Sidhu Moosewala Death: સિદ્ધુ મુસેવાલા હત્યાકાંડનું તિહાર જેલ કનેકશન ? ગેંગસ્ટરે વિદેશ ફોન કરીને રચ્યું હતું હત્યાનું કાવતરું !
Moose Wala Murder: સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસને શંકા છે કે જેલમાં બેસીને લોરેન્સ બિશ્નોઈએ ગાયક મુસેવાલાની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. હાલમાં લોરેન્સ બિશ્નોઈ તિહાર જેલમાં બંધ છે.
(વરૂણ જૈન, એબીપી ન્યૂઝ)
Punjab Singer Moose Wala Murder: પંજાબના ગાયક સિદ્ધુ મુસેવાલાની રવિવારે હત્યા બાદ ત્રણ સભ્યોની SITની રચના કરવામાં આવી છે. તેના પિતાની ફરિયાદ પર FIR નોંધવામાં આવી છે. મુસેવાલાના પિતા બલકૌર સિંહે એફઆઈઆરમાં જણાવ્યું હતું કે તેમના પુત્રને ખંડણી માટે ધમકીભર્યા ફોન આવતા હતા. તેમણે રાજ્યના મુખ્યમંત્રી ભગવંત માનને પત્ર લખીને સીબીઆઈ તપાસની માંગ કરી છે.
પંજાબી સિંગર હત્યા કેસના તાર રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની તિહાર જેલ સાથે જોડાયેલા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસને શંકા છે કે જેલમાં બેસીને લોરેન્સ બિશ્નોઈએ ગાયક મુસેવાલાની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. હાલમાં લોરેન્સ બિશ્નોઈ તિહાર જેલમાં બંધ છે. SIT ટીમ ટૂંક સમયમાં લોરેન્સ બિશ્નોઈની પૂછપરછ કરશે. તેની સહયોગી ગેંગ કાલા જાથેડી પણ તિહાર જેલમાં કેદ છે.
મુસેવાલા હત્યાકાંડના તિહાર સાથે જોડાયેલા છે તાર?
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, લોરેન્સ બિશ્નોઈએ વિદેશમાં રહેતા ગોલ્ડી બ્રાર સાથે વર્ચ્યુઅલ નંબરથી વાત કરી હતી. સચિન વિશ્નોઈએ પણ ગોલ્ડી બ્રાર સાથે વર્ચ્યુઅલ નંબર દ્વારા ઘણી વખત વાત કરી હતી. પંજાબના માનસા જિલ્લામાં રવિવારે જાણીતા પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની અજાણ્યા હુમલાખોરો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. રાજ્ય સરકારે મુસેવાલાની સુરક્ષા પાછી ખેંચી લીધાના એક દિવસ બાદ આ ઘટના બની હતી. પંજાબના પોલીસ મહાનિર્દેશક વીકે ભાવરાએ મુસેવાલાની (27) હત્યાની તપાસ માટે વિશેષ તપાસ ટીમ (SIT) ની રચનાની જાહેરાત કરી હતી. તેણે કહ્યું કે આ હુમલો ગેંગ વચ્ચેની પરસ્પર દુશ્મનાવટનું પરિણામ હોય તેવું લાગી રહ્યું છે અને તેમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ સામેલ હતી.
ડીજીપીએ કહ્યું કે હુમલામાં લગભગ ત્રણ હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને 30 ગોળીઓ ચલાવવામાં આવી હતી. તેમણે કહ્યું કે મુસેવાલાએ પંજાબ પોલીસના બે કમાન્ડોને પોતાની સાથે લીધા ન હતા, જે હજુ પણ તેમની સુરક્ષા માટે આપવામાં આવ્યા હતા. મુસેવાલાએ તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં માનસા બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી હતી અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિજય સિંગલાની સામે તેઓ હારી ગયા હતા.