Manoj Kumar Death: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા મનોજ કુમારનું નિધન, 87 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Manoj Kumar Death: ભારતીય અભિનેતા અને ફિલ્મ દિગ્દર્શક મનોજ કુમારનું 87 વર્ષની વયે નિધન થયું હતું

Manoj Kumar Death: ભારતીય અભિનેતા અને ફિલ્મ દિગ્દર્શક મનોજ કુમારનું 87 વર્ષની વયે નિધન થયું હતું. તેમની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. મનોજ કુમાર તેમની દેશભક્તિપૂર્ણ ફિલ્મો માટે જાણીતા હતા. તેઓ 'ભારત કુમાર'ના નામથી પણ ઓળખાતા હતા.
Indian actor and film director Manoj Kumar, particularly known for his patriotic films and the nickname 'Bharat Kumar', passes away at the age of 87 at Kokilaben Dhirubhai Ambani Hospital. pic.twitter.com/nHvvVDT2CY
— ANI (@ANI) April 4, 2025
પીઢ અભિનેતા મનોજ કુમારનું નિધન થયું છે. તેમણે મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં 87 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. તેમણે પોતાના ફિલ્મી કરિયરમાં ઘણી દેશભક્તિ પર આધારિત ફિલ્મો કરી હતી. એટલા માટે તેમના ચાહકો તેમને પ્રેમથી 'ભારત કુમાર' કહેતા હતા. તેઓ ‘ક્રાંતિ’ અને ‘ઉપકાર’ જેવી દેશભક્તિપૂર્ણ ફિલ્મો માટે જાણીતા હતા.
મનોજના મૃત્યુના સમાચારથી ચાહકો દુઃખી થયા છે. સોશિયલ મીડિયા પર દરેક વ્યક્તિ ભીની આંખો સાથે પોતાના પ્રિય કલાકારને વિદાય આપી રહ્યા છે. દિગ્ગજ અભિનેતાના નિધન પર સેલેબ્સે પણ શોક વ્યક્ત કર્યો છે. મનોજ કુમારે ‘સહારા’, ‘ચાંદ’, ‘હનીમૂન’, ‘કાંચ કી ગુડિયા’, ‘પિયા મિલન કી આસ’, ‘સુહાગ સુંદૂરટ, ‘સિલ્ક રૂમાલ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમને રાષ્ટ્રીય પુરસ્કાર, પદ્મશ્રી અને દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ અભિનેતાએ 1957માં ફિલ્મ ફેશનથી અભિનયની શરૂઆત કરી હતી. 1965નું વર્ષ તેમની કારકિર્દી માટે એક મોટું પરિવર્તન હતું. આ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ ‘શહીદ’એ તેમની કારકિર્દીને નવી ઊંચાઈ આપી હતી. આ પછી તેણે ક્યારેય પાછળ વળીને જોયું નહીં.
દેશભક્તિની ફિલ્મોને કારણે તેમને 'ભારત કુમાર' નામથી જાણીતા હતા
24, જુલાઈ, 1937ના રોજ હરિકૃષ્ણ ગિરી ગોસ્વામી તરીકે જન્મેલા મનોજ કુમાર હિન્દી સિનેમાના એક પીઢ અભિનેતા હતા. તેઓ દેશભક્તિની થીમવાળી ફિલ્મોના અભિનય અને દિગ્દર્શન માટે જાણીતા હતા. જેમાં "શહીદ" (1965), "ઉપકાર" (1967), "પૂરબ ઔર પશ્ચિમ" (1970), અને "રોટી કપડા ઔર મકાન" (1974) સામેલ છે. આ ફિલ્મોને કારણે તેમને 'ભારત કુમાર' પણ કહેવામાં આવતા હતા.
દેશભક્તિની ફિલ્મો ઉપરાંત તેમણે "હરિયાલી ઔર રાસ્તા", "વો કૌન થી", "હિમાલય કી ગોદ મે", "દો બદન", "પત્થર કે સનમ", "નીલ કમલ" અને "ક્રાંતિ" જેવી અન્ય નોંધપાત્ર ફિલ્મોમાં પણ અભિનય અને દિગ્દર્શન કર્યું હતું.
પુરસ્કારો અને સન્માન
મનોજ કુમારને ભારતીય સિનેમામાં તેમના યોગદાન બદલ 1992માં પદ્મશ્રી અને 2015માં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.





















