Year Ender 2022: Amitabh Bachchan સહિત બી ટાઉનના આ સેલેબ્સે કોરોના સામેની જીતી છે જંગ
વર્ષ 2022ના અંતમાં ફરી એકવાર કોવિડ-19ના કેસ વધતા જોવા મળી રહ્યા છે
Covid-19: વર્ષ 2022ના અંતમાં ફરી એકવાર કોવિડ-19ના કેસ વધતા જોવા મળી રહ્યા છે. ઘણા બોલિવૂડ સેલેબ્સ પણ કોરોનાથી સંક્રમિત થયા હતા પરંતુ તેઓ આ રોગ સામે લડીને મજબૂત રીતે પાછા ફર્યા હતા.
બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન બે વખત કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. ઓગસ્ટમાં બિગ બીએ તેમના ચાહકો સાથે શેર કર્યું હતું કે તેમનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને તાત્કાલિક ટેસ્ટ કરાવવાની પણ અપીલ કરી હતી. નવ દિવસ આઇસોલેશનમાં વિતાવ્યા બાદ અમિતાબ બચ્ચન સ્વસ્થ થયા હતા. તેમની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'ઉંચાઈ' એ બોક્સ ઓફિસ પર સારુ પ્રદર્શન કર્યું હતું.
'રક્ષા બંધન' એક્ટર અક્ષય કુમાર પોતાની ફિટનેસનું ખૂબ ધ્યાન રાખે છે. તેને પણ કોરોનાનો ચેપ લાગ્યો હતો. તેમણે ટ્વીટ કર્યું હતું કે કોરોનાની બીજી લહેર દરમિયાન તેમનો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે વચન આપ્યું હતું કે તે ટૂંક સમયમાં 'બેક ઇન એક્શન' થશે. ગયા વર્ષે કોવિડના કારણે લાદવામાં આવેલા નિયંત્રણો હળવા થયા ત્યારથી અક્ષય લગભગ સતત કામ કરી રહ્યો છે.
1 એપ્રિલ 2021ના રોજ આલિયા ભટ્ટે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ચાહકોને જણાવ્યું હતું કે તેણીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. અભિનેત્રીએ લખ્યું, "બધાને નમસ્કાર, મારો કોવિડ -19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આઈસોલેટ થઈ ગઈ છું અને હોમ ક્વોરેન્ટાઈનમાં રહીશ. હું મારા ડોકટરોની સલાહ હેઠળ તમામ સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરું છું, તમારા બધા પ્રેમ અને સમર્થન માટે આભારી છું. કૃપા કરીને સુરક્ષિત રહો અને કાળજી લો. કોરોનામાંથી સ્વસ્થ થયા બાદ તેણે ગંગુબાઈ કાઠિયાવાડી અને બ્રહ્માસ્ત્ર જેવી મોટી બ્લોકબસ્ટર ફિલ્મો આપી.
આ વર્ષે જૂલાઈમાં 'ભૂલ ભૂલૈયા 2' એક્ટર કાર્તિક આર્યને તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર જાહેરાત કરી હતી કે તેનો COVID-19 રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. કાર્તિક બે વખત કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યો છે.
પઠાણ અભિનેતા શાહરૂખ ખાનને પણ કોરોના થયો હતો. જ્યારે ચાહકોને ખબર પડી કે શાહરૂખ ખાનનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો કે તેના ચાહકો તેના માટે પ્રાર્થના કરવા લાગ્યા હતા. જો કે, અભિનેતાએ કોવિડ-19 સામેની લડાઈ લડી અને સ્વસ્થ થઈને ફિલ્મોનું શૂટિંગ પૂર્ણ કર્યું હતું.