Uttar Pradesh : ઓરૈયામાં વરઘોડામાં એક ખાસ ગીત વગાડતા જાનૈયાઓ પર ટોળાએ કર્યો હુમલો, જાણો કયું હતું એ ગીત
Uttar Pradesh : વરરાજાના પિતા તેમના પુત્ર રોહિતની જાન લઈ જઈ રહ્યા હતા અને વરઘોડામાં મહેમાનો 4 કાર અને 3 વાન સહિત 7 જેટલા વિવિધ વાહનોમાં સવાર હતા.
Uttar Pradesh : ઉત્તરપ્રદેશના ઔરૈયા જિલ્લામાં એક અજીબ ઘટના ઘટી છે. અહીં વરઘોડામાં એક ખાસ ગીત વગાડતા જાનૈયાઓ પર ટોળાએ હુમલો કર્યો છે. વરઘોડામાં સામેલ જાનૈયાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સાથે સંબંધિત ચૂંટણી થીમનું ગીત વગાડી રહ્યાં હતા અને આ ગીત વગાડવા બદલ કેટલાક લોકો દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો અને તેમને માર મારવામાં આવ્યો હતો.
અહેવાલો અનુસાર શુક્રવારે 11 માર્ચના રોજ આ જાનૈયાઓ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની પ્રચંડ બહુમતી સાથેની જીતની ઉજવણી કરી રહ્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથનું ગીત વગાડી રહ્યાં હતા. ત્યારે કેટલાક અસામાજિક તત્વોએ તેમને માર માર્યો અને તેમના વાહનોની તોડફોડ કરી. જાનૈયાઓ પાસેથી રોકડ અને ઘરેણાંની લૂંટ કરી હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે.
દિલીપપુર ગામના રહેવાસી બ્રિજભાન સિંહના જણાવ્યા અનુસાર, તેઓ તેમના પુત્ર રોહિતની જાન લઈ જઈ રહ્યા હતા અને વરઘોડામાં મહેમાનો 4 કાર અને 3 વાન સહિત 7 જેટલા વિવિધ વાહનોમાં સવાર હતા. ભાજપની જીત પર 'યોગી-મોદી'ના વખાણ કરતું ગીત વગાડવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન કેટલાક લોકોએ બળજબરીથી વાહનો રોક્યા અને વરઘોડા પર હુમલો કર્યો અને વાહનોની તોડફોડ પણ કરી.કાર અને વાનના આગળના કાચ તુટી જવાથી કેટલાક લોકોને ગંભીર ઈજાઓ થઈ છે.
વાહનોમાં તોડફોડ કર્યા બાદ આ અસામાજિક તત્વો કન્યાને આપવાના દાગીના સિવાય કારમાં રાખેલી રૂ.2 લાખ રોકડા લઈને નાસી ગયા હતા.રૂરુગંજ પોલીસ ચોકીના ઈન્ચાર્જ તન્મય ચૌધરીએ જણાવ્યું કે આ સમગ્ર ઘટના અંગે કેસ નોંધવામાં આવી રહ્યો છે અને હુમલાખોરોની શોધખોળ ચાલી રહી છે.
યુપીમાં સફાઈ કર્મચારી બન્યો ભાજપનો ધારાસભ્ય
ઉત્તર પ્રદેશના સંત કબીર નગર જિલ્લામાં ધનઘાટા સીટ પર એક સફાઈ કર્મચારીએ જીત મેળવી છે. ભાજપની ટિકિટ પર ઉત્તરપ્રદેશની ચૂંટણી લડનાર ગણેશ ચંદ્ર ચૌહાણે સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના અલ્ગુ પ્રસાદને 10,553 મતોના માર્જિનથી હરાવ્યા હતા. ગણેશ ચંદ્ર ચૌહાણ એક સફાઈ કર્મચારી છે જેણે ધનઘાટા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી. આ સીટ પર કોંગ્રેસે શાંતિ દેવીને અને આમ આદમી પાર્ટીએ સંતોષને મેદાનમાં ઉતાર્યા હતા.