નવી દિલ્હી: કૉંગ્રેસે સંસદ અને વિધાનસભામાં મહિલાઓને 33 ટકા અનામત આપવાની વાત કરી છે. જેને લઈને કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીને પત્ર પણ લખ્યો છે. કોંગ્રેસને મહિલા વિરોધી પાર્ટી ગણાવવા માટે રાહુલ ગાંધીએ સોમવારે મોદીને પત્ર લખીને 18 જુલાઈએ શરૂ થતા સંસદના મોનસૂન સત્રમાં મહિલા આરક્ષણ બિલ લાવવાની માગણી કરી છે. રાહુલે લખ્યું છે કે, આપણાં વડાપ્રધાન પોતાની જાતને મહિલા સશક્તિકરણ માટે ધર્મયુદ્ધ કરનાર ગણાવે છે. હવે પાર્ટી પોલિટીક્સમાંથી આગળ આવીને મહિલાઓ માટે કંઈક કરવાનો સમય આવી ગયો છે. તમે મોનસૂન સત્રમાં મહિલા આરક્ષણ બિલ લઈને આવો, કોંગ્રેસ કોઈ પણ શરત વગર તેનું સમર્થન કરશે.
2/4
લોકસભામાં કુલ 545 સાંસદ છે જેમાં માત્ર 66 મહિલા છે. રાજ્યસભાની વાત કરવામાં આવે તો 245 સાંસદ છે જેમાં માત્ર 23 મહિલા છે. મોદી સરકારના 76 મંત્રીઓમાંથી માત્ર 9 મહિલા છે. દેશભરના રાજ્યોમાં માત્ર ત્રણ રાજ્યોમાં મહિલા મુખ્યમંત્રી છે. જો મહિલા અનામત બિલ પાસ થશે તો લોકસભાની 543 બેઠકોમાંથી 179 બેઠક મહિલા માટે અનામત રહેશે. રાજ્યની વિધાનસભાની 4120 બેઠકોમાંથી 1360 મહિલાઓ માટે અનામત રહેશે.
3/4
કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પત્રમાં લખ્યું છે કે, તમને ખબર છે તે રીતે મહિલા આરક્ષણ બિલ 9 માર્ચ 2010માં ભાજપના સમર્થનથી પાસ થયું હતું. વિપક્ષના નેતા અરુણ જેટલીએ તેને ઐતિહાસીક ગણાવ્યું હતું. પરંતુ ત્યારપછી જ્યારે કોંગ્રેસે તેના વિશે વાત કરી ત્યારે ભાજપે તેનો વિરોધ કર્યો હતો. જોકે 2014માં ભાજપે તેને પોતાના ચૂંટણી ઢંઢેરામાં સામેલ કર્યો. કોંગ્રેસે આ બિલના સમર્થનમાં અત્યાર સુધી 32 લાખ લોકોના હસ્તાક્ષર મેળવ્યા હતા. કોંગ્રેસ ઈચ્છે છે કે, આ બિલ જલદી પસાર થાય જેથી 2019માં લોકસભા ચૂંટણીમાં મહિલાઓની ભાગીદારી સાર્થક થઈ શકે.
4/4
મહિલા અનામત બિલ સૌથી પહેલા 1996માં સંસદમાં રજૂ થયું હતું. 1996માં એચ ડી દેવગૌડાની સરકાર મહિલા અનામત બિલ લાવી. 9 માર્ચ 2010માં મહિલા અનામત બિલ રાજ્યસભામાં પાસ થયું. લોકસભામાં ક્યારેય બિલ પર મતદાન ન થયું. ગત વર્ષે સોનિયા ગાંધીએ પીએમ મોદીને પત્ર લખી મહિલા અનામત બિલ ફરી લોકસભામાં લાવવાની માંગ કરી હતી.