતા. હત્યા કર્યા બાદ શક્તિ ત્રણ દિવસ સુધી પત્નીના મૃતદેહ સાથે રૂમમાં જ રહ્યો અને કોઈને શંકા ન જાય તે માટે તે લોકો સાથે સામાન્ય રીતે વાત કરતો રહ્યો. આરોપીએ વધુમાં જણાવ્યું કે થોડા વર્ષો પહેલાં તેમની મુલાકાત થઈ હતી અને પ્રેમ થયા બાદ તેમણે પોતાની મરજીથી લગ્ન કર્યા હતા. આ ઘટનાએ પ્રેમ સંબંધો અને સોશિયલ મીડિયાના ઉપયોગને લઈને અનેક સવાલો ઊભા કર્યા છે. પોલીસ આ કેસની વધુ તપાસ કરી રહી છે.





















