Ahmedabad: એક તરફ સરકારની બેઠક તો બીજી તરફ ક્ષત્રિય આગેવાનોની બેઠક, આંદોલનનો સુખદ અંત આવે તેવી શક્યતા
અમદાવાદ: લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગરમાવો પણ વધી રહ્યો છે. વિવિધ રાજકીય નેતાઓએ પોતાનો પ્રચાર પ્રસાર તેજ કરી દીધો છે તો બીજી તરફ ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત છે.
અમદાવાદ: લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગરમાવો પણ વધી રહ્યો છે. વિવિધ રાજકીય નેતાઓએ પોતાનો પ્રચાર પ્રસાર તેજ કરી દીધો છે તો બીજી તરફ ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત છે. ખાસ કરીને રાજકોટ ખાતે યોજાયેલ વિશાળ સંમેલન બાદ સરકાર હરકતમાં આવી છે.
ક્ષત્રિય સમાજના આંદોલનને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. ક્ષત્રિય સમાજના આંદોલનનો સુખદ અંત આવી શકે છે. મુખ્યમંત્રી નિવાસસ્થાને ક્ષત્રિય આગેવાનોને બોલાવાયા છે. સી.આર. પાટીલ મુખ્યમંત્રી નિવાસસ્થાને પહોંચ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ બેઠકમાં હાજર છે.
રાજપૂત સમાજ સાથે પડેલી ગૂંચ ઉકેલવાના ભાજપે પ્રયાસ તેજ કર્યા છે. મુખ્યમંત્રી નિવાસસ્થાને CM, સી.આર.પાટીલ,હર્ષ સંઘવી વચ્ચે બેઠક ચાલી રહી છે. તો બીજી તરફ અમદાવાદના ગોતા ખાતે રાજપૂત સમાજ ભવન ખાતે સમાજના અગ્રણીઓની બેઠક ચાલી રહી છે. રાજપૂત સંકલન સમિતિની છેલ્લા ત્રણ કલાકથી બેઠક ચાલી રહી છે. બેઠકમાં કોઈ મહત્વનો નિર્ણય લેવાય તેવી શક્યતા છે.
મુખ્યમંત્રી નિવાસસ્થાને પણ રાજપૂત સમાજના અગ્રણી સાથે બેઠક થાય તેવી શક્યતા છે. સંકલન સમિતિના મોટાભાગના સભ્યો રાજપૂત સમાજ ભવન પહોંચી ચૂંક્યા છે. રમજુભા જાડેજા, જે.પી.જાડેજા બેઠકમાં હાજર છે. આ ઉપરાંત પી.ટી.જાડેજા સહિતના સંકલન સમિતિના સભ્યો હાજર છે. કરણસિંહ ચાવડા, તૃપ્તીબા રાઓલ, ડૉ. રૂદ્રરાજસિંહ ઝાલા, વિજયસિંહ ચાવડા, વાસુદેવસિંહ ગોહિલ, વી.એસ.જાડેજા પણ બેઠકમાં હાજર છે. ગોતા રાજપૂત સમાજભવન ખાતે બેઠક ચાલી રહી છે. છેલ્લા 3 કલાકથી ક્ષત્રિય આગેવાનોની બેઠક ચાલી રહી છે.
ક્ષત્રિય મહાસંમેલનમાં રાજપૂત આગેવાનનો હુંકાર
રતનપરના ક્ષત્રિય મહાસંમેલનમાં ભાગ લેવા આવેલા હરપાલસિંહ ચુડાસમાએ કહ્યું કે, તૂફાન ભી રૂક જાયેગા જબ લક્ષ્ય હોગા સીનેમે. ગુજરાતના ખૂણે ખૂણે આંદોલન ચાલી રહ્યું છે. માગણી નહિ સ્વીકારવામાં આવે તો રાજકોટના રાજપૂત દશા બગાડી નાખશે. માતા સીતાનું રાવણે હરણ કર્યું ત્યારે ભગવાન શ્રી રામ લોકોને જોડતા જોડતા લંકા પહોંચ્યા હતા. લંકા પહોંચીને શ્રી રામે રાવણને કહેડાવ્યું કે સીતા માતાને મૂકી જાય યુદ્ધ નથી કરવું. આપડે જેટલા આવેદન આપવાના હતા આપી દીધા છે.
19 તારીખે 5 વાગ્યા પછી ક્ષત્રિયોનો ગુસ્સો રૂપાલા સુધી સીમિત નહિ રહે. ભાજપની વાત ન કરવા કહેવાયું પણ છાસ લેવા જવી અને દોણી સંતાડવી તેવું થોડું ચાલે. આ કોઈ પાર્ટીનું નહિ અમારી માતા - બહેનોની અસ્મિતાનું આંદોલન છે. માતા -બહેનોને કહું છું ઉપવાસ કે જોહર કરવાની વાત ન કરતા આપણું લક્ષ્ય આપનું બુથ છે. આવતા 100 વર્ષ સુધી કોઈ ક્ષત્રિય સામે જોઈ ન શકવો જોઈએ. આ તમામ સમાજની માતા-દીકરીની વાત છે.
રતનપરના ક્ષત્રિય મહાસંમેલનમાં ઉતેલિયા સ્ટેટના ભગીરથસિંહનું નિવેદન
આ ધરતી પર માત્ર વીરોને રાજ કરવાનો અધિકાર છે. રાજપૂત ક્યારેય એક ના થઈ શકે તેવું કહેવામાં આવે છે, આ સંમેલનને સિદ્ધ કર્યું કે રાજપૂત એક છે. રૂપાલા જો ઉમેદવારી કરશે તો તે ભાજપની સહમતી માનવી. 16 તારીખ પછી આપણી લડાઈ સીધી ભાજપ સામેની થશે. રાજપૂત દેશના ખૂણે ખૂણેમાં વસેલા છે. રૂપાલા ઉમેદવારી કરે તો ત્યારબાદ દરેક ગામમાં ભાજપ વિરોધી મતદાનની રણનીતિ અમલમાં મુકીશું. 26 મુખ્ય કન્વિનર, દરેક જિલ્લા, તાલુકા અને ગામમાં કન્વિનર નીમીને અન્ય સમાજને સમજાવીશું. એક ક્ષત્રિય અન્ય સમાજના 10 લોકોને ભાજપ વિરોધી મતદાન કરાવશે.
રતનપરના ક્ષત્રિય મહાસંમેલનમાં કિશોરસિંહનું નિવેદન
ક્ષત્રિય પોતાના માટે ક્યારેય લડતો નથી પણ આ વાત ક્ષત્રિયની સ્મિતા પર વાત છે. આ સૌર્યરૂપ શક્તિસ્વરુપ તમે સામેથી બોલાવ્યું છે. સમગ્ર દેશમાં એકમાત્ર નાની માગણી છે. ટિકિટ કેન્સલ થાય તો બધું પૂરું નહિ તો પાર્ટ 2 શરૂ થશે.