આ દેશમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ નહી કરી શકે, એકાઉન્ટ બ્લોક કરવા આદેશ
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝે કહ્યું કે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ઇન્ટરનેટ મીડિયા પર પ્રતિબંધ મૂકવાથી બાળકોને સંપૂર્ણ બાળપણ મળશે

ઓસ્ટ્રેલિયા 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ઇન્ટરનેટ મીડિયા પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. મંગળવારે મધ્યરાત્રિથી ટિટટોક, અલ્ફાબેટના યુટ્યુબ, મેટાના ઈન્સ્ટાગ્રામ, ફેસબુક સહિત અનેક પ્લેટફોર્મ પર બાળકોની ઍક્સેસ બ્લોક કરવામાં આવી છે. નવા કાયદા હેઠળ દસ સૌથી મોટા પ્લેટફોર્મ પર બાળકોને બ્લોક કરવાનો આદેશ આપવામાં આવ્યો છે અથવા 3.3 કરોડ ડોલર સુધીનો દંડનો સામનો કરવો પડશે. મોટી ટેકનોલોજી કંપનીઓ અને અભિવ્યક્તિ સ્વતંત્રતાના હિમાયતીઓ તરફથી આ કાયદાની ટીકા કરવામાં આવી છે, પરંતુ માતાપિતા અને બાળકોના અધિકારોના હિમાયતીઓ દ્વારા તેનું સ્વાગત કરવામાં આવ્યું છે. ઘણા અન્ય દેશો ઓનલાઈન બાળકોને સુરક્ષિત રાખવા માટે સમાન પગલાં લેવા ગંભીરતાથી વિચારી રહ્યા છે.
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝે કહ્યું કે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ઇન્ટરનેટ મીડિયા પર પ્રતિબંધ મૂકવાથી બાળકોને સંપૂર્ણ બાળપણ મળશે. તેમણે ઇન્ટરનેટ મીડિયા પ્રતિબંધને સમર્થન આપવા બદલ રાજ્ય અને સ્થાનિક નેતાઓનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે આ સાંસ્કૃતિક પરિવર્તન છે જે ઓસ્ટ્રેલિયાને માતાપિતાને વધુ માનસિક શાંતિ આપવા અને ઓસ્ટ્રેલિયન બાળકોને સુરક્ષિત બાળપણ મળે તેની ખાતરી કરવાની જરૂર છે.
તેમણે બાળકોને આગામી શાળાની રજાઓનો સંપૂર્ણ લાભ લેવા વિનંતી કરી હતી. ફોન પર સમય વિતાવવાને બદલે, કોઈ નવી રમત શરૂ કરો, કોઈ નવું વાદ્ય શીખો અથવા તે પુસ્તક વાંચો જે થોડા સમયથી તમારા શેલ્ફ પર પડેલું છે. સૌથી અગત્યનું મિત્રો અને પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરો.
ઇન્ટરનેટ મીડિયા પ્રતિબંધોથી ચિંતિત કિશોરો
આ પ્રતિબંધોથી સૌથી વધુ પરેશાન એવા કિશોરો છે જેમનું સંપર્ક સંપૂર્ણપણે ઇન્ટરનેટ મીડિયા પર આધારિત હતું. દક્ષિણ ઓસ્ટ્રેલિયાના આઉટબેકમાં રહેતો 15 વર્ષીય રાઈલી એલન રજાઓ દરમિયાન દૂર રહેતા તેના મિત્રો સાથે કેવી રીતે જોડાશે તેની ચિંતા કરે છે.તેનું ઘર વુડિન્નાથી લગભગ પાંચ કિલોમીટર દૂર છે અને તેના ઘણા મિત્રો 70 કિલોમીટર જેટલા દૂરના વિસ્તારોમાં રહે છે. ઇન્ટરનેટ મીડિયા તેમના સંવાદનું એકમાત્ર માધ્યમ હતું.
કાયદાને કોર્ટમાં પડકારવામાં આવ્યો
દરમિયાન સિડનીના 15 વર્ષના નોહા જોન્સ અને મેસી નેલેન્ડે કોર્ટમાં કાયદાને પડકાર્યો છે. તેઓ દલીલ કરે છે કે આ નિયમ દેશના આશરે 2.6 મિલિયન કિશોરોની અભિવ્યક્તિની સ્વતંત્રતાને મર્યાદિત કરે છે. જો કે, સરકાર દાવો કરે છે કે મોટાભાગના માતાપિતા ઇન્ટરનેટ મીડિયાની હાનિકારક અસરોથી બાળકોને બચાવવા માટેના આ પગલાને સમર્થન આપે છે. કેટલાક કિશોરો એવું પણ માને છે કે ઇન્ટરનેટ મીડિયા અલ્ગોરિધમ્સ તેમને મોડી રાત સુધી સ્ક્રીન પર ચોંટાડી રાખે છે, જેના કારણે તેમના માનસિક સ્વાસ્થ્ય પર અસર પડે છે. જોકે, નોહ દલીલ કરે છે કે સંપૂર્ણ પ્રતિબંધ બાળકોને વધુ ખતરનાક, અનિયંત્રિત પ્લેટફોર્મ તરફ દોરી શકે છે.





















