Accident: અમદાવાદમાં વધુ એક અકસ્માત, સોલા બ્રીજ પર કાર ડિવાઇડર પર ચડી ગઈ
અમદાવાદમાં અકસ્માતનો સિલસિલો વણથંભ્યો છે. શહેરમાં વધુ એક અકસ્માતની ઘટના બની છે.
Ahmedabad News: અમદાવાદમાં વધુ એક અકસ્માત સર્જાયો છે. શહેરમાં સોલા બ્રીજ પર કાર ડિવાઈડર પર ચડી ગઈ હતી. પેલેડીયમ મોલ નજીક આ ઘટના બની હતી, સ્થાનિકોના આક્ષેપ મુજબ કાર ચાલક દારૂ પીધેલી હાલતમાં છે. પોલીસે કાર ચાલકની અટકાયત કરી છે.
શહેરમાં એસજી હાઈવે પર અકસ્માતોની સંખ્યા વધી રહી છે. આ હાઈવે પર છેલ્લા 24 કલાકમાં ત્રણ ગંભીર અકસ્માતમાં પાંચ લોકોના મોત થયાં છે. ઈસ્કોન બ્રિજ પર તથ્ય પટેલે જેગુઆર કારથી 9 લોકોને કચડી નાંખ્યા બાદ પોલીસ એક્શનમાં આવી હતી અને ઓવરસ્પીડ સહિતના ધડાધડ કેસ કરવા માંડી હતી. તે છતાંય ઓવરસ્પીડ વાહન ચાલકોને કોઈ ડર રહ્યો નથી.
અમદાવાદના એસજી હાઈવે પરના સોલા હાઇવે પર ટ્રાવેલ્સ બસ ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા મોત થયું હતું. સવારે 9 કલાકે ખાનગી કંપનીની સ્ટાફ બસની અડફેટે ડુંગરપુરનો વતની અંકિત પ્રજાપતિ આવી જતાં તેનું મોત થયું હતું. આ સિવાય ગુજરાત હાઈકોર્ટ પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં રાહદારી મહિલાનું મોત થયું હતું. ગુજરાત હાઈકોર્ટ સોલા પાસે કોમા સેન્ટર નજીક ગઈ રાત્રે ફૂટપાથ પર ચાલ્યા જતા 33 વર્ષીય મહિલા પાયલકુંવરને વાહન ચાલક ટક્કર મારીને ભાગી ગયો હતો. મહિલાને જમણા પગે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને સિવિલમાં લઈ જતાં હાજર ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા.
પકવાન ચાર રસ્તા નજીક સવારે ગાડી પલટી જતાં 3 લોકોનો મોત થયા છે. સ્પીડના શોખમાં નિર્દોષ લોકો હોમાઈ રહ્યા છે. અમદાવાદના પકવાન બ્રિજ પર અકસ્માત સર્જાયો હતો જેમાં કાર ચાલકે હોટલ ગ્રાંડ ભગવતી સામે ડીવાઈડર પરના ઈલેક્ટ્રીક પોલ સાથે કાર અથડાવી હતી. જે બાદ કાર પલ્ટી ખાઈ જતા કારમાં સવાર ચાર લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માતમાં નવા વાડજમાં રહેતા નરેશ પ્રજાપતિ 23 વર્ષના યુવકનું મોત, મિતેષ પ્રજાપતિ 24 વર્ષનું મોત, કૌશલ પ્રજાપતિ 24 વર્ષના યુવકનું મોત થયું હતું. જ્યારે બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે.અમદાવાદની શાન ગણાતા એસજી હાઈવે હવે સલામત નથી. ઈસ્કોનથી ગુજરાત હાઈકોર્ટ વચ્ચેના એસજી હાઈવે રોડ ઉપર લગભગ ત્રણેક કિમીના અંતરમાં જુદી જુદી 3 જગ્યાએ છેલ્લા 24 કલાકમાં અકસ્માતમાં 5 લોકોનો મોત થયા છે.