અમદાવાદ: પોતાના હક માટે માજી સૈનિકો પરિવાર સાથે ઉતર્યા રસ્તા પર,પોલીસ સાથે થઈ ઝપાઝપી
માજી સૈનિકો પોતાની કેટલીક માગ સાથે રસ્તા પર ઉતર્યા છે. આજે અમદાવાદના શાહીબાગ શહીદ સ્મારકથી ગાંધીનગર સચિવાલય સુધી સન્માન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં માજી સૈનિકો જોડાયા છે.
અમદાવાદ: પોતાનો જીવ જોખમમાં મુકી દેશની સરહદે ખડપગે રહી સેવા કરનાર માજી સૈનિકો પોતાની કેટલીક માગ સાથે રસ્તા પર ઉતર્યા છે. આજે અમદાવાદના શાહીબાગ શહીદ સ્મારકથી ગાંધીનગર સચિવાલય સુધી સન્માન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. માજી સૈનિકો અને શહીદ પરિવારના હક્કને લઈને ઉગ્ર લડત આપવામાં આવી રહી છે. જો કે, પોલીસે માજી સૈનિકોની રેલી અટકાવી હતી જેને લઈને વાતાવરણ ઉગ્ર બન્યું હતું.
માજી સૈનિક હિત માટે વિવિધ કલ્યાણ લક્ષી 14 મુદ્દાઓની લડત લડી રહ્યા છે. પોલીસે રેલી અટકાવતા પોલીસ સાથે ઝપાઝપીના દર્શ્યો સર્જાયા છે. સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં સૈનીક પરિવાર આ રેલીમાં ભાગ લેવા અમદાવાદ આવ્યા છે. છેલ્લા 4 વર્ષથી લડત ચાલતી હોવા છતાં કોઈ નિર્ણય લેવાયો નથી તેઓ આરોપ માજી સૈનિકોએ લગાવ્યો છે. તેથી માજી સૈનિકોએ ગાંધી ચિંધ્યા માર્ગ ઉગ્ર લડત શરૂ કરી છે. તેમણે કહ્યું કે, શહીદ થયેલા પરિવારની દયનિય હાલત છે. સહાયના નામે માજી સૈનિક અને શહીદ પરિવાર પરેશાન થઈ રહ્યા હોવાની વાત તેમણે કરી હતી.
આ 14 મુદ્દાની લડત
૧) શહીદ પરિવારને રૂ।. 1 કરોડની સહાય તથા પરિવારમાં એક સદસ્યને સરકારી નોકરી.
૨) ગાંધીનગર ખાતે રાજય લેવલનું શહીદ સ્મારક તથા સૈનિકો માટે આરામગૃહ.
૩) સૈનિકો માટે રાજય સરકાર તરફથી નોકરી માટેની અનામત.
૪) ખેતી માટે જમીન તથા રહેણાક પ્લોટ.
૫) દારૂ માટેની પરમીટ ભારતીય સેના માટે આપેલ પરમીટ માન્ય ગણવી.
૬) કોન્ટ્રાક્ટ પધ્ધતિ નાબુદ કરી, સીધી ભરતી કરવામાં આવે.
૭) હથિયારનું લાયસન્સ રીન્યુ કરવા અલગ વ્યવસ્થા.
૮) માજી સૈનિકોના પરિવારની સમસ્યા માટે કચેરીઓમાં અલગથી ખાસ વ્યવસ્થા કરી જલ્દી ઉકેલ લાવવામાં આવે.
૯) માજી સૈનિકના નોકરીના કીસ્સામાં સેનામાં કરેલી નોકરીનો ગાળો સળંગ કરવામાં આવે.
૧૦) માજી સૈનિકો માટે પાંચ વર્ષનો ફીકસ પગાર વાળી પધ્ધતિ નાબુદ કરવામાં આવે.
૧૧) એક સૈનિકને પોતાના વતનમાં નોકરી આપવામાં આવે.
૧૨) ઉચ્ચ અભ્યાસ અંગેના પ્રવેશમાં સૈનિકોના બાળકોને છુટછાટં
૧૩) સૈનિકોના બાળકોનો ખર્ચ રાજય સરકાર ઉઠાવે.
૧૪) સૈનિકો માટે લેવાતો વ્યવસાય વેરો માફ કરવામાં આવે.