Happy Birthday Dilip Joshi: એક સમયે દિલીપ જોશી ઉર્ફ 'જેઠાલાલ' 50 રૂપિયામાં કરતા હતા કામ, આજે છે કરોડપતિ
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં લાંબા સમય સુધી કામ કરીને 'જેઠાલાલ ચંપકલાલ ગડા' તરીકે લોકપ્રિય થયેલા દિલીપ જોશીનો જન્મ 26 મે 1968ના રોજ ગુજરાતના પોરબંદરમાં થયો હતો
મુંબઇઃ દિલીપ જોશીને લોકો જેઠાલાલના નામથી વધુ ઓળખે છે. જેઠાલાલ એટલે કે દિલીપ જોશી 54 વર્ષના થઇ ગયા છે. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં લાંબા સમય સુધી કામ કરીને 'જેઠાલાલ ચંપકલાલ ગડા' તરીકે લોકપ્રિય થયેલા દિલીપ જોશીનો જન્મ 26 મે 1968ના રોજ ગુજરાતના પોરબંદરમાં થયો હતો. દિલીપ જોશીના જન્મદિવસ પર તેમના જીવન સાથે જોડાયેલી કેટલીક વાતો જાણીએ.
દિલીપ જોશી આજે ટીવી ઇન્ડસ્ટ્રીઝના લોકપ્રિય એક્ટર છે. ટીવી સિવાય તેમણે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. દિલીપ જોશીએ હાલમાં લોકપ્રિયતા અને પૈસા કમાયા છે પરંતુ વર્ષો અગાઉ આવું નહોતું. ઇન્ડસ્ટ્રીમાં 18 વર્ષ સુધી કામ કર્યા બાદ પણ દિલીપ જોશીને તે ઓળખ મળી ન હતી જેના તેઓ હકદાર હતા. તેમના જીવનમાં એક એવો સમય આવ્યો જ્યારે તેણે હતાશ અને નિરાશ થઈને એક્ટિંગ છોડવાનો નિર્ણય કરી લીધો હતો પરંતુ ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'એ તેમનું નસીબ બદલ્યુ અને આજે તેઓ એક એપિસોડના લાખો રૂપિયા ફી લે છે.
દિલીપ જોશીએ 'મૈને પ્યાર કિયા'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોરબંદરના ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલા દિલીપ જોશીએ બેકસ્ટેજ આર્ટિસ્ટ તરીકે કામ શરૂ કર્યું હતું. આ માટે તેઓને દરરોજ માત્ર 50 રૂપિયા મળતા હતા. દિલીપ જોશી જ્યારે ભારે સંઘર્ષ બાદ મુંબઈ પહોંચ્યા ત્યારે તેમણે કામ મેળવવા માટે ઘણી મહેનત કરી હતી. તેઓએ 1989માં સલમાન ખાન અને ભાગ્યશ્રી અભિનીત ફિલ્મ મૈને પ્યાર કિયાથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં રામુ નામના પાત્રની નાની ભૂમિકા ભજવી હતી.
આ ફિલ્મ પછી દિલીપ જોશીને કામ મળવા લાગ્યું. 'હમરાજ', 'ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની', 'ખિલાડી 420' જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું. આ દરમિયાન ટીવી શોમાં પણ કામ કરતા રહ્યા. પરંતુ દિલીપ જોશીને અસલી ઓળખ ત્યારે મળી જ્યારે તેમને વર્ષ 2008માં 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં કામ કર્યું. આ પછી સફળતા વિશે કોઈને કહેવાની જરૂર નથી. આજની તારીખમાં તે આ શોના સૌથી પ્રિય કલાકાર છે.
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'એ જીવન બદલી નાખ્યું
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિલીપ જોશી જેઠાલાલની ભૂમિકા ભજવવા માટે એક એપિસોડના દોઢથી બે લાખ રૂપિયા લે છે. દિલીપ જોશીની કુલ સંપત્તિ 20 કરોડથી વધુ છે. લગભગ 80 લાખની કિંમતની Audi Q7 કારના માલિક દિલીપ જોશીને લક્ઝરી વાહનોનો ખૂબ જ શોખ છે. દિલીપ જોશીના અંગત જીવનની વાત કરીએ તો તેમની પત્નીનું નામ જયમાલા જોશી છે. એક પુત્ર રિત્વિક જોષી અને એક પુત્રી નીતિ જોષી છે જેઓ પરિણીત છે.