(Source: ECI/ABP News/ABP Majha)
'DNA પૉઝિટીવ, 1700 પાનાની ચાર્જશીટ, 13 લોકોના જીવ બચ્યા ને....' -તથ્યકાંડમાં પોલીસે પીસી કરીને આપી તમામ માહિતી
ઈસ્કોન બ્રિજ કેસ બાબતે અમદાવાદના ઈનચાર્જ પોલીસ કમિશ્નરે આજે એક પ્રેસ કૉન્ફરન્સ કરી હતી, જેમાં તેમને તથ્ય પટેલ અંગે ખાસ નિવેદનો આપ્યા હતા.
Iscon Bridge Accident: અમદાવાદ શહેરના ઇસ્કોન બ્રિજ ખાતે અકસ્માત સર્જનાર તથ્ય પટેલને લઈને દરરોજ નવા નવા ખુલાસો થઇ રહ્યો છે, આરોપી તથ્ય પટેલ એક બે નહીં કેટલાય ગુનાહિત કૃત્યો સાથે સંકળાયેલો છે, આ વાત હવે પોલીસના ચોપડે નોંધાઇ છે. તથ્ય પટેલ ઇસ્કોન બ્રિજ અકસ્માત કાંડમાં હવે ઇનચાર્જ પોલીસ કમિશનરે આજે એક પ્રેસ કૉન્ફરન્સ કરીને મોટી માહિતી મીડિયા સમક્ષ રજૂ કરી હતી.
ઈસ્કોન બ્રિજ કેસ બાબતે અમદાવાદના ઈનચાર્જ પોલીસ કમિશ્નરે આજે એક પ્રેસ કૉન્ફરન્સ કરી હતી, જેમાં તેમને તથ્ય પટેલ અંગે ખાસ નિવેદનો આપ્યા હતા. ઇન્ચાર્જ સીપીએ પ્રેસ દરમિયાન કહ્યું કે, આરોપીને કડક સજા થાય એ માટે ટીમ બનાવી છે. તમામ અધિકારીઓએ રાત દિવસ મહેનત કરી છે, આ કેસના અમે તમામ પાસાને ધ્યાનમાં રાખીને તપાસ કરી છે. આ કેસમાં નજરે જોનારા લોકોના નિવેદનો પણ લેવામાં આવ્યા છે. અમે આરોપી સામે 1700 પાનાની ચાર્જશીટ બનાવી છે.
અકસ્માતની ઘટના અંગે વધુમાં ઈન્ચાર્જ CPએ કહ્યું કે, અમે જેગુઆર કારની RTO મારફતે તપાસ કરાવી છે, આરોપીનો DNA ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. કાર ઓવરસ્પીડમાં હોવાનું પણ આ કેસમાં સામે આવ્યુ છે. અકસ્માત સમયે વીડિયો લેનારાઓની પણ પૂછપરછ કરવામાં આવી છે. આ દૂર્ઘટનામાં 13 લોકોને સમયસર સારવાર મળતા જીવ બચ્યો છે. પૂરાવાઓનો નાશ કરવાની કોઈને પણ તક મળી શકી નથી. પૂરાવાઓનો નાશ ના થાય એ માટે બ્લડ સેમ્પલ પણ લેવાયા છે. તથ્યને હૉસ્પીટલ લઈ જવાયો તેનાથી પોલીસ વાકેફ હતી. ઈજાગ્રસ્તો જલદીથી સાજા થાય તેવી આશા રાખીએ છીએ.
ઇન્ચાર્જ સીએ વધુમાં કહ્યું કે, હૉસ્પીટલે પોલીસને જાણ કરી, તથ્યના પિતાએ નહીં, કારની સ્પીડ તપાસ કરવી એ મોટો પડકાર હતો. જે વિસ્તારમાં રેસ ડ્રાઈવિંગ થાય છે ત્યાં સઘન તપાસ કરાવવામાં આવી છે. હવે રાતના સમયે ટ્રાફિક પોલીસ કાયમ માટે સ્ટેન્ડ બાય રહેશે.
આરોપી તથ્ય પટેલ વિરુદ્ધ પોલીસ ચાર્જશીટ -
અમદાવાદ ઈસ્કોન બ્રિજ દૂર્ઘટનાને લઈ મોટા સમાચાર આવ્યા છે. તથ્ય પટેલ વિરુદ્ધ કોર્ટમાં આજે ચાર્જશીટ દાખલ કરાશે. પોલીસ પાંચ હજારથી વધુ પાનાની ચાર્જશીટ ફાઈલ કરશે. ચાર્જશીટમાં 50 લોકોના નિવેદનનો સમાવેશ કરાયો છે. તે સિવાય ચાર્જશીટમાં FSL અને DNAના રિપોર્ટ પણ જોડવામાં આવ્યો છે. આરોપી તથ્ય વિરુદ્ધ ચાર્જશીટ દાખલ થયા બાદ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવાશે .
તથ્ય પટેલ વિરુદ્ધ પોલીસ કોર્ટમાં આજે ચાર્જશીટ દાખલ કરવામાં આવશે. પાંચ હજાર પાનાની ચાર્જશીટમાં FSLના રિપોર્ટ, બાઈક સવારે લીધેલા વીડિયોના આધારે તૈયાર કરાયેલો સ્પીડ રિપોર્ટ, જગુઆર કારનો ટેક્નિકલ અને સ્પોટ રિપોર્ટ સાથે જ તથ્યના ડીએનએ સહિતના વિવિધ રિપોર્ટ જોડવામાં આવ્યા છે. સાથે IPCની કલમ 308 ઉમેરવાની મંજૂરી મળતા તેનો ઉમેરો પણ કરવામાં આવ્યો છે. સાથે અકસ્માત સમયે જગુઆર કારમાં રહેલા તથ્યના મિત્રોના નિવેદનો પણ આ કેસમાં મજબૂત પુરાવા રહેશે. ઘટનાના સાક્ષીઓ સહિત કુલ 50થી વધુ લોકોના નિવેદનો પણ નોંધવામાં આવ્યા છે. આજે કોર્ટમાં ચાર્જશીટ દાખલ થયા બાદ સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ કેસ ચલાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે તથ્ય પટેલની કારની સ્પીડથી લઈને બ્રેક અંગેના રિપોર્ટ સામે આવી ચૂક્યા છે. હવે એ પણ સાબિત થઈ ગયું છે કે, તથ્ય પટેલ જે જગુઆર કાર ચલાવતો હતો તેમા કોઈ ખામી ન હતી. RTO અધિકારીના જણાવ્યા અનુસાર તથ્ય પટેલની અકસ્માત કરેલી કારમાં કોઈ યાંત્રિક ખામી ન હતી, અકસ્માત સર્જનારી તથ્ય પટેલની કારનું RTO ઇન્સ્પેક્ટરે ઇન્સ્પેકશન કર્યું હતું. બીજી તરફ 9 લોકોનો ભોગ લેનાર તથ્ય પટેલનું ડ્રાઈવિંગ લાયસન્સ રદ્દ થશે. તથ્યનું ડ્રાઈવીંગ લાયસન્સ રદ્દ કરવા RTO કચેરીએ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે લાયસન્સ રદ્દ કરવાની કરેલી ભલામણ અંગે તથ્યને નોટિસ મોકલી છે. પોલીસની ભલામણના આધારે RTOએ તથ્ય પટેલને શો કોઝ નોટિસ મોકલી છે. આગામી 7 દિવસોમાં તથ્ય પટેલનું લાયસન્સ રદ્દ કરવામાં આવશે. તથ્ય વિરુદ્ધ અકસ્માતની વધુ એક ફરિયાદ નોંધાઇ હતી. તથ્ય પટેલ સામે ગાંધીનગરના સાંતેજ પોલીસ સ્ટેશનમા વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. પોલીસ ફરિયાદ અનુસાર, છ મહિના પહેલાં પણ આરોપી તથ્ય પટેલે જગુઆર કાર ગાંધીનગરના એક મંદિરમાં ઘૂસાડી દીધી હતી. થર્ટી ફર્સ્ટની પાર્ટી બાદ તથ્ય પટેલે આ અકસ્માત સર્જ્યો હતો.