Kiran Mishra Death: જાણીતા ગીતકાર પંડિત કિરણ મિશ્રનું કોરોનાથી નિધન, થોડા દિવસ પહેલા જ લીધી હતી કોરોના રસી
પંડિત કિરણ મિશ્રએ સેંકડો ભક્તિ ગીત લખ્યા છે તે સિવાય અનેક ફિલ્મો અને લોકપ્રિય સીરિયલ માટે ગીત પણ લખ્યા હતા.
મુંબઈ: ભક્તિ ગીતો માટે જાણીતા અને પસંદગીના ફિલ્મી ગીતો લખનારા પંડિત કિરણ મિશ્ર (Pandit Kiran Mishra)નું આજે બપોરે મુંબઇની સેવેન હિલ્સ હોસ્પિટલમાં કોરોના (Coronavirus) ના કારણે નિધન થયું છે. પંડિત કિરણ મિશ્ર 67 વર્ષના હતા. ત્રણ દિવસ પહેલા જ તેમને અંધેરી પૂર્વ સ્થિત સેવન હિલ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
ઉલ્લેખનીય છે કે, પંડિત કિરણ મિશ્રાએ પણ 15 દિવસ પહેલા જ કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. પંડિત કિરણ મિશ્રએ સેંકડો ભક્તિ ગીત લખ્યા છે તે સિવાય અનેક ફિલ્મો અને લોકપ્રિય સીરિયલ માટે ગીત પણ લખ્યા હતા.
કિરણ મિશ્રના પુત્ર સ્વદેશ મિશ્રએ એબીપી ન્યૂઝને જણાવ્યું કે, પહેલા અમે પિતાનો કોરોના ટેસ્ટ કરાવ્યો તો નેગેટિવ આવ્યો હતો. બાદમાં હાર્ટના ડૉક્ટર પાસે ગયા તો તેમણે સીટી સ્કેન કરવા કહ્યું હતું. સીટી સ્કેનની રિપોર્ટમાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. એવામાં અમે 13 એપ્રિલે તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. હોસ્પિટલમાં દાખલ કર્યાના ત્રણ દિવસ બાદ અમને ખબર પડી કે તેમના ફેફસા સંપૂર્ણ રીતે સંક્રમિત થઈને ડેમેજ થઈ ચૂક્યા છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 217, 3353 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 1185 લોકોના મોત થયા છે. જોકે 1,18,302 લોકો ઠીક પણ થયા છે. આ પહેલા બુધવારે 2,00,739 નવા કોરોનાના કેસ નોંધાયા હતા. ગત વર્ષે 30 સપ્ટેમ્બરે દેશમાં અગિયારસોથી વધુ સંક્રમિતોના મોત થયા હતા.
ઉપરાંત એક્ટિવ કેસનો આંકડો 15 લાખની પાર પહોંચી ગયો છે. છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે.
- કુલ કેસ- એક કરોડ 42 લાખ 91 હજાર 917
- કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 25 લાખ 47 હજાર 866
- કુલ એક્ટિવ કેસ - 15 લાખ 69 હજાર 743
- કુલ મોત - 1 લાખ 74 હજાર 308
11 કરોડથી વધારેને રસી અપાઈ
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 11 કરોડ 72 લાખ 23 હજાર 509 ડોઝ આપવામાં આવ્યા છે.