AHMEDABAD : સુભાષબ્રિજ પાસે હિટ એન્ડ રનની ઘટના, ઓડી કારે 25 વર્ષીય યુવાનને અડફેટે લેતા ઘટનાસ્થળે મોત
Ahmedabad Hit and run : ઓડી કાર ચાલકે યુવકને અડફેટે લઇ 500 મીટર સુધી ઢસડ્યો.
Ahmedabad News : અમદાવાદમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. સુભાષબ્રિજ આરટીઓ પાસે ગત રાત્રે એક હિટ એન્ડ રનની ઘટના ઘટી હતી જેમાં 25 વર્ષીય યુવાનનું મોત થયું છે.
ઓડી કાર ચાલકે યુવકને 500 મીટર ઢસડ્યો
સુભાષબ્રિજ આરટીઓ પાસે ઓડી કાર ચાલકે મોટર સાયકલ ચલાકને અડફેટે લઈ ફરાર થઇ ગયો. આ ઘટનામાં ઝુંડાલ ગામમાં રહેતા 25 વર્ષીય યશ ગાયકવાડનું મોત થયું છે. યશ ગાયકવાડ હોટેલ વિશાલા ખાતે કેશિયર તરીકે નોકરી કરતો હતો અને નોકરીથી છૂટ્યા બાદ ઝુંડાલ તરફ જતો હતો ત્યારે ચીમનલાલ બ્રિજ ઉપર ઓડી કાર ચાલકે યશ ગાયકવાડને અડફેટે લીધો હતો અને અંદાજે 500 મીટર ઢસડીને કલેકટર કચેરી આરટીઓ પહોંચ્યો હતો. ત્યાર બાદ ઓડી કાર ચાલક ફરાર થઇ ગયો હતો.
ઘટનાની જાણ થતાં શહેર ટ્રાફિક પોલીસના L ડિવિઝન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી. સીસીટીવી ફૂટેજ અને ઘટના સ્થળે મેપિંગ કરી સમગ્ર મામલે તપાસ કરી. જરૂર જણાયે એફ.એસ.એલની મદદ લેવાશે તેવી વાત પોલીસ અધિકારીએ કરી.
શું કહ્યું કારના માલિકે ?
સમગ્ર ઘટના બાદ સીસીટીવી પરથી ઓડી કારના નમ્બર GJ01-RP-0774 પરથી કાર ચાલકનું નામ અને સરનામું પોલીસે મેળવ્યું, જેમાં કાર રોહનકુમારના નામે હતી અને તેઓ ધર્મનગર પાસે રહે છે.
પોલીસ દ્વારા રોહનકુમારની પૂછપરછ કરી ત્યારે રોહને જણાવ્યું કે તેઓ દિલ્હી હતા અને ગત રાત્રે એરપોર્ટ તેમનો ડ્રાઇવર નિજેશ રાવત તેમને લેવા માટે આવવાનો હતો. જ્યારે નિજેશે જણાવ્યું હતું કે કોઈ જાનવર સાથે અકસ્માત થયો જેમાં રેડિયેટરમાં ખરાબી થઈ છે. ઓડી કાર ખરાબ હોવાના કારણે રોહનકુમાર રીક્ષા મારફતે ધર્મનગર પહોંચ્યા હતા જ્યારે સવારે ઘટનાની જાણકારી બાદ ઓડી કારના ડ્રાઇવર નિજેશનો ફોન બંધ આવી રહ્યો છે.
બિનવારસી હાલતમાં કાર મળી આવી
હિટ એન્ડ રનમાં યશ ગાયકવાડનું મૃત્યુ બાદ પોલીસ દ્વારા સઘન તપાસ હાથધરી છે. જેમાં પોલીસ દ્વારા એક્સિડન્ટ રિસર્ચ કમિટી, એફ.એસ.એલના માધ્યમથી અકસ્માતના કારણો સાથે ફરાર ઓડી કાર ડ્રાઇવર નિજેશ રાવતની શોધ ખોળ પણ હાથધરી છે. હવે ઓડી કાર ડ્રાઈવર પોલીસના હાથે ચઢે પછી સમગ્ર મામલે અકસ્માતનું કારણ પણ જાણી શકાશે.
અમદાવાદના એરપોર્ટ સર્કલ પાસે આવેલી એક ખાનગી હોટલ પાસે આ કાર મળી આવી છે. બિનવારસી કાર જોઈ અને હોટલના મેનેજર એ પોલીસને જાણ કરી હતી અને બાદમાં પોલીસે આ કાર જપ્ત કરી હતી. હાલ આ કેસની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.