Ahmedabad : શિવરંજની BRTS રૂટમાં મોડી રાતે કારનો અકસ્માત, ગરબા રમી પરત ફરતી વખતે અકસ્માતની આશંકા
કોરિડોરને વ્યાપક પ્રમાણમાં નુકશાનના પગલે કારચાલક ઓવરસ્પીડમાં હોવાની પુરી શક્યતાઓ છે. આઇ20 કારને નડેલા ગમખ્વાર અકસ્માતમાં જાનહાનિના કોઈ સમાચાર હજુ સુધી સામે આવ્યા નથી.
અમદાવાદઃ શહેરના શિવરંજની BRTS રૂટમાં મોડી રાતે કારને અકસ્માત નડ્યો છે. વાહનચાલકે સંતુલન ગુમાવતા ગાડી પલટી મારી ગઈ હતી. કોરિડોરમાં ગાડી સ્પીડમાં હંકારતા બીઆરટીસએસની રેલિંગ તૂટી ગઈ છે. નવરાત્રીમાંથી પરત ફરતા સમયે અકસ્માત થયો હોવાની શક્યતા છે. કોરિડોરને વ્યાપક પ્રમાણમાં નુકશાનના પગલે કારચાલક ઓવરસ્પીડમાં હોવાની પુરી શક્યતાઓ છે. આઇ20 કારને નડેલા ગમખ્વાર અકસ્માતમાં જાનહાનિના કોઈ સમાચાર હજુ સુધી સામે આવ્યા નથી.
Kutch: રાપરમાં 70 વર્ષના વૃદ્ધાએ બાળકને આપ્યો જન્મ, લગ્નના 45 વર્ષે પારણું બંધાતા આખા સમાજમાં ખુશી
કચ્છઃ પૂર્વ કચ્છના રાપર તાલુકાના મોરા ગામે 70 વર્ષના વૃદ્ધાને ત્યાં લગ્નના 45 વર્ષ પછી પારણું બંધાતા આખા ગામ અને સમાજમાં ખુશીની લાગણી ફરી વળી છે. 70 વર્ષના રબારી વૃદ્ધાએ બાળકને જન્મ આપ્યો છે. કચ્છના રાપર તાલુકાના એક નાનકડા મોરા ગામના બુજર્ગ અભણ દંપતીને ત્યાં લગ્નના 45 વર્ષે વૈજ્ઞાનિક ટેકનોલોજીથી એક 70 વર્ષની મહિલાએ બાળકને જન્મ આપતા રબારી સમાજમાં ખુશીની લાગણી ફરી વળી છે. ટેસ્ટ ટ્યુબથી 70 વર્ષના બાએ બાળકને જન્મ આપ્યો છે.
ડો. નરેશ ભાનુશાળીએ જણાવ્યું હતું કે, અહીં જે દંપતી આવ્યું છે એ બહુ મોટી ઉંમરના છે. જેમને સંતાનની કોઈ આશા નહોતી. પહેલા અમે તેમને આ ઉંમરે બાળક નહીં થાય તેમ કહ્યું હતું. પરંતુ એ લોકોને ભગવાન અને ડોક્ટર ઉપર ખૂબ ભરોસો હતો. તેમણે કહ્યું કે, અમારા પરિવારમાં અન્ય લોકોને મોટી ઉંમરે રિઝલ્ટ મળ્યું છે. તમે તમારા પ્રયત્નો કરો, પછી અમારું નશીબ. તેમને ટેસ્ટટ્યુબ બેબીથી બાળકનો જન્મ થયો છે. દંપતી ખૂબ જ ખુશ છે અને અમે પણ ખૂબ ખુશ છીએ. એ લોકો અમારી પાસે ખૂબ આશા લઈને આવ્યા હતા. તેમની આશા સફળ નીવડી છે.
Morbi : યુવકને ભાઈની પત્ની સાથે હતા સંબંધ, ભાઈ પત્નીને છોડવા તૈયાર ન થતાં કરી નાંખી હત્યા
મોરબીઃ મોરબીમાં કૌટુંબિક ભાઈની પત્ની સાથે આડાસંબંધમાં ભાઈની જ છરીના ઘા ઝીંકી હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. લીલાપર રોડ પર સ્મશાન નજીક હત્યાને પગલે પોલીસ દોડતી થઈ ગઈ છે. મૃતક ઇમરાનની પત્ની સહિદા આરોપી કૌટુંબિક ભાઈ સરફરાજને ગમતી હતી અને લગ્ન કરવા હતા. સરફરાજે મૃતક ઇમરાનને તેની પત્ની સાથેના સંબધ છોડી દેવાનું કહેતા ઈમરાને નાં પડતા સરફરાજે છરીના ઘા ઝીંકી હત્યા કરી નાંખી હતી. હત્યા અંગે મોરબી એ ડીવીઝન પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગઈ કાલે રાતે બાર વાગ્યાની આસપાસ લીલાપર રોડ પર આવેલા હોથીપીરની દરગાહ પાસે રહેતા અને રીક્ષા ચલાવી ગુજરાન ચલાવતાં ઈમરાનશા ઉમરશા શાહમદાર વાળાને (ઉ.વ.૨૫) તેના જ કાકાના દીકરા સરફરાજ ફિરોઝશા શાહમદાર વાળાએ છરીના ઘા ઝીંકીં દીધા હતા. ઇમરાનને 108 મારફતે ગંભીર હાલતમાં મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ઇજાગ્રસ્ત ઇમરાનનું મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણ થતાં જ મોરબી સીટી એ ડીવીઝન, એલસીબી,ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ઘટનાની ઝીણવટ ભરી તપાસ હાથ ધરી હતી. બીજી બાજુ મૃતક યુવાનનું પીએમ સહિતની કાર્યવાહી કરવા કવાયત હાથ ધરી છે. એ ડીવીઝન પોલીસને ગણતરીના કલાકોમાં જ આરોપીનું પગેરું મેળવવામાં સફળતા મળી હતી. હાલ એ ડીવીઝન પીઆઇ જે એમ આલ સહિતની ટીમે ઝીણવટ ભરી તપાસ હાથ ધરી છે.