ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી, આ રીતે કરી 25 કરોડ રૂપિયાથી વધુની કમાણી
Khyati Hospital Scam: ખ્યાતિ હોસ્પિટલ કાંડના કૌભાંડીઓ હજુ તો પોલીસ પકડથી દૂર છે. પણ હવે એક સપ્તાહ બાદ કૌભાંડીઓની મોડસ ઓપરેન્ડી સામે આવી છે
ખ્યાતિકાંડના મુખ્ય ચાર આરોપીઓ સામે લુક આઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે. ખ્યાતિકાંડને એક સપ્તાહ વિતી જવા છતા એક માત્ર ડૉ. પ્રશાંત વજીરાણીની જ ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી છે. અન્ય ચાર આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે. ત્યારે પોલીસ કમિશનરે સમગ્ર તપાસનો બાગડોર વસ્ત્રાપુર પોલીસ પાસેથી લઈ ક્રાઈમબ્રાંચને સોંપ્યો હતો. લૂક આઉટ નોટિસ ઈશ્યુ કરાતા દેશના તમામ એરપોર્ટને જાણ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત ક્રાઈમ બ્રાંચની ટીમે મંગળવારના આરોપીઓના ઘર અને ઓફિસો પર દરોડા પાડ્યા અને જરૂરી દસ્તાવેજો કબ્જે કર્યા હતા. ડાયરેકટર ડૉ. કાર્તિક પટેલ, ડૉ. સંજય પટોલિયા, CEO ચિરાગ રાજપૂત અને રાજશ્રી કોઠારી સામે પોલીસે લુક આઉટ નોટિસ જાહેર કરી છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ત્રણ પોલીસ ઇન્સ્પેક્ટર આ સમગ્ર પ્રકરણની અલગ અલગ સ્તરે તપાસ કરી રહ્યા છે. જેમાં મંગળવારે ડોક્ટરની ટીમ સાથે તેઓ ખ્યાતિ હોસ્પિટલ પહોંચ્યા હતા અને તેમણે ઓપરેશન થિયેટરથી લઈને પોસ્ટ અને પ્રિ ઓપરેટિવ જગ્યાની મુલાકાત લીધી હતી. જ્યાં ડોક્ટરની હાજરીમાં કેટલાક મહત્વના ડોક્યુમેન્ટ અને તપાસમાં મદદ થાય તે પ્રકારે ફોટોગ્રાફી પણ કરી હતી. આ તરફ પોલીસની માગણી મુજબ આરોગ્ય વિભાગ તરફથી પોલીસને તપાસ માટે ત્રણ કાર્ડિયોલોજિસ્ટ સહિત ચાર તબીબની ફાળવણી કરી છે.
ક્રાઈમ બ્રાંચની ટીમની સાથોસાથ ગુજરાત નર્સિંગ કાઉન્સીલની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી. નિયમ મુજબ કોઈ પણ નર્સિંગ કોલેજ ચલાવવા માટે પોતાની હોસ્પિટલ શરૂ સ્થિતિમાં હોવી જરૂરી છે. હોસ્પિટલમાં હાલમાં એક પણ દર્દી ન હોવાથી નર્સિંગ કોલેજ શરૂ રહેશે કે બંધ એ પણ મોટો સવાલ છે. જો ખ્યાતિ નર્સિંગ કોલેજ બંધ થશે તો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મૂકાય તેવી શક્યતા છે. હાલ તો ખ્યાતિ હોસ્પિટલ બંધ હોવાનો રિપોર્ટ નર્સિંગની ટીમ બોર્ડને કરશે. આગામી દિવસોમાં જેને પ્રથમ વર્ષમાં એડમિશન લીધા હશે તેના એડમિશન રદ કરાશે. તો બીજા અને ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓને અન્ય કોલેજમાં ટ્રાન્સફર કરાશે. ખ્યાતિ નર્સિંગ કોલેજનો આખરી નિર્ણય ગુજરાત નર્સિંગ કાઉન્સીલ બોર્ડ કરશે.