Crime News: આને કહેવાય અસલી હિરો, અસ્થિર મગજની યુવતીની લાજ બચાવવા વલસાડના આ યુવકે આપી દીધો પોતાનો જીવ
વલસાડ: કપરાડામાં અસ્થિર મગજની યુવતીની લાજ બચાવવા જતા માજી તાલુકા પંચાયતના સભ્યની હત્યા કરવામાં આવી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
વલસાડ: કપરાડામાં અસ્થિર મગજની યુવતીની લાજ બચાવવા જતા માજી તાલુકા પંચાયતના સભ્યની હત્યા કરવામાં આવી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે વિગતે વાત કરીએ તો વલસાડ જિલ્લાના કપરાડાના ડુંગળી ફળિયામાં વાજવાડીયા પરિવારના મોભી અને કપરાડા તાલુકા પંચાયતના માજી સભ્ય રામજીભાઈ વાજવડીયા અને તેમના માતા સુંદરીબેન રહેતા હતા. જોકે સેવાભાવી આ પરિવાર દ્વારા બાજુના ગામની એક અસ્થિર મગજની યુવતીને પોતાના ઘરે આશરો આપ્યો હતો. આથી અસ્થિર મગજની યુવતી તેમના ઘરે રહેતી હતી. જોકે આ ફળિયામાં જ રહેતા નવસુ જમશું વઢાળી નામના એક આધેડની દાનત બગડી અને તે મોડી રાત્રે અસ્થિર મગજની યુવતીની લાજ લેવાના હેતુસર વાજવડીયા પરિવારના ઘરે પહોંચ્યો હતો. જ્યાં રાતના અંધકારમાં બધા સુતા હતા એ વખતે જ નરાધમ આરોપીએ અસ્થિર મગજની યુવતીનું મોઢું દબાવી તેના પર દુષ્કર્મ આચારવાનો પ્રયાસ કર્યો હતો.
જોકે યુવતીએ બૂમાબૂમ કરતા ઘરના મહિલા સભ્ય ઉઠી ગયા હતા અને બુમા બૂમ થતાં ઘરના મોભી એવા તાલુકા પંચાયતના માજી સભ્ય રામજીભાઈ વાજડીયાએ યુવતીની લાજ બચાવવા વચ્ચે પડયા હતા. આ દરમિયાન નવસુ જમસુ અને રામજીભાઈ વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ દરમિયાન આવેશમાં આવેલા નરાધમ આરોપીએ રામજીભાઈના પ્રાઈવેટ પાર્ટ પર ઉપરાછાપરી લાતો મારતા તેમનું ઘટના સ્થળ પર જ કરૂણ મોત નીપજ્યુ હતું. જોકે ત્યારબાદ આરોપી ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતાં જ કપરાડા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને યુવતીની લાજ બચાવવા પડેલા યુવકની હત્યા કરનાર આરોપી નવસું જમશું વઢાળીની ધરપકડ કરી તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. તેના વિરુધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જોકે આ ઘટનામાં અસ્થિર મગજની યુવતીની લાજ બચાવવા જતા સેવાભાવી માજી તાલુકા પંચાયતના સભ્યની હત્યાની ઘટનાને કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. આથી નરાધમ આરોપી નવસુને કડકમાં કડક દાખલારૂપ સજા કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. ત્યારે કપરાડા પોલીસે હવે આરોપીની ધરપકડ કરી તેના વિરુધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શાસ્ત્રી પાર્ક વિસ્તારમાં એક ઘરમાંથી મળ્યા છ મૃતદેહ
દેશની રાજધાની દિલ્હીના શાસ્ત્રી પાર્ક વિસ્તારમાં શુક્રવારે એક ઘરમાંથી 6 લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. આ તમામ એક જ પરિવારના સભ્યો છે. જ્યારે તે સૂતા હતા, ત્યારે તેમને કાર્બન મોનોક્સાઇડની ગંધ આવી હતી. આ કાર્બન મોનોક્સાઇડ મચ્છર ભગાડનારી દવાને સળગાવાથી ઉત્પન્ન થયો હતો. ઉત્તર પૂર્વ જિલ્લાના ડીસીપીએ આ માહિતી આપી છે.