Ahmedabad: ઇસ્કોન બ્રિજ અકસ્માત મુદ્દે ગુજરાત હાઇકોર્ટની સરકારને ફટકાર, કહ્યુ- 'કાયદાનો ડર નહિ હોય તો આવા અકસ્માતો સર્જાતા રહેશે'
અમદાવાદના બિસ્માર રસ્તા, રખડતા ઢોર અને ટ્રાફિકની સમસ્યા મુદ્દે થયેલી અરજી પર ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી

અમદાવાદના બિસ્માર રસ્તા, રખડતા ઢોર અને ટ્રાફિકની સમસ્યા મુદ્દે થયેલી અરજી પર ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ મામલે હાઇકોર્ટે શહેરમાં ખરાબ રસ્તાઓને લઇને સરકારની ઝાટકણી કાઢી હતી. હાઇકોર્ટે રાજ્ય સરકારની આકરી ટકોર કરતા કહ્યું હતું કે રાજ્ય સરકારની ઈચ્છા શક્તિ હોય તો ઘણું બધું થઈ શકે છે.
વધુમા કોર્ટે કહ્યું હતું કે નબીરાઓ છડે ચોક કાયદાનો ભંગ કરે છે કારણ કે તેમને રોકવાની રાજ્ય સરકારની કરોડરજ્જુ નથી અથવા ઈચ્છા શક્તિ નથી. ઇસ્કોન બ્રિજ અકસ્માત મામલે હાઇકોર્ટે ટકોર કરી હતી. કોર્ટે કહ્યું કે કાયદાનો ડર નહીં હોય તો આવા અકસ્માતો સર્જાતા રહેશે. કાયદાનો ડર બેસાડવો એ સરકારનું કામ છે. લોકો રસ્તાઓ પર સ્ટંટ કરે છે, તમે શું કરો છો, એને રોકો. કાયદાનો ભંગ કરનારા લોકોને ભાન કરાવવું જરૂરી છે.
કોર્ટે વધુમાં કહ્યું હતું કે ટ્રાફિક મોનિટરિંગ માટે સીસીટીવીના દાવાઓ કરતી સરકાર હાઇવે પર શું ધ્યાન આપે છે? અન્ય મોટા શહેરોમાં ટ્રાફિક નિયમન મુદ્દે લોકોને જે પ્રમાણે કાયદાનો ડર છે અને અમલવારી થાય છે તેવી અમલવારી અહીં શા માટે થતી નથી?
બીજી તરફ રાજ્યમાં ડીજીપીના આદેશ બાદ પોલીસ એકશનમાં આવી હતી. અમદાવાદ શહેર પોલીસે સવારથી જ ચેકિંગ શરૂ કર્યું હતું. શહેરના સિંધુભવન રોડ પોલીસે ચેકિંગ શરૂ કર્યું હતું. મોડી રાત્રે પણ સિંધુ ભવન રોડ પર ચેકિંગ હાથ ધરાયું હતું. રાજ્યભરમાં એક મહિના સુધી ડ્રાઈવ ચલાવવાની જાહેરાત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જાયો હતો. જેમાં નવ લોકોના મોત થયા હતા. આ કેસમાં FSLની ટીમે ટ્રાફિક પોલીસને સોંપેલા રિપોર્ટમાં ખુલાસો થયો છે કે અકસ્માત સમયે આરોપી તથ્ય પટેલ 141.27 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પોતાની જગુઆર કાર દોડાવી રહ્યો હતો. એટલુ જ નહી જગુઆર કારની બ્રેકમાં પણ કોઈ જ ક્ષતિ ન હોવાનો આરટીઓ વિભાગે રિપોર્ટમાં જણાવ્યું છે. બુધવારે મોડી રાતે સવા વાગ્યે બનેલી ઘટના બાદ આરોપી તથ્ય પટેલની ટ્રાફિક પોલીસે ધરપકડ કરીને ત્રણ ત્રણ વખત રિકન્સ્ટ્રક્શન કર્યુ હતુ.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
