આ મોટા શહેરમાં પ્રભાસની ફિલ્મ 'આદિપુરુષ' પર લાગ્યો બેન, થિયેટરોને જાણો શું અપાઈ ચેતવણી
શહેરના દરેક સિનેમા હોલને લેખિતમાં સૂચના આપી હતી કે જ્યાં સુધી ફિલ્મનો આ સીન હટાવવામાં નહીં આવે ત્યાં સુધી આ ફિલ્મ શહેરના કોઈપણ સિનેમાહોલમાં પ્રદર્શિત ન થવી જોઈએ.
Adipurush Is Ban In Kathmandu: નેપાળની રાજધાની કાઠમાંડુમાં પ્રભાસની ફિલ્મ 'આદિપુરુષ' પર બેન લગાવવામાં આવ્યો છે. નેપાળની રાજધાની કાઠમાંડુના મેયર બાલેન શાહે આદિપુરુષમાં સીતાને ભારતની દિકરી તરીકે દર્શાવવા સામે વાંધો ઉઠાવતાં શહેરમાં ફિલ્મના પ્રદર્શન પર પ્રતિબંધ મૂક્યો હતો અને શહેરના દરેક સિનેમા હોલને લેખિતમાં સૂચના આપી હતી કે જ્યાં સુધી ફિલ્મનો આ સીન હટાવવામાં નહીં આવે ત્યાં સુધી આ ફિલ્મ શહેરના કોઈપણ સિનેમાહોલમાં પ્રદર્શિત ન થવી જોઈએ. ઉલ્લેખનીય છે કે 'આદિપુરુષ' પરનો આ પ્રતિબંધ હાલમાં કાઠમાંડુ પૂરતો સીમિત છે અને સમગ્ર નેપાળમાં તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી, પરંતુ ટૂંક સમયમાં જ આખા દેશમાં ફિલ્મ પર પ્રતિબંધ મુકવામાં આવે તેવી પૂરી શક્યતા જોવા મળી રહી છે.
સાઉથના સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મ આદિપુરુષએ કેટલી કમાણી કરી ? દરેક લોકોના મનમાં આ પ્રશ્ન છે. આવો તમને જણાવીએ આદિપુરુષની કમાણી વિશે. આદિપુરુષને લઈ ચાહકોમાં જોરદાર ઉત્સાહ હતો. આ ફિલ્મની પણ ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી. પરંતુ ફિલ્મ રિલીઝ થતાની સાથે જ તેના ડાયલોગ અને VFX માટે તેની ભારે ટીકા થઈ હતી. ફિલ્મને લઈને મેકર્સની અપેક્ષા મુજબ રિવ્યુ આવ્યા નથી. પરંતુ આદિપુરુષને પ્રથમ દિવસે બમ્પર ઓપનિંગ મળી હતી. આદિપુરુષ ફિલ્મની બોક્સ ઓફિસ કલેક્શનની કમાણી પહેલા દિવસે 100 કરોડથી વધુ હતી. આ રીતે ફિલ્મનું વર્લ્ડવાઈડ ગ્રોસ કલેક્શન ખૂબ જ મજબૂત હતું.
પ્રભાસ, કૃતિ સેનન અને સૈફ અલી ખાનની આદિપુરુષે વિશ્વભરમાં પ્રથમ દિવસે લગભગ 140 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. પરંતુ બીજો દિવસ પણ ફિલ્મ માટે સારો રહ્યો છે. જોકે કમાણીમાં થોડો ઘટાડો થયો છે, પરંતુ બીજા દિવસે ફિલ્મે વિશ્વભરમાં લગભગ 100 કરોડની કમાણી કરી લીધી છે. આદિપુરુષે બે દિવસમાં આશરે રૂ. 240 કરોડનું કલેક્શન કર્યું છે. આદિપુરુષ એક મેગા બજેટ ફિલ્મ છે. આ ફિલ્મને સુપરહિટ કે બ્લોકબસ્ટર બનવા માટે બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરવી પડશે.
વિવાદો વચ્ચે ફિલ્મ આદિપુરુષના મેકર્સે કર્યું મોટું એલાન
આદિપુરુષના સતત વિરોધ બાદ ફિલ્મના મેકર્સે મોટી જાહેરાત કરી છે. ફિલ્મના ડાયલોગ રાઈટર મનોજ મુન્તાશીરે ટ્વીટ કરીને જાહેરાત કરી છે કે હવે ફિલ્મના ડાયલોગ બદલવામાં આવશે. તે જ સમયે, ફિલ્મના નિર્માતાઓએ પણ આ અંગે નિવેદન જાહેર કર્યું છે અને સત્તાવાર રીતે સંવાદ બદલવા માટે કહ્યું છે. ફિલ્મનો સતત વિરોધ થઈ રહ્યો છે, જેને ધ્યાનમાં રાખીને મેકર્સે આ મોટો નિર્ણય લીધો છે.