Ahmedabad plane crash: '૧.૨૫ લાખ લિટર ઇંધણ, બચવાનો મોકો જ ન મળ્યો'; અમદાવાદ પ્લેન ક્રેશ પર અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રીએ ઘટનાસ્થળ અને હોસ્પિટલની મુલાકાત લીધી, DNA ટેસ્ટ દ્વારા મૃતકોની ઓળખ કરાશે; ઉડ્ડયન મંત્રાલય દ્વારા તપાસ શરૂ.

Amit Shah on Ahmedabad plane crash: આજે બપોરે અમદાવાદમાં થયેલી એર ઇન્ડિયાની ભયાનક વિમાન દુર્ઘટના બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તાત્કાલિક ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ત્યાર બાદ તેમણે સિવિલ હોસ્પિટલમાં ઘાયલોને મળ્યા હતા અને નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતા તેમણે જણાવ્યું કે, "આખો દેશ પીડિત પરિવારો સાથે ઉભો છે."
અમિત શાહનું નિવેદન
ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, "એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર AI-171 બપોરે ક્રેશ થઈ ગઈ. ઘણા મુસાફરોના મોતની શક્યતા છે. આ ઘટનાથી આખો દેશ આઘાતમાં છે. આખો દેશ પરિવારો સાથે ઉભો છે. સૌ પ્રથમ, ભારત સરકાર, ગુજરાત સરકાર, અને વડા પ્રધાન વતી, હું પીડિતો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું."
ઘટનાની જાણકારી મળ્યાના ૧૦ મિનિટમાં જ ભારત સરકાર સુધી માહિતી પહોંચી ગઈ હોવાનું તેમણે ઉમેર્યું. તેમણે કહ્યું, "મેં તાત્કાલિક બધાનો સંપર્ક કર્યો. મને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો પણ ફોન આવ્યો. ભારત સરકાર અને ગુજરાત સરકારના તમામ વિભાગો રાહત અને બચાવ કાર્ય માટે સાથે મળીને કામ કરી રહ્યા છે."
આગના કારણે બચાવનો મોકો ન મળ્યો
અમિત શાહે દુર્ઘટનાની ભયાવહતા સમજાવતા કહ્યું કે, "વિમાનમાં ૧.૨૫ લાખ લિટર ઇંધણ હતું. આગ એટલી ઝડપથી લાગી કે બચાવનો કોઈ મોકો જ નહોતો મળ્યો." આ કારણે મૃત્યુઆંક વધુ હોવાની આશંકા છે.
#WATCH | Air India Plane Crash | Ahmedabad: Union Home Minister Amit Shah says, "This afternoon, Air India flight AI-171 crashed and many passengers are feared dead. The entire nation is grieving and is standing together with the bereaved families... The central government… pic.twitter.com/HTy00BWNVy
— ANI (@ANI) June 12, 2025
DNA ટેસ્ટ દ્વારા ઓળખ પ્રક્રિયા
ઘટનામાં મૃત્યુ પામેલા મુસાફરોના મૃતદેહોની ઓળખ કરવી મુશ્કેલ બની ગઈ હોવાથી, અમિત શાહે જણાવ્યું કે, "મૃતકોની ઓળખ DNA પરીક્ષણ પછી કરવામાં આવશે. ગુજરાતમાં લગભગ ૧૦૦૦ DNA પરીક્ષણ કરવામાં આવશે."
તેમણે અકસ્માતમાં ચમત્કારિક રીતે બચી ગયેલા એક મુસાફરને મળ્યા હોવાનું પણ જણાવ્યું. ઉડ્ડયન મંત્રીએ તપાસ ઝડપથી આગળ વધે તે માટે માહિતી આપી છે, અને ઉડ્ડયન વિભાગે તેની તપાસ શરૂ કરી દીધી છે.





















