સુશાંત સિંહ રાજપૂત કેસમાં CBIએ ફાઈલ કર્યો ક્લોઝર રિપોર્ટ, જાણો મોત માટે કોને ગણાવ્યા જવાબદાર
શનિવારે દાખલ કરાયેલા અંતિમ રિપોર્ટમાં કોઈ ગુનાહિત કાવતરું ન મળ્યું, રિયા ચક્રવર્તીને ક્લીન ચિટ.

Sushant Singh Rajput case update: બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત જૂન 2020 માં તેના મુંબઈ સ્થિત ઘરે મૃત હાલતમાં મળી આવ્યો હતો. આ કેસની તપાસ કરી રહેલી સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ શનિવારે (22 માર્ચ, 2025) કોર્ટમાં પોતાનો ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો છે. આ અંતિમ રિપોર્ટમાં સુશાંત સિંહ રાજપૂતનું મૃત્યુ આત્મહત્યાના કારણે થયું હોવાનું જણાવવામાં આવ્યું છે.
પ્રથમ નજરે આ મામલો આત્મહત્યાનો જ લાગતો હતો, પરંતુ સુશાંતના પરિવાર દ્વારા અનેક શંકાઓ વ્યક્ત કરવામાં આવતા આ કેસની તપાસ CBIને સોંપવામાં આવી હતી. CBIએ લાંબા સમય સુધી તપાસ કર્યા બાદ હવે પોતાનો અંતિમ રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યો છે.
CBIના રિપોર્ટમાં મુખ્ય બાબતો:
- રિપોર્ટમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે સુશાંત સિંહ રાજપૂતે પોતાની જાતે જ આત્મહત્યા કરી હતી અને તેના પર કોઈનું દબાણ નહોતું.
- અભિનેત્રી રિયા ચક્રવર્તી અને તેના પરિવારને આ કેસમાં ક્લીન ચિટ આપવામાં આવી છે. CBIને તેમની સામે કોઈ ગુનાહિત પુરાવા મળ્યા નથી.
- તપાસ દરમિયાન કોઈ પણ પ્રકારનું ગુનાહિત કાવતરું કે 'ફાઉલ પ્લે' (ષડયંત્ર) સામે આવ્યું નથી.
- AIIMS ફોરેન્સિક ટીમ દ્વારા પણ સુશાંતની હત્યાની શક્યતાને નકારી કાઢવામાં આવી હતી.
- સોશિયલ મીડિયા ચેટ્સને અમેરિકા મોકલીને તેની તપાસ કરવામાં આવી હતી, જેમાં કોઈ પણ પ્રકારની છેડછાડના પુરાવા મળ્યા નથી.
સુશાંત સિંહ રાજપૂતના પરિવારે તેમના મૃત્યુ બાદ પટનામાં રિયા ચક્રવર્તી અને અન્ય લોકો વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરવાનો, છેતરપિંડી, ચોરી અને ગેરકાયદેસર રીતે બંધક બનાવવાના આરોપસર FIR નોંધાવી હતી. આ કારણે બિહાર પોલીસ અને મુંબઈ પોલીસ વચ્ચે અધિકારક્ષેત્રને લઈને વિવાદ પણ થયો હતો. ત્યારબાદ બિહાર સરકારની ભલામણ પર કેન્દ્ર સરકારે આ કેસની CBI તપાસને મંજૂરી આપી હતી અને 19 ઓગસ્ટ 2020ના રોજ સુપ્રીમ કોર્ટે CBIને આ કેસની સંપૂર્ણ તપાસ કરવાનો આદેશ આપ્યો હતો.
AIIMSના ફોરેન્સિક નિષ્ણાતોએ પોતાના રિપોર્ટમાં ઝેર અને ગળું દબાવીને હત્યા કરવાની શક્યતાને નકારી કાઢી હતી. CBIએ આ રિપોર્ટને પણ પોતાની તપાસનો આધાર બનાવ્યો હતો. હવે કોર્ટ એ નક્કી કરશે કે CBI દ્વારા દાખલ કરવામાં આવેલા આ ક્લોઝર રિપોર્ટને સ્વીકારવો કે આ કેસમાં વધુ તપાસની જરૂર છે.
CBI દ્વારા ક્લોઝર રિપોર્ટ ફાઈલ કર્યા બાદ સુશાંતના પરિવાર પાસે હવે મુંબઈની કોર્ટમાં વિરોધ અરજી દાખલ કરવાનો વિકલ્પ બચ્યો છે. જો પરિવારને CBIના રિપોર્ટ પર કોઈ શંકા હોય તો તેઓ કોર્ટમાં આ અંગે અપીલ પણ કરી શકે છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
