UP Punjab Election: 20 ફેબ્રુઆરીએ ઉત્તરપ્રદેશની 59 અને પંજાબમાં તમામ 117 બેઠકો પર મતદાન
ઉત્તર પ્રદેશમાં ત્રીજા તબક્કામાં 16 જિલ્લાની 59 બેઠકો પર મતદાન થશે. જે જિલ્લામાં મતદાન થશે તેમાં હાથરસ, ફિરોઝાબાદ, ઇટાહ, ઇટાવા, મૈનપુરીનો સમાવેશ થાય છે.
UP Punjab Election: ઉત્તર પ્રદેશમાં ત્રીજા તબક્કા માટે 20 ફેબ્રુઆરીએ 59 વિધાનસભા બેઠકો પર મતદાન થશે જેના માટે ચૂંટણી પ્રચાર શુક્રવારે સાંજે 6 વાગ્યે પૂર્ણ થયો હતો. આ સિવાય પંજાબમાં પણ 20 ફેબ્રુઆરીએ એક જ તબક્કામાં તમામ 117 બેઠકો પર મતદાન થશે.
યુપીમાં આ જિલ્લાઓમાં મતદાન
ઉત્તર પ્રદેશમાં ત્રીજા તબક્કામાં 16 જિલ્લાની 59 બેઠકો પર મતદાન થશે. જે જિલ્લામાં મતદાન થશે તેમાં હાથરસ, ફિરોઝાબાદ, ઇટાહ, ઇટાવા, મૈનપુરી, કાસગંજ, ફરુખાબાદ, કન્નૌજ, ઔરૈયા, કાનપુર દેહાત, કાનપુર નગર, જાલૌન, ઝાંસી, લલિતપુર, હમીરપુર અને મહોબાનો સમાવેશ થાય છે.
શુક્રવારે ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે ઉત્તર પ્રદેશ અને પંજાબમાં રાજકીય પક્ષોએ પોતાની તમામ તાકાત લગાવી દીધી હતી. યુપીના સીએમ યોગી આદિત્યનાથે કાનપુર, મૈનપુરી, કરહાલ અને ઉન્નાવમાં જાહેર સભાઓને સંબોધી હતી. તેમણે કાનપુરમાં દાવો કર્યો હતો કે, "2017 પહેલા ઉત્તર પ્રદેશમાં દર ત્રીજા દિવસે રમખાણો થતા હતા. 5 વર્ષમાં 700 થી વધુ રમખાણો થયા હતા અને સેંકડો નાગરિકો માર્યા ગયા હતા.
અખિલેશ યાદવ ત્રીજા તબક્કાની ચૂંટણીમાં કરહાલ સીટથી ઉમેદવાર છે. તેમણે કાનપુરમાં રોડ શો કર્યો અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર નિશાન સાધ્યું હતું. તે સિવાય અખિલેશ યાદવે જાલૌનમાં જનસભાને સંબોધી હતી. તેમણે કહ્યું, "જેનો પરિવાર છે તે પરિવારના સભ્યોની પીડા અને દર્દને સમજી શકે છે. આ ભાજપના નેતાઓ જે શાસન કરી રહ્યા છે, તેમનો કોઈ પરિવાર નથી. મોંઘવારી શું છે તે માત્ર પરિવારના એક સભ્યને જ સમજાય છે."
પંજાબમાં પક્ષોએ તાકાત લગાવી
પંજાબમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જલાલાબાદમાં રોડ શો કર્યો. આ સિવાય કેજરીવાલે અબોહરમાં રોડ શોમાં પણ ભાગ લીધો હતો અને શેરી સભાઓ કરી હતી. તેમણે ટ્વિટ કર્યું, "પંજાબનો મૂડ સાફ છે - એક તરફ તમામ ભ્રષ્ટ પક્ષો અને નેતાઓ અને બીજી તરફ પંજાબની 3 કરોડ જનતા આમ આદમી પાર્ટી સાથે. આ વખતે ઝાડુ ચાલશે."