(Source: ECI/ABP News/ABP Majha)
શું કોઈ સામાન્ય વ્યક્તિ પણ લડી શકે છે લોકસભા ચૂંટણી, જાણો શું છે નિયમ
ચૂંટણી પંચના નિયમો અનુસાર ચૂંટણી લડવા માટે વ્યક્તિ ભારતનું નાગરિક હોવું જરૂરી છે. આ સિવાય જે તે વ્યક્તિનું નામ મતદાર યાદીમાં સામેલ હોવું જોઈએ.
ભારતમાં લોકસભાની ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. જ્યાં એક તરફ ચૂંટણી પંચે તારીખો નક્કી કરી છે તો બીજી તરફ રાજકીય પક્ષોએ પણ મોટાભાગના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. આ પછી સવાલ એ થાય છે કે શું અભિનેતાઓ અને નેતાઓ સિવાય કોઈ સામાન્ય માણસ પણ ચૂંટણી લડી શકે છે? આજે અમે તમને જણાવીશું કે સામાન્ય માણસ કેવી રીતે લોકસભા ચૂંટણી લડી શકે છે અને તેના માટેના નિયમો શું છે.
કોણ ચૂંટણી લડી શકે?
ચૂંટણી પંચના નિયમો અનુસાર ચૂંટણી લડવા માટે વ્યક્તિ ભારતનું નાગરિક હોવું જરૂરી છે. આ સિવાય જે તે વ્યક્તિનું નામ મતદાર યાદીમાં સામેલ હોવું જોઈએ. જો કે, એ જરૂરી નથી કે તમે જે મતદારક્ષેત્રમાંથી ચૂંટણી લડવાના હોય ત્યાંથી તમે મતદાર બનો. તમે દેશની કોઈપણ સીટ પરથી ચૂંટણી લડી શકો છો. ભારતીય બંધારણની કલમ 84 (B) મુજબ લોકસભાની ચૂંટણી લડવા માટે ઉમેદવારની ઉંમર 25 વર્ષની હોવી જોઈએ. ચૂંટણી લડવા માટે તમારે રિટર્નિંગ ઓફિસર પાસે જઈને નોમિનેશન ફોર્મ ભરીને સબમિટ કરવાનું રહેશે. સાથે જ વ્યક્તિનું માનસિક રીતે સંપૂર્ણ સ્વસ્થ હોવું પણ જરૂરી છે.
આ દસ્તાવેજોની આવશ્યકતા
માહિતી અનુસાર, જ્યારે કોઈ ચૂંટણી લડે છે, ત્યારે ઉમેદવારે ચૂંટણી પંચ દ્વારા નિર્ધારિત પ્રક્રિયા અનુસાર ઘણા પ્રકારના ફોર્મ ભરવાના હોય છે. આ ફોર્મમાં ઉમેદવારે મિલકતથી લઈને શિક્ષણ, સરનામું, કોર્ટ કેસ વગેરેની માહિતી આપવાની હોય છે. આ ઉપરાંત ઘણા પ્રશ્નોના જવાબ અલગ-અલગ ફોર્મમાં આપવાના હોય છે અને ઘણા બધા પ્રશ્નોની ખરાઈ કરવા માટે દસ્તાવેજોની પણ જરૂર પડે છે. જો ઉમેદવાર સામે કોઈ કોર્ટ કેસ હોય તો તેણે તમામ દસ્તાવેજો જમા કરાવવાના રહેશે. આ ઉપરાંત હોમ ટેક્સની ચૂકવણીની રસીદ, તમામ ટેક્સ ભર્યાની રસીદ વગેરે જેવી માહિતી પણ આપવાની રહેશે. આ સિવાય બે સાક્ષીઓ સાથે એફિડેવિટ પણ રજૂ કરવાની રહેશે, જેમાં પોતાની અને સંપત્તિ વિશે માહિતી આપવાની રહેશે.
કેટલી હોય છે ડિપોઝિટ
લોકસભાની ચૂંટણીમાં ઊભા રહેવા માટે ઉમેદવારે ₹25000ની સિક્યોરિટી ડિપોઝિટ પણ જમા કરાવવી પડશે. જ્યાંથી ચૂંટણી લડતા હોય ત્યાં કુલ મતદાનના છઠ્ઠા ભાગના મત ન મળે તો ડિપોઝિટ જપ્ત થાય છે.