Accident: બાવળા નજીક ટ્રક પાછળ ઘૂસી મીની ટ્રક, સર્જાયો ભયંકર અકસ્માત,10નાં કરૂણ મોત
અમદાવાદ બગોદરા હાઇવે પર ભંયકર રોડ અકસ્માતમાં 5 મહિલા 3 બાળકો સહિત 10 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. પરિવાર ચોટીલાના ચામુંડા મંદિરના દર્શન કરીને પરત ફરતો હતો તે સમયે અકસ્માત નડ્યો
Ahemdabad Accident:અમદાવાદ નજીક બગોદરા-બાવળા હાઈવે પર આજે એક ભયંકર અકસ્માત સર્જાયો. અહીં ટ્રક પાછળ પૂરપાટ ઝડપે આવતી મીની ટ્રક ઘૂસી જતાં ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 5 મહિલા, 3 બાળકો અને 2 પુરૂષો એમ 10 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા છે. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નજીકની હોસ્પિટલ લઇ જવા માટે તજવીજ હાથ ધરી છે.
આજે રાજકોટના જેતપરમાં પણ રેલવે ટ્રેક પર ભયંકર ઘટના બની હતી.રાજકોટના જેતપુરમાં યુવકનું ટ્રેન નીચે આવી જતાં મૃત્યુ થયું છે. શ્રમિક યુવક જેતપુર નજીક દાતાર તકિયા પાસે પાટા ઉપર જઈ રહ્યો હતો આ સમયે ટ્રેનની નીચે આવી જતાં ઘટના સ્થળે જ તેમનું મૃત્યુ નિપજ્યું છે. મૃતક યુવકની ઓળખ મુકેશ લાલુ ભુરિયા તરીકે થઇ છે. ઘટનાની જાણ થતા જેતપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જેતપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાને લઇને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
તો બીજી તરફ ગઇ કાલે નવસારીમાં પૂરઝડપે જઇ રહેલી કારે અકસ્માત સર્જ્યો હતો. મળતી જાણકારી અનુસાર, વાંસદાના ચારણવાડા નજીક કાર ડીવાઈડર સાથે અથડાતા બે યુવકોના મોત થયા હતા. કારની સ્પીડ એટલી વધારે હતી કે કાર ડિવાઇડર સાથે અથડાયા બાદ કારનો ભૂક્કો બોલી ગયો હતો. મૃતકોની ઓળખ પાર્થ ડોબરિયા અને વિકેશ ખાંટ તરીકે થઇ છે જ્યારે ઘાયલ યુવકોની ઓળખ નીરજ ડોબરિયા અને હર્ષિલ ઠુમ્મર તરીકે થઇ છે.
મળતી માહિતી અનુસાર, ચાર મિત્રો કાર લઇને સાપુતારા ફરવા જઇ રહ્યા હતા ત્યારે વાંસદા નજીક અકસ્માત નડ્યો હતો. અકસ્માતને પગલે કાર ચાલક યુવક અને અન્ય એક યુવકના ઘટના સ્થળે જ મોત થયા હતા જ્યારે અન્ય બે ઇજાગ્રસ્ત યુવકોને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કારમાં સવાર ચારેય મિત્રો અંકલેશ્વરની ફાર્મા કંપનીના કર્મચારીઓ હોવાની જાણકારી મળી છે.
આ પણ વાંચો
Accident: જેતપુર નજીક રેલવે ટ્રેક પર સર્જાઇ ભયંકર ઘટના, ટ્રેન નીચે આવી જતાં યુવકનું મોત