Ahmedabad: શાહીબાગમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મ, 4 નરાધમોની ધરપકડ
અમદાવાદ શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના શાહીબાગ વિસ્તારમાં સામૂહિક દુષ્કર્મની ઘટના બની છે.

અમદાવાદ: અમદાવાદ શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના શાહીબાગ વિસ્તારમાં સામૂહિક દુષ્કર્મની ઘટના બની છે. ચાર નરાધમોએ સાથે મળીને એક 15 વર્ષીય સગીરાને પીંખી નાખી હતી. આ ઘટનાને સમગ્ર શહેરમાં હાહાકાર મચાવ્યો છે. સગીરા જે સોસાયટીમાં રહેતી હતી તે સોસાયટીમાં રહેતા અન્ય યુવકો અને તેના મિત્રોએ સાથે મળીને 4 મહિના પહેલા સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું.
સામૂહિક દુષ્કર્મની ઘટના બાદ સગીરા માનસિક આઘાતમાં હતી. જો કે સતત તેનાં બદલાયેલા વર્તનથી પરિવારને શંકા ગઇ હતી. પરિવાર દ્વારા પૂછપરછ કરવામાં આવતા તેણે પહેલા તો કંઇ કહેવાનો ઈનકાર કર્યો હતો. જો કે પરિવારે વારંવાર પૂછતા અને તેને વિશ્વાસમાં લેતા સગીરાએ સમગ્ર મામલે પરિવારને વાત કરી હતી. પરિવાર પણ સમગ્ર મામલે ચોંકી ગો હતો. આ સમગ્ર ઘટનાને લઈ પરિવારે પોલીસ સ્ટેશન ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે હાલ ચાર યુવકો વિરુદ્ધ ગુનો દાખલ કરી ધરપકડ કરી છે.
અમદાવાદના શાહીબાગમાં રહેતી 15 વર્ષીય સગીરા શાળામાં અભ્યાસ કરે છે. સોસાયટીમાં જ રહેતા યુવક સાથે સામાન્ય પરિચય હતો. આ દરમિયાન યુવકે સગીરાને પોતાના ઘરે બોલાવી હતી. જો કે સગીરા ઘરમાં પ્રવેશી તો તેણે જોયું કે ઘરમાં પહેલાથી જ અન્ય 3 યુવકો હાજર હતા. સગીરા કંઇ પણ સમજે તે પહેલા ચારેય યુવકો તેના પર તુટી પડ્યા હતા. સગીરાને ઘેરી લીધી હતી અને તેના પર બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. આ ઉપરાંત યુવકોએ ધમકી પણ આપી કે જો આ બાબતે કોઈને વાત કરશે તો તારા પરિવારને જાનથી મારી નાખીશું.
સમગ્ર મામલે પોલીસે હાલ ગુનો દાખલ કરી લીધો છે અને ચારેય આરોપી અક્ષય ઉર્ફે સેંધો મહેરીયા, પાર્થ ઉર્ફે ભોટિયો પરમાર, અવિનાશ ઉર્ફે પપ્પુ પરમાર અને દશરથ ઠાકોર નામના આરોપીઓની ધરપકડ કરી લીધી છે. હાલ તો પોલીસે દુષ્કર્મ અને પોક્સો ઉપરાંત એટ્રોસિટી એક્ટ હેઠલ ગુનો દાખલ કરીને તપાસ આદરી છે. સમગ્ર મામલાની તપાસ SC, ST સેલને સોંપી દેવામાં આવી છે.
એક આરોપી સાઈકો કિલરનો સાથી રહી ચૂક્યો છે
ચારેય આરોપીમાંથી એક આરોપી ગત રોજ થયેલ એન્કાઉન્ટરના આરોપી સાથે અગાઉ ચોરીના બનાવમાં સંકળાયેલો હતો. આરોપી સાઈકો કિલર વિપુલ પરમારનો પણ સાથી રહી ચુક્યો છે. સાઇકો કિલર અને આરોપી બંન્ને અગાઉ બાઈક ચોરીના કેસમાં સાથે જેલવાસ ભોગવી ચૂક્યા છે. જેથી સાઇકો કિલર અને બળાત્કારનો આરોપી બંન્ને સાથી હતા. આ કેસનો આ આરોપી હજી થોડા સમય પહેલા જ જેલમાંથી જામીન પર છુટ્યો હતો.




















