Ahmedabad: BMW હિટ એન્ડ રન કેસમાં આરોપી સામે કયો ગુનો નોંધાયો ? જાણો પોલીસે શું કહ્યું
Ahmedabad News: 36 કલાક બાદ પણ પોલીસને સત્યમ શર્મા હાથ નથી લાગ્યો. સત્યમ શર્માના પિતા શ્રીક્રિષ્ના શર્મા ગઈકાલે અંડરગ્રાઉન્ડ થયા બાદ આજે મીડિયા સમક્ષ આવ્યા હતા.
Ahmedabad News: અમદાવાદ હિટ એન્ડ રન કેસમાં સોલા પોલીસ સ્ટેશનમાં સત્યમ શર્મા વિરુદ્ધ દાખલ થયેલા દારૂ અંગેના ગુના અને અન્ય ગુનાહિત ઇતિહાસ બાબતે A ડિવિઝનના એસીપી ગુરપ્રીત સિંઘ સ્યાને પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે કહ્યું, સત્ય શર્મા વિરુદ્ધ ત્રણ ગુના દાખલ કરાયા છે. ડિસેમ્બર 2022માં સત્યમ શર્મા વિરુદ્ધ મારપીટનો ગુનો દાખલ કરાયો હતો. અગાઉ પણ તેણે જાહેરનામાનો ભંગ કર્યો હતો. સત્યમ શર્માની અગાઉ પણ બે વખત ધરપકડ થઈ ચુકી છે. ઉલ્લેખનીય છે કે 36 કલાક બાદ પણ પોલીસને સત્યમ શર્મા હાથ નથી લાગ્યો. સત્યમ શર્માના પિતા શ્રીક્રિષ્ના શર્મા ગઈકાલે અંડરગ્રાઉન્ડ થયા બાદ આજે મીડિયા સમક્ષ આવ્યા હતા.
સત્યમના પિતાએ શું કહ્યું
બીએમડબલ્યુ કાર ચાલકના પિતા શ્રીક્રિષ્ન શર્માએ જણાવ્યું, જે લોકો ઇજાગ્રસ્ત છે તેઓ ઝડપથી સ્વસ્થ થાય તેવી ઇશ્વરને પ્રાર્થના. તેમનો પુત્ર બહાર હોવાની વાત કહી કહ્યું, જે થવાનું હતું તે થઇ ગયું છે, ભગવાન ઇજાગ્રસ્તને જલ્દી સાજા કરે. મારા પુત્રનો સંપર્ક થશે તો અમે હાજર કરીશું.
BMW ચાલકે ગઈકાલે દંપત્તિને લીધું હતું અડફેટે
અમદાવાદ શહેરમાં ઝાયડસ હોસ્પિટલથી સિસ્મ હોસ્પિટલ જવાના રસ્તા પર એક પુરપાટ ઝડપે આવતી BMW કારે એક દંપતીને અડફેટે લેતા દંપતી ફંગોળાઈને રસ્તા પર પટકાયું હતું. આ અકસ્માતમાં દંપતિ ગંભીર રીતે ઘાયલ થતા તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની પ્રાથમિક માહિતી પ્રમાણે સિસ્મ હોસ્પિટલ જવાના રસ્તે બ્રિજ પરથી એક નશામાં ધૂત યુવાન પુરપાટ ઝડપે કાર હંકારીને આવતી પહેલા એક કાર સાથે અથડાયા બાદ રોડની સાઈડમાં ચાલી રહેલા એક દંપતીને અડફેટે લીધુ હતું. આ અકસ્માત બાદ રાહદારીઓએ કાર ચાલકનો પીછો કર્યો હતો પણ કાર ચાલક કાર ખુલ્લા ખેતરમાં મૂકીને ફરાર થઈ ગયો હતો. સ્થાનિકોના કહેવા પ્રમાણે કાર ખુબ જ ઓવર સ્પીડમાં આવી રહી હતી. આ મામલે ટ્રાફિલ પોલીસમાં ફરિયાદ નોંધાતા કારચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ અકસ્માતમાં કાર ચાલક કાર મુકીને ભાગી જતા બાદમાં કારની તપાસ કરતા કારની અંદરથી એક બેંક પાસબુક મળી આવી હતી. આ ઉપરાંત દારુની બોટલો પણ મળી આવી હતી. આ પાસબુકને આધારે કાર ચાલકનું નામ સત્યમ શર્મા જાણવા મળ્યુ હતું. આ મામલાની વધુ તપાસ કરતા BMW કાર માલિકનું નામ શ્રીક્રિષ્ના શર્મા જાણવા મળ્યુ હતું. આ BMW કાર શ્રીક્રિષ્ના શર્માનો પુત્ર ચલાવતો હતો. આ ઉપરાંત સત્યમ શર્મા કાર રેસિંગનો શોખીન પણ હતો. સત્યમ શર્માનો પરિવાર મૂળ UPના ગ્વાલિયરનો છે.