અમદાવાદના કલાકાર રાગિણી ફોજદારના બુદ્ધની થીમ પર કલરફૂલ પેઇન્ટિંગનું પ્રદર્શન યોજાયું
અમદાવાદ શહેરના જાણીતા આર્ટિસ્ટ રાગિણી ફોજદારનું સોલો આર્ટ પ્રદર્શન 'ધ વે ઑફ બુદ્ધા' હઠીસિંહ વિઝ્યુઅલ આર્ટ ગેલેરીમાં 7 અને 8 સપ્ટેમ્બર દરમિયાન યોજાયું.
અમદાવાદ શહેરના જાણીતા આર્ટિસ્ટ રાગિણી ફોજદારનું સોલો આર્ટ પ્રદર્શન 'ધ વે ઑફ બુદ્ધા' હઠીસિંહ વિઝ્યુઅલ આર્ટ ગેલેરીમાં 7 અને 8 સપ્ટેમ્બર દરમિયાન યોજાયું. જેમાં બુદ્ધની થીમ પર તૈયાર કરવામાં આવેલા 34 કલરફૂલ પોટ્રેટ પેઇન્ટિંગ રજૂ કરવામાં આવ્યા. આ પ્રદર્શનનું ઉદ્ધાટન કળા સાહસિક અનિલ રેલીયાએ કર્યું. આ પ્રદર્શન શ્રીમતી રાગિણી ફોજદારના પિતાને શ્રદ્ધાંજલિ પણ હતી. રાગિણીબહેને જણાવ્યું કે, તેમના પેઇન્ટિંગની થીમ ભગવાન બુદ્ધ હતી. જેમને દુનિયા પ્રેમ, શાંતિ અને પવિત્રતાનું પ્રતીક માને છે. બુદ્ધ તે છે જેણે બોધિ પ્રાપ્ત કરી છે; બોધીનો અર્થ શાણપણ છે, જે બૌદ્ધિક અને નૈતિક પૂર્ણતાની આદર્શ સ્થિતિ છે. કોરાના મહામારી દરમિયાન લોકો ડિપ્રેશનનો ભોગ બન્યા, ચિંતામાં સરી પડ્યા અને માનસિક રીતે ભાંગી પડ્યા હતા ત્યારે લોકોને શાંતિની અનુભૂતિ થાય તે માટે તેમણે આ આર્ટપીસ તૈયાર કર્યા.
એક્રેલિક પેઇન્ટિંગ્સની આ શ્રેણી ઝેન સ્ટેટ ફ્રેમવર્કની શ્રેણીમાં બુદ્ધના જીવન અને અભિવ્યક્તિઓને પ્રદર્શિત કરે છે. રાગિણીબહેનના દરેક પેઇન્ટિંગ તેની પોતાની વિશિષ્ટ ઓળખની વાત કરે છે અને તે તેની પોતાની એક વાર્તા રજૂ કરે છે. આ રાગિણીબહેનનું ત્રીજુ પ્રદર્શન હતું.