અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં હત્યાના સીસીટીવી આવ્યા સામે, ગંભીર હાલતમાં નયનની મદદે કોઈ ન આવ્યાનો ખુલાસો
Ahmedabad school murder: અમદાવાદના ખોખરામાં સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા કેસમાં 15 દિવસ બાદ સીસીટીવી સામે આવ્યા હતા.

12 વાગ્યેને 54 મિનિટે સિક્યુરિટી ગાર્ડ પોતાની જગ્યા છોડીને સુપરવાઈઝરને બોલાવવા જાય છે. તો 12 વાગ્યેને 56 મિનિટે સુપરવાઈઝર પોનરાજ ચિન્નાનાદર અને દુર્ગા મુન્ડા નયન સુધી પહોંચ્યા હતા. 12 વાગ્યેને 59 મિનિટે પોનરાજ શાળાની નર્સ અને પ્રશાસકોને બોલાવવા લોકોને મોકલે છે અને 108 ઈમરજંસીને ફોન કરવાનું શરૂ કરે છે. બપોરે 1 વાગ્યેને એક મિનિટે માતાની વિનંતિ પ્રમાણે 108ની રાહ ન જોવામાં આવી અને માતા અન્ય લોકોની મદદથી રિક્ષામાં બેસાડી હોસ્પિટલ લઈ જાય છે. હાજર વિદ્યાર્થીઓએ વિદ્યાર્થીને ઉંચકીને રિક્ષામાં બેસાડી હોસ્પિટલમાં લઈ જવાયો હતો.
મદદ માટે વલખા મારતા વિદ્યાર્થીને શાળામાં કોઈએ મદદ ન કરી હોય તેવા સીસીટીવી સામે આવ્યા હતા. નયનની માતા 10 મીનીટ બાદ રિક્ષા લઈને નયનને સારવાર માટે લઈ જતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. શાળાના સિક્યોરીટી ગાર્ડ વિદ્યાર્થીનીઓને અને વાલીઓને ભેગા ન થાય તેમાં વ્યસ્ત જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે 19 ઓગસ્ટે અમદાવાદના ખોખરામાં આવેલી સેવન્થ ડે સ્કૂલના ધોરણ 10નાં વિદ્યાર્થી નયનની તેની જ સ્કૂલમાં અભ્યાસ કરતા ધોરણ 10નાં એક વિદ્યાર્થીએ બોક્સ કટર મારીને હત્યા કરી હતી. મૃતક વિદ્યાર્થી નયન ઇજાગ્રસ્ત હાલતમાં સ્કૂલના એન્ટ્રી ગેટથી અંદર પ્રવેશ કરતો જોવા મળે છે. બપોરે 12:53 કલાકે નયનને જ્યાં ઇજા પહોંચી તે પેટના ભાગને હાથથી દબાવીને સ્કૂલમાં પ્રવેશ કરતો જોવા મળે છે.
જોકે, થોડીવાર બાદ નયન ઢળી પડતા આસપાસમાં વિદ્યાર્થીઓનું ટોળું ભેગું થઈ જાય છે. આ દરમિયાન સ્કૂલના સ્ટાફ કે સિક્યોરિટી ગાર્ડ દ્વારા નયનને કોઈ મદદ કરવામાં આવતી નથી અને લોકો ત્યાં ઉભા ઉભા માત્ર બધું જોઈ રહ્યા હતા. ત્યારબાદ નયનની માતા અને અન્ય એક મહિલા ત્યાં આવી પહોંચે છે અને વિદ્યાર્થીઓની મદદથી નયનને રિક્ષામાં હોસ્પિટલ લઈ જતા પણ જોવા મળી રહ્યાં છે.જોકે સ્કૂલનો સ્ટાફ ત્યાં હાજર હોવા છતાં તેઓ નયનને હોસ્પિટલ ખસેડવાની તસ્દી લેતો નથી.





















