IND vs PAK: એશિયા કપ ફાઇનલમાં ભારતની હારના 4 મોટા કારણો, સમીર મિનહાસે એકલા હાથે બાજી પલટી નાખી
ઐતિહાસિક હાર: ટોસ જીતીને બોલિંગ કરવી ભારે પડી, પાકિસ્તાની પેસ એટેક સામે ભારતીય બેટ્સમેનોએ ઘૂંટણિયા ટેક્યા.

India vs Pakistan U19 final: દુબઈમાં રમાયેલી અંડર-19 એશિયા કપ (U-19 Asia Cup) ની ફાઈનલમાં ભારતીય ચાહકોને મોટી નિરાશા સાંપડી છે. ભારત વિરુદ્ધ પાકિસ્તાન (IND U19 vs PAK U19) ના હાઈવોલ્ટેજ મુકાબલામાં પાકિસ્તાને ભારતને 191 રનથી કારમી હાર આપી છે. આ બીજી વખત છે જ્યારે પાકિસ્તાન ચેમ્પિયન બન્યું છે. પાકિસ્તાને ખડકેલા 347 રનના પહાડ સામે ટીમ ઈન્ડિયા માત્ર 156 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. તો આખરે એવા કયા કારણો હતા જેના લીધે અજેય રહેલી ભારતીય ટીમ ફાઈનલમાં ધરાશાયી થઈ ગઈ? ચાલો જાણીએ હારના 4 મુખ્ય કારણો.
ભારતીય યુવા ટીમ આખી ટૂર્નામેન્ટમાં શાનદાર રમી, પરંતુ ફાઈનલમાં તેમનું પ્રદર્શન અત્યંત કંગાળ રહ્યું. બેટિંગ હોય કે બોલિંગ, દરેક વિભાગમાં પાકિસ્તાની ટીમ ભારત પર ભારે પડી હતી. આ શરમજનક હાર માટે નીચે મુજબના મુખ્ય ચાર કારણો જવાબદાર માનવામાં આવે છે:
1. સમીર મિનહાસનું વાવાઝોડું (Sameer Minhas's Historic Inning) ભારતની હારનું સૌથી મોટું અને મુખ્ય કારણ પાકિસ્તાની ઓપનર સમીર મિનહાસ (Sameer Minhas) રહ્યો. તેણે ફાઈનલ મેચમાં ભારતીય બોલરોની ધોલાઈ કરતા માત્ર 113 બોલમાં 172 રન ની ઐતિહાસિક ઈનિંગ રમી. મિનહાસ આ ટૂર્નામેન્ટમાં પહેલેથી જ જોરદાર ફોર્મમાં હતો અને ફાઈનલ પહેલા જ તેણે 299 રન બનાવી લીધા હતા. તેમ છતાં, ભારતીય ટીમ મેનેજમેન્ટ તેની સામે કોઈ ખાસ રણનીતિ ઘડવામાં નિષ્ફળ ગયું અને તેણે એકલા હાથે મેચનું પાસું પલટી નાખ્યું.
2. ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય ખોટો સાબિત થયો ક્રિકેટના આંકડા અને ઈતિહાસને અવગણવો ભારતને ભારે પડ્યો. અંડર-19 એશિયા કપના ઈતિહાસમાં અત્યાર સુધી 11 ફાઈનલ રમાઈ છે, જેમાંથી માત્ર 2 વાર જ પાછળથી બેટિંગ ( ચેઝ) કરનારી ટીમ જીતી છે. ફાઈનલ મેચમાં હંમેશા સ્કોરબોર્ડનું દબાણ (Scoreboard Pressure) રહેતું હોય છે. આમ છતાં, કેપ્ટન આયુષ મ્હાત્રેએ ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી, જે વ્યૂહાત્મક રીતે મોટી ભૂલ સાબિત થઈ.
3. દબાણમાં વિખેરાઈ ગયું ભારતીય બેટિંગ લાઈન-અપ 348 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયા શરૂઆતથી જ દબાણમાં આવી ગઈ હતી. માત્ર 49 રન ના સ્કોર પર ભારતની મહત્વની 3 વિકેટો પડી ગઈ હતી. સ્ટાર બેટ્સમેન વૈભવ સૂર્યવંશી (Vaibhav Suryavanshi) 26 રન અને કેપ્ટન આયુષ માત્ર 2 રન બનાવીને પેવેલિયન ભેગા થયા હતા. વિહાન મલ્હોત્રા અને અભિજ્ઞાન કુંડુ જેવા ફોર્મમાં રહેલા બેટ્સમેનો પણ ફાઈનલના પ્રેશર સામે ટકી શક્યા નહીં અને ટીમ પત્તાના મહેલની જેમ તૂટી પડી.
4. પાકિસ્તાની પેસ એટેકનો તરખાટ (Pace Attack Dominance) ભારતીય બેટ્સમેનો સ્પિન સામે સારું રમતા હોય છે, પરંતુ અહીં પાકિસ્તાની ફાસ્ટ બોલરોએ તરખાટ મચાવ્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે ભારતની તમામ 10 વિકેટ પાકિસ્તાનના ઝડપી બોલરો (Pacers) એ જ લીધી હતી. ખાસ કરીને અલી રઝા (Ali Raza) એ 6.2 ઓવરમાં 4 વિકેટ ઝડપી હતી. જ્યારે મોહમ્મદ સૈયમ, અબ્દુલ સુભાન અને હુઝૈફા અહસાને 2-2 વિકેટ લઈને ભારતને 156 રનમાં સમેટી દીધું હતું.




















