AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
Chaitar Vasava: 'એક રૂપિયો પણ આપતા નહીં': સાંસદનો અધિકારીઓને આદેશ, માર્ગ-મકાન વિભાગમાં તોડ કરવાનો દાવો.

Chaitar Vasava: ગુજરાતના રાજકારણમાં ભરૂચ અને નર્મદા પંથકમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. ભાજપના સાંસદ મનસુખ વસાવા (Mansukh Vasava) એ આમ આદમી પાર્ટી (AAP) ના ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava) પર ભ્રષ્ટાચાર અને તોડપાણીનો સનસનીખેજ આરોપ લગાવ્યો છે. મનસુખ વસાવાનો દાવો છે કે ચૈતર વસાવાએ માર્ગ અને મકાન વિભાગના અધિકારી પાસે કામના હિસાબના બહાને 75 લાખ રૂપિયાની માંગણી કરી છે.
દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારમાં બે દિગ્ગજ નેતાઓ વચ્ચેનો વિવાદ ફરી એકવાર ચરમસીમાએ પહોંચ્યો છે. રાજપીપળા સર્કિટ હાઉસ ખાતે AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ વડાપ્રધાનના કાર્યક્રમના ખર્ચ અંગે સવાલો ઉઠાવ્યા હતા, જેના જવાબમાં સાંસદ મનસુખ વસાવાએ વળતો પ્રહાર કરતા ગંભીર ખુલાસા કર્યા છે.
શું છે સમગ્ર મામલો?
સાંસદ મનસુખ વસાવાએ જાહેરમાં આક્ષેપ કર્યો છે કે, AAP ધારાસભ્ય ચૈતર વસાવા સરકારી અધિકારીઓ પર દબાણ બનાવી રહ્યા છે. મનસુખ વસાવાના જણાવ્યા મુજબ, ચૈતર વસાવાએ માર્ગ અને મકાન વિભાગ (R&B Department) ના અધિકારીઓ પાસે સરકારી કામો અને ગ્રાન્ટની માહિતી માંગી હતી. સાંસદનો આરોપ છે કે ચૈતર વસાવા પહેલા માહિતી માંગે છે અને ત્યારબાદ અધિકારીઓને ડરાવીને 'તોડપાણી' (Extortion) કરવાનો પ્રયાસ કરે છે.
75 લાખની માંગણી અને કલેક્ટરની સાક્ષી
મનસુખ વસાવાએ દાવો કર્યો છે કે, ચૈતર વસાવાએ માર્ગ મકાન વિભાગના અધિકારી પાસે 75 Lakh રૂપિયાની માંગણી કરી હતી. આ વાતનો ખુલાસો કરતા સાંસદે કહ્યું કે, "આ કોઈ હવામાં કરેલી વાત નથી. ખુદ જિલ્લા કલેકટરે મને અને જિલ્લા ભાજપ પ્રમુખની હાજરીમાં આ વાત કરી છે. કલેક્ટર જેવી જવાબદાર વ્યક્તિ ક્યારેય ખોટું ન બોલે." સાંસદે કહ્યું કે ચૈતર વસાવા વારંવાર ખોટા આક્ષેપો કરતા હોવાથી મારે હવે તેમને ખુલ્લા પાડવાની ફરજ પડી છે.
અધિકારીઓને સાંસદની સલાહ: "એક રૂપિયો ન આપતા"
આટલેથી ન અટકતા, મનસુખ વસાવાએ સરકારી અધિકારીઓને ખુલ્લી સલાહ અને હિંમત આપી છે. તેમણે અધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, "તમારે ગભરાવાની જરૂર નથી. ચૈતર વસાવાને એક પણ રૂપિયો આપશો નહીં."
ભાજપના કાર્યકરોને કામ મળ્યાનો આક્ષેપ ફગાવ્યો
ઉલ્લેખનીય છે કે, ચૈતર વસાવાએ આક્ષેપ કર્યો હતો કે વડાપ્રધાનના કાર્યક્રમમાં ભાજપના મળતિયાઓને કામ આપવામાં આવ્યા હતા. આ મુદ્દે મનસુખ વસાવાએ ચેલેન્જ ફેંકતા કહ્યું હતું કે, "ચૈતર વસાવા યાદી આપે કે કયા ભાજપના મુરતિયાને કામ મળ્યું છે? ખોટી વાતો કરવાને બદલે પુરાવા રજૂ કરે."





















