ચોમાસું આવે એ પહેલા જ AMC નો મોટો નિર્ણય, જાણો કર્મચારી-અધિકારીઓને શું આપ્યો આદેશ
વર્ગ 2 ના અધિકારીઓને ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ઝોનલ ઓફિસ, વડી કચેરીઓ, સોલીડ વેસ્ટ વિભાગની કામગીરી પર નજર રાખવા સૂચના અપાઈ છે.

Ahmedabad Municipal Corporation: ચોમાસાના આગમન પહેલા જ AMCના વર્ગ એકથી ચારના અધિકારી અને કર્મચારીઓની રજા રદ કરી દેવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર તરફથી આદેશ કરાયો છે. જેમાં 5 જૂનથી ચોમાસાની ઋતુ સુધી અધિકારીઓ અને કર્મચારીઓની રજા રદ્દ કરવામાં આવી છે. જ્યારે વર્ગ 1ના અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા આદેશ કરવામાં આવ્યો છે. તો વર્ગ 2 ના અધિકારીઓને ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ઝોનલ ઓફિસ, વડી કચેરીઓ, સોલીડ વેસ્ટ વિભાગની કામગીરી પર નજર રાખવા સૂચના અપાઈ છે. વર્ગ 3 અને 4 ના કર્મચારીઓએ રજા માટે ઉપરી અધિકારીઓની ફરજીયાત મંજૂરી લેવા પરિપત્ર જાહેર કરાયો છે.
થોડા દિવસ પહેલા અમદાવાદમાં વરસાદ પડ્યો હતો ત્યારે એક કલાકના તોફાની તાંડવમાં તો જાણે અમદાવાદ મહાપાલિકાએ પ્રિ-મોન્સૂન કામગીરી કર્યાના તમામ દાવાઓની પોલ ખૂલી પડી ગઈ હતી. શહેરમાં વરસેલા એકથી બે ઈંચ વરસાદમાં તો સ્માર્ટ સિટી અમદાવાદના દાવાની પોલ ખૂલી ગઈ. શહેરમાં એક પણ સ્થળે પાણી ન ભરાયાના દાવાની વચ્ચે વાસ્તવિકતા એ જોવા મળી કે બે ઈંચ વરસાદમાં જ જાણે સ્માર્ટ સિટી બેટમાં ફેરવાઈ ગયું.
શહેરના પૂર્વ વિસ્તારમાં વરસાદને લઈને અનેક જગ્યાએ પાણી ભરાયાં છે. ખોખરા ગુજરાત હાઉસિંગ બોર્ડનાં મકાનોના ઓટલા સુધી પાણી ફરી વળ્યા છે. હાટકેશ્વર સર્કલ, ખોખરા રુક્મણીનો માર્ગ પાણીમાં ગરકાવ થયો છે. હાટકેશ્વર, ખોખરા, CTM, જામફળવાડી, જશોદાનગર, પુનિતનગર રેલવે ફાટક સહિતના વિસ્તારોમાં પાણી ભરાયાં છે. આ સાથે જ તળિયાની પોળ સારંગપુર નાના પોરવાડનો ખાંચામાં એક મકાનનો ભાગ ધરાશયી થયો.
આ ઉપરાંત તોફાની તાંડવમાં અનેક સ્થળે હોર્ડિંગ્સ તૂટી પડ્યા હતા. રસ્તામાં ટ્રાફિક નિયમન માટે રાખેલા બેરિકેડ પણ તોફાની પવની ઝપટે ચડી ગયા. પવનના કારણે ઠેર- ઠેર વર્ષો જૂના વૃક્ષો ધરાશાયી થઈ ગયા. વૃક્ષો તૂટીને રસ્તાઓ પર પડતા અનેક જગ્યાએ વાહનવ્યવહાર ખોરવાયો હતો.
ભારે વરસાદ અને પવનના કારણે અમદાવાદના નાના પોરવાડમાં મકાનનો ભાગ ધરાશાયી થયો હતો જો કે સદભાગ્યે કોઇ જાનહાનિ નથી થઇ. તો બીજી તરફ અમદાવાદ શહેરમાં અનેક ઠેકાણે વૃક્ષો પણ ધરાશાયી થયા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
