Karnavati University Convocation: કર્ણાવતી યુનિવર્સિટીનો ત્રીજો પદવીદાન સમારંભ યોજાયો, 863 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી
પદવીદાન સમારંભ દરમિયાન કર્ણાવતી યુનિવર્સિટી દ્વારા સુશ્રી સુનિતાની સાથે ભંવર રાઠોડને માનદ પદવીઓ એનાયત કરવામાં આવી હતી.
Karnavati University Convocation: કર્ણાવતી યુનિવર્સિટીનો ત્રીજો પદવીદાન સમારંભ ‘કૉન્વોકેશન 2023’ યોજાયો હતો. આ પદવીદાન સમારંભ દરમિયાન યુનિવર્સિટીમાં ભણાવવામાં આવતાં વિવિધ અભ્યાસક્રમોની વિવિધ ડિસિપ્લિનના 863 વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવી હતી. કર્ણાવતી યુનિવર્સિટી એ રાજ્યની ખાનગી યુનિવર્સિટી છે, જે શિક્ષણમાં શ્રેષ્ઠતા પ્રત્યે સમર્પિત છે અને ઇન્ટરડિસિપ્લિનરી લર્નિંગ પર કેન્દ્રીત છે.
ગુજરાત સરકારના માનનીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ઋષિકેશ પટેલ આ પદવીદાન સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યાં હતા. પદ્મ શ્રી પુરસ્કારથી સન્માનિત અને ઇન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)ના ભૂતપૂર્વ ચેરમેન એ. એસ. કિરણકુમારની સાથે પદ્મ શ્રી સન્માનિત કે2ઇન્ડિયાના પ્રેસિડેન્ટ સુનિતા કોહલી; પદ્મ શ્રી સન્માનિત અને નેશનલ ફોરેન્સિક સાયેન્સ યુનિવર્સિટી (એનએફએસયુ)ના વાઇસ ચાન્સેલર ડૉ. જે. એમ. વ્યાસ; ફેશન ડીઝાઇન કાઉન્સિલ ઑફ ઇન્ડિયા (એફડીસીઆઈ)ના ચેરમેન સુનિલ સેઠી અને ભંવર રાઠોડ ડીઝાઇન સ્ટુડિયોના ડિરેક્ટર ભંવર રાઠોડ અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યાં હતાં.
કર્ણાવતી યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ રિતેશ હાડાએ જણાવ્યું હતું કે, ‘વિદ્યાર્થીઓના વિચારોનું સંવર્ધન કરવા અને તેને ટેકો પૂરો પાડવા તથા તેમને વિચારવા, શોધખોળ કરવા અને નવીનીકરણ કરવા માટે સક્ષમ બનાવનારું મંચ પૂરું પાડવા માટે અમે સતત પ્રયત્નશીલ રહ્યાં છીએ. આ પ્રતિષ્ઠિત સંસ્થામાંથી ગ્રેજ્યુએટ થઈ રહેલા વિદ્યાર્થીઓની ત્રીજી બેચને પદવીઓ પ્રાપ્ત કરતાં જોવી એ ખરેખર ગર્વની ક્ષણ છે. તે આ યુનિવર્સિટી, અહીંના ફેકલ્ટીના સભ્યો અને તેના સ્ટાફના નિરંતર પ્રયાસોનો પુરાવો છે, જેઓ વિદ્યાર્થીઓના ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરે છે, તેમને શૈક્ષણિક અને અન્ય મોરચે શ્રેષ્ઠતા હાંસલ કરવા પ્રેરિત કરે છે.’
આ પદવીદાન સમારંભ દરમિયાન કર્ણાવતી યુનિવર્સિટી દ્વારા સુશ્રી સુનિતાની સાથે ભંવર રાઠોડને માનદ પદવીઓ એનાયત કરવામાં આવી હતી.
ગુજરાત સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ બાબતોના માનનીય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ‘તમે એવા સમયે આ ડિગ્રી પ્રાપ્ત કરી છે, જ્યારે ભારતને G20નું અધ્યક્ષપદ પ્રાપ્ત થયું છે. આ કોઈ સામાન્ય બાબત નથી. 21મી સદીના ભારતે યુવાનો માટે વિવિધ તકોનું સર્જન કરીને એક વિઝન દર્શાવ્યું છે.’
પદ્મ શ્રી પુરસ્કારથી સન્માનિત ઇસરોના ભૂતપૂર્વ ચેરમેન એ. એસ. કિરણકુમારે જણાવ્યું હતું કે, ‘ભૂમિ, સમુદ્ર અને વાયુ બાદ માનવતા માટેના ચોથા મોરચા તરીકે ઓળખાતું અંતરીક્ષ ખૂબ જ મહત્ત્વનું ક્ષેત્ર બની રહ્યું છે અને ખૂબ જ મોટી આર્થિક તકો પૂરી પાડી રહ્યું છે. અંતરીક્ષ સંશોધન, જીવસૃષ્ટિના લાભ માટે અંતરીક્ષના ઉપયોગ, સ્પેસ એડવેન્ચર, સ્પેસ ટુરિઝમ, અંતરીક્ષમાં વસવાટ, સ્પેસ ફૉર અર્થ અને સ્પેસ ફૉર સ્પેસ તથા સ્પેસ ફૉર પાવર જેવી બાબતોને આવરી લેનારી સ્પેસ ટેકનલોજી સતત વિકાસ સાધી રહી છે.’
એ. એસ. કિરણકુમારે આગળ જણાવ્યું હતું કે, ‘ભારત કે જે હાલમાં વિશ્વનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર છે, તેણે આ ક્રમમાં ટોચના સ્થાને પહોંચવાનું લક્ષ્ય નિર્ધારિત કરી લીધું છે અને આ લક્ષ્યને હાંસલ કરવા માટે તે તેની શ્રેષ્ઠ ક્ષમતાઓનો ઉપયોગ પણ કરી રહ્યો છે. સ્પેસ ઇકોનોમી આગામી કેટલાક વર્ષોમાં ટ્રિલિયન ડૉલરની બની જાય તેવી સંભાવના છે, જે બાબત ભારતને પોતાની ટેકનોલોજી સંબંધિત વર્તમાન ક્ષમતાઓનો સંપૂર્ણ ઉપયોગ કરી આ ક્ષેત્રના દિગ્ગજ બનવા અને આ પ્રક્રિયામાંથી લાભ ઉઠાવવા માટે પ્રેરિત કરી રહી છે. ભારત હાલમાં અંતરીક્ષ ટેકનોલોજી ધરાવતા એક સક્ષમ દેશમાંથી પોતાને અને અન્યોને અંતરીક્ષને લગતાં ઉકેલો અને સેવાઓ પૂરી પાડવા માટે અંતરીક્ષ ટેકનોલોજીથી સક્ષમ દેશ બનવાની દિશામાં અગ્રેસર છે.’
એનએફએસયુના વાઇસ ચાન્સેલર જે. એમ. વ્યાસે પોતાના સંબોધનમાં વિદ્યાર્થીઓને વધુ શિસ્તબદ્ધ બનવાની સલાહ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘તમારા દિમાગને વધુને વધુ શિસ્તબદ્ધ બનાવવાનો પ્રયત્ન કરો. તમારા જ્ઞાનનો ઉપયોગ વિદ્વત્તા હાંસલ કરવા અને એક ઉમદા વ્યક્તિ બનવા માટે કરો.’
એફડીસીઆઈના ચેરમેન સુનિલ સેઠીએ પોતાના સંબોધનમાં વિદ્યાર્થીઓને તકો ન ચૂકવા માટે પ્રેરિત કર્યા હતા. તેમણે યુવાનોને પ્રોત્સાહિત કરતાં જણાવ્યું હતું કે, ‘આજની યુવા પેઢી YOLO - યૂ ઓન્લી લિવ વન્સમાં વિશ્વાસ ધરાવે છે. Yoloમાં વિશ્વાસ રાખો પરંતુ જીવનમાં આવતી તકોને ચૂકી જશો નહીં.’
પદ્મ શ્રીથી સન્માનિત સુશ્રી સુનિતા કોહલીએ જણાવ્યું હતું કે, ‘હું ઇચ્છું છું કે તમે તમારા જીવનમાં કલાની રચના કરો. હેતુપૂર્ણ જીવન જીવો પરંતુ તમારો નૈતિક માપદંડ પણ ઘણો ઊંચો રાખો. તેનાથી તમારું જીવન ચોક્કસપણે ઉન્નત બનશે.’
ગુજરાત ભાજપના સહ-પ્રવક્તા અને યુનાઇટેડ ગ્રૂપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. ઋત્વિજ પટેલ, કર્ણાવતી યુનિવર્સિટીના રજિસ્ટ્રાર તારિક અલી સૈયદ તેમજ કર્ણાવતી યુનિવર્સિટીની વિવિધ સ્કુલના ડીન અને ડિરેક્ટરો કૉન્વોકેશન 2023માં હાજર રહ્યાં હતાં.
બેચલર ઑફ ડીઝાઇન, માસ્ટર ઑફ ડીઝાઇન, બેચલર ઑફ ડેન્ટલ સર્જરી, માસ્ટર ઑફ ડેન્ટલ સર્જરી, બેચલર ઑફ આર્ટ્સ (ઑનર્સ), બેચલર ઑફ કૉમર્સ (ઑનર્સ), બેચલર ઑફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (ઑનર્સ) અને પાંચ વર્ષના ઇન્ટીગ્રેટેડ બીબીએ એલએલ.બી (ઑનર્સ) સહિત વિવિધ ડિસિપ્લિનના 863 વિદ્યાર્થીઓને પદવીઓ પ્રાપ્ત થઈ હતી. તેમાંથી શૈક્ષણિક સિદ્ધિઓ હાંસલ કરનારા 20 વિદ્યાર્થીઓને ઉત્કૃષ્ટ શૈક્ષણિક કાર્યદેખાવ કરવા બદલ ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યાં હતાં.
Education Loan Information:
Calculate Education Loan EMI