'પતિ સાથે શારીરિક સંબંધ બાંધવાનો ઈનકાર, અફેર હોવાની શંકા કરવી ક્રૂરતા', કોર્ટે મહિલાની અરજી ફગાવી
આ દંપત્તિએ 2013માં લગ્ન કર્યા હતા પરંતુ ડિસેમ્બર 2014માં અલગ રહેવાનું શરૂ કર્યું. 2015માં પુરુષે ક્રૂરતાના આધારે પુણે ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી

બોમ્બે હાઈકોર્ટે એક મહિલાની અરજી ફગાવી દીધી છે, જેમાં તેણે ફેમિલી કોર્ટના છૂટાછેડાના આદેશને પડકાર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે પત્ની દ્ધારા તેના પતિ સાથે શારીરિક સંબંધ બાંધવાનો ઇનકાર કરવો અને તેના પર પ્રેમ સંબંધ હોવાની શંકા રાખવી એ ક્રૂરતા છે. હાઈકોર્ટે કહ્યું હતું કે પત્નીના વર્તનથી પતિને માનસિક પીડા પહોંચી છે અને આ લગ્નમાં સુધારો થવાની કોઈ શક્યતા નથી.
દેશભરમાં આવા ઘણા છૂટાછેડાના કેસ આવી રહ્યા છે, જેના માટે વિવિધ દલીલો આપવામાં આવી રહી છે. બોમ્બે હાઈકોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે પત્નીની અરજી ફગાવી દીધી છે. છૂટાછેડાના આદેશને યથાવત રાખતા કોર્ટે મહિલાની મહિને 1 લાખ રૂપિયાના ભરણપોષણની માંગને પણ ફગાવી દીધી છે.
બોમ્બે હાઈકોર્ટે સ્વીકાર્યું કે લગ્ન પછી પતિ દ્વારા શારીરિક સંબંધ બાંધવાનો ઇનકાર કરવો ખોટું નથી. જોકે, તેના પર પ્રેમ સંબંધની શંકા રાખવી એ ક્રૂરતા છે. ન્યાયાધીશ રેવતી મોહિતે ડેરે અને નીલા ગોખલેની ડિવિઝન બેન્ચે ગુરુવારે કહ્યું કે મહિલાના વર્તનને તેના પતિ પ્રત્યે "ક્રૂરતા" માની શકાય છે.
કોર્ટે ફેમિલી કોર્ટના આદેશને પડકારતી મહિલાની અરજી ફગાવી દીધી હતી, જેમાં તેના પતિના છૂટાછેડાની અરજી સ્વીકારનારા ફેમિલી કોર્ટના આદેશને પડકારવામાં આવ્યો હતો. મહિલાએ પોતાના પતિને એક લાખ રૂપિયા મહિને ભરણપોષણ ચૂકવવાનો નિર્દેશ આપવાની પણ માંગ કરી હતી.
હાઈકોર્ટે પતિની તરફેણમાં ચુકાદો આપ્યો
આ દંપતીએ 2013માં લગ્ન કર્યા હતા પરંતુ ડિસેમ્બર 2014માં અલગ રહેવાનું શરૂ કર્યું. 2015માં પુરુષે ક્રૂરતાના આધારે પુણે ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી, જે મંજૂર કરવામાં આવી હતી. મહિલાએ પોતાની અરજીમાં કહ્યું હતું કે તેના સાસરિયાઓ તેને હેરાન કરતા હતા પરંતુ તે હજુ પણ તેના પતિને પ્રેમ કરતી હતી અને તેથી તે લગ્નનો અંત લાવવા માંગતી નહોતી.
જોકે, પતિએ અનેક આધાર પર ક્રૂરતાનો દાવો કર્યો હતો જેમાં શારીરિક સંબંધ બાંધવાથી ઈનકાર કરવો, તેના પર લગ્નેત્તર સંબંધ હોવાની શંકા કરવી અને તેના પરિવાર, મિત્રો અને કર્મચારીઓ સામે તેને શરમજનક સ્થિતિમાં મુકીને માનસિક પીડા પહોંચવાડવાનું સામેલ છે.
કોર્ટે કહ્યું કે મહિલાનું પતિની દિવ્યાંગ બહેન સાથે ઉદાસીન વર્તન ચોક્કસપણે તેના અને તેના પરિવારના સભ્યોને દુઃખ પહોંચાડશે. કોર્ટે મહિલાની અરજી ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે દંપત્તિ વચ્ચે લગ્ન તૂટી ગયા છે અને તેને સુધારવાની કોઈ શક્યતા નથી.




















