CRIME NEWS: વડોદરામાં MS યુનિવર્સિટીના વિદ્યાર્થીની લાશ મળી આવતા ચકચાર
વડોદરા: શહેરમાં યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. યુવકની હત્યા કરાઈ હોવાની આશંકા સેવાઈ રહી છે. મૃતદેહ માંજલપુરના દક્ષ પટેલનો હોવાની માહિતી સામે આવી છે.
વડોદરા: શહેરમાં યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. યુવકની હત્યા કરાઈ હોવાની આશંકા સેવાઈ રહી છે. મૃતદેહ માંજલપુરના દક્ષ પટેલનો હોવાની માહિતી સામે આવી છે. સયાજીગંજના પાર્કિંગમાં હાથ પગ બાંધેલી હાલતમાં લાશ મળી આવી છે. એમ.એસ યુનિવર્સિટીનો વિદ્યાર્થી હોવાનું સામે આવ્યું છે. આ અંગે સયાજીગંજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
યુવાને સગીરાના ગળા પર મૂકી છરી
કોરોનાકાળના બે વર્ષ બાદ ચાલુ વર્ષે રાજ્યમાં ગરબાના મોટા પાયે આયોજન થયા છે. જોકે આ વખતે ગરબામાં માથાકૂટની ઘટનાઓ પણ આવી છે. આ દરમિયાન ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગરબા ગ્રાઉન્ડ પર એક તરફી પ્રેમમાં પાગલ બનેલા યુવાને સગીરાના ગળા પર ચપ્પું મૂક્યું હતું. પાગલ પ્રેમીએ સગીરાને બાથમાં લઇ ગળા ઉપર ચપ્પું મૂકી તું મારી જોડે નથી બોલતી એટલે જાનથી મારી નાંખીશ કહી બાનમાં લીધી હતી. આ સમયે સગીરાને છોડાવવા પડેલા ઉપર પણ યુવકે હુમલો કર્યો હતો. સગીરાને ચપ્પુના ઘા વાગતાં હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
વાઘોડિયાના જરોદમા યુવાન પર ખંજરથી હુમલો કરી ઢીમ ઢાળી દીધું
વાઘોડિયાનાં જરોદમાં એકજ સમાજના લોકો વચ્ચે સામાન્ય બોલાચાલી બાદ મામલો વણસ્યો હતો. ગત રાત્રે વહાણવટી માતાજીના મંદિરે જ્વારા બાબતે બોલાચાલી થઈ હતી. જે બાદ મામલતો બીચકતાં યુવાન પર ખંજરથી હુમલો કરીને ઢીમ ઢાળી દેવામાં આવ્યું હતું. અર્જુન ભાલીયા (ઉ.વ.25) નામના યુવાનપર અન્ય યુવાને ખંજરથી હુમલો કર્યો હતો. ખંજરના તીક્ષ્ણ ઘાથી યુવકનું ઘટના સ્થળે મોત થયું હતું. યુવાનની હત્યા બાદ શખ્સો ફરાર થઈ ગયા હતા. ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. પોલીસે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી.
માતરના ઉંઢેરા ગામમાં ગરબા દરમિયાન બબાલ
ખેડા જિલ્લાના માતર તાલુકાના ઉંઢેરા ગામે નવરાત્રી દરમિયાન પથ્થરમારાની ઘટના બની છે. નવરાત્રીના તહેવારમા ગરબા રમવા બાબતે એક સમુદાયના 150 થી 200 લોકોના ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. તુળજા માતાના મંદિર પાસે અંદાજે 300 જેટલા ગરબા રમી રહેલા લોકો પર પથ્થરમારો કરાયો. માતર પોલીસ,ખેડા LCB, SOG ની ટીમ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.
ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યાં
પથ્થરમારાની ઘટના માં 6 થી 8 લોકો ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે ખસેડાયા છે. ઘટનાના પગલે ખેડા ડીએસપી રાજેશ ગઢીયા, ખેડા Dysp વી.આર.બાજપાઈ , માતર મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઉંઢેરા ગામે દોડી આવ્યા હતા અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.
પથ્થરમારામાં બે પોલીસકર્મી ઘાયલ
પોલીસની હાજરીમાં કરવામાં આવેલા પથ્થરમારા માં બે જેટલા પોલીસ જવાન ઈજાગ્રસ્ત થયા હતા. સ્થાનિકનો કહેવા મુજબ, અહીંયા ગરબા નહીં રમવાના તેમ કહી પથ્થરમારો કરાયો હતો.
સાવલીમાં પણ પથ્થરમારો
ગુજરાતના વડોદરામાં ગરબા બાદ બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી, જે બાદ તંગદિલીનો માહોલ સર્જાયો છે. ઘટના સાવલીની છે જ્યાં બે જૂથના લોકોએ એકબીજા પર પથ્થરમારો કર્યો હતો, જેની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘણા લોકોની અટકાયત કરી હતી. સાથે જ આ વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.