Ahmedabad News: અમદાવાદમાંથી પકડાયેલા આતંકીની પૂછપરછમાં શું થયો મોટો ખુલાસો?
આરોપી મોહમ્મદ નુસરત મુંબઈમાં બે વાર ગોલ્ડ સ્મગલિંગના કેસમાં ઝડપાયો છે ઉપરાંત શ્રીલંકામાં મારામારી અને ડ્રગ્સના કેસ થયેલા છે.
Latest Ahmedabad News: અમદાવાદ એરપોર્ટથી પકડાયેલા ISISના 4 આતંકવાદીઓની ગુજરાત ATSએ પૂછપરછ કરી છે, જેમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા છે. ATSના DIG સુનીલ જોશીએ કહ્યું, ટેકનિકલ સર્વેલાન્સથી હેન્ડલરની શોધખોળ ચાલુ છે. હાલ પકડાયેલા 4 આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ છે.
આરોપી મોહમ્મદ નુસરત મુંબઈમાં બે વાર ગોલ્ડ સ્મગલિંગના કેસમાં ઝડપાયો છે ઉપરાંત શ્રીલંકામાં મારામારી અને ડ્રગ્સના કેસ થયેલા છે. જ્યારે મહંમદ ફારિસ પર શ્રીલંકાની જેલમાં ડ્રગ્સના કેસો થયેલા છે, રઝદિન પર ઘર ફોડ ચોરી અને ત્રણ એમડી ડ્રગ્સના કેસોમાં સંકળાયેલો છે. નફરાન સામે કોઈ રજીસ્ટર કેસ નથી પણ ડ્રગના કેસોમાં સંકળાયેલો હોવાનું તેણે સ્વીકાર્યું છે. ફારીસ અને રઝડીન પહેલી વાર ભારત આવ્યા હતા. મોહમ્મદ નુસરત 38 વાર અને નફરાન 40 વાર આ અગાઉ ભારત આવી ચૂક્યા છે. ફેબ્રુઆરીમાં તેમના હેન્ડલરના સંપર્કમાં આવ્યા પછી આ તેમની ભારતમાં પહેલી મુલાકાત હતી. આ તમામ મુલાકાતની તપાસ કરાશે.
કોલંબોથી પહોંચ્યા હતા અમદાવાદ
આ ચારેય આતંકી કોલંબોથી ફ્લાઇટ લઈને અમદાવાદ પહોંચ્યા હતા પરંતુ તેમની અમદાવાદ એરપોર્ટ પર ધરપકડ કરી લેવાઈ. પૂછપરછમાં જાણવા મળ્યું કે અબૂ નામનો આતંકવાદી તેમને ઓર્ડર આપી રહ્યો હતો. આ ચારેય અબૂની સાથે ફેબ્રુઆરી 2024માં સંપર્કમાં આવ્યા હતા. અંદાજિત 3 મહિનામાં જ અબૂએ આ ચારેયનું બ્રેઈનવૉશ કર્યું અને હુમલો કરવા માટે ભારત મોકલી દીધા.
આતંકવાદીઓ માટે હથિયારોની વ્યવસ્થા કરી
આ આતંકવાદીઓ માટે ભારતમાં હથિયારોની વ્યવસ્થા કરાઈ હતી. અબૂએ તેમને આદેશ આપ્યો હતો કે અમદાવાદના નાનાચિલોડા લોકેશન પર જાઓ, ત્યાં હથિયાર મળશે. પોલીસને આ જગ્યાએથી 3 પિસ્તોલ, કારતૂસ અને ISISનો ઝંડો મળ્યો છે. હથિયારો પર પાકિસ્તાનના FATA વિસ્તારનું નામ લખેલું છે. એટલા માટે એ સ્પષ્ટ છે કે આ હથિયાર પાકિસ્તાનથી આવ્યા હતા. આતંકવાદીઓની ધરપકડ બાદ હવે ભારતમાં આ હથિયાર મૂકનારને શોધવામાં આવી રહ્યો છે.
આતંકવાદીઓના નિશાના પર ભાજપ અને RSSના નેતા હતા. તેમના નિશાન પર યહૂદી અને ઈસાઈ સમાજના લોકો પણ હતા. જો આદેશ મળત તો આતંકવાદી ભારતમાં ફીદાયીન હુમલો પણ કરવાના હતા. ગુજરાત પોલીસે જણાવ્યું કે, ચારેય આતંકવાદી શ્રીલંકાના રહેવાસી છે. તેમને પાકિસ્તાનમાં બેઠેલા ISISના હેન્ડલરે ભારત આવવાનો ઓર્ડર આપ્યો હતો.