Crime News: વાપીમાં પુત્રએ કરી પિતાની હત્યા, પત્નીની છેડતી કરતા હોવાથી મર્ડર કર્યાની આરોપીની કબૂલાત
Crime News: વાપી તાલુકાના કરવડ ગામમાં એક પુત્ર પર પોતાના જ પિતાની હત્યાનો આરોપ લાગ્યો હતો

Crime News: વાપી તાલુકાના કરવડ ગામમાં એક પુત્ર પર પોતાના જ પિતાની હત્યાનો આરોપ લાગ્યો હતો. મળતી જાણકારી અનુસાર, વાપીના કરવડમાં પત્નીની છેડતી મુદ્દે પુત્રએ પોતાના પિતાની હત્યા કર્યાનો આરોપ છે. આરોપી પુત્ર આનંદે પોતાના પિતા સુરેશ જહાની હત્યા કરવડ તળાવ કિનારે કરી હતી. પુત્રએ પિતાની હત્યા કરી મૃતદેહને તળાવમાં ફેંકી દીધો હતો. પોલીસ તપાસમાં આરોપી પુત્રએ પોતાનો ગુનો કબૂલ્યો હતો. આરોપી પુત્રની પોલીસે ધરપકડ કરી હતી.
પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે પત્નીની છેડતીને લઈને પુત્રએ પિતાની હત્યા કર્યાનો આરોપ લાગ્યો છે. 6 સપ્ટેમ્બરે કરવડના તળાવના કાંઠેથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે તપાસ કરતા મૃતદેહ સુરેશ જહાનો હોવાનો ખુલાસો થયો હતો. પોલીસે વધુ તપાસ કરતા ખુલાસો થયો કે ઘટનાના દિવસે સુરેશભાઈ તેના પુત્ર આનંદ સાથે કામ માટે નિકળ્યા હતા. જો કે રાત્રે આનંદ એકલો જ ઘરે આવતા તેની બહેને સુરેશભાઈ વિશે પુછ્યું હતું. કંઈ જ ન બન્યું હોય તેમ આનંદે પોતાના પિતા ક્યારના છૂટા પડી ગયા હોવાનું નાટક કર્યુ હતું. મૃતક સુરેશભાઈની પુત્રીને શંકા જતા ડુંગરા પોલીસને જાણ કરી હતી. પોલીસની કડક પૂછપરછમાં પુત્ર આનંદે પિતાની હત્યા કર્યાની કબૂલાત કરી હતી. પત્નીની છેડતી મુદ્દે આનંદ પિતા સુરેશભાઈને લઈને તળાવના કાંઠે પહોંચ્યો હતો. જ્યાં પથ્થરોના ઘા મારીને હત્યા કરી પિતાના મૃતદેહને તળાવમાં ફેંકી દીધો હતો. હાલ તો પોલીસે આરોપી પુત્રની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
દીકરીના આરોપ મુજબ, ભાભી સાથેના વિવાદને કારણે આનંદે પિતાની હત્યા કરી છે. જે દિશામાં ડુંગરા પોલીસે કેસ દાખલ કરી તપાસ શરૂ કરી હતી. પોલીસે આનંદની પૂછ પરછ કરતા આનંદ પોલીસ સામે પડી ભાંગ્યો અને તેણે પોલીસ સમક્ષ પોતાનો ગુનો કબૂલ્યો હતો. પોતાની પત્નીની છેડતીને લઈ પુત્ર પિતાને તળાવ કિનારે લઈ જઈ અને પથ્થરો ઝીકી હત્યા નીપજાવી હતી અને ઘટનાને છૂપાવવા પુત્રએ પિતાના મૃતદેહને તળાવમાં ફેંકી દીધો હતો. જોકે પિતાની લાશ તળાવમાં તરતી દેખાતા જ લોકોએ પોલીસને જાણ કરી હતી.





















