Gujarat Police: ટ્રાફિકના નિયમો તોડનાર પોલીસકર્મીઓનું હવે આવી બનશે, DGPએ પત્ર જાહેર કરી જાણો શું આપ્યા આદેશ
Gujarat Police: ગુજરાત પોલીસના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી વિકાસ સહાય એક્શનમાં આવ્યા છે. ગઈકાલે તેમણે પોલીસ જવાનો માટે સોશિયલ મીડિયા અંગે ગાઈડલાઈન જાહેર કરી હતી
Gujarat Police: ગુજરાત પોલીસના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી વિકાસ સહાય એક્શનમાં આવ્યા છે. ગઈકાલે તેમણે પોલીસ જવાનો માટે સોશિયલ મીડિયા અંગે ગાઈડલાઈન જાહેર કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે કોઈપણ પોલીસકર્મચારી વર્દીમાં વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં રોસ્ટ કરી શકશે નહીં.
તો બીજી તરફ આજે ફરી એકવાર ડીજીપીએ એક પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં નિયમો નેવે મૂકીને વર્દીને ડાઘ લગાનારા પોલીસકર્મીઓને તથા અધિકારીઓને ટ્રાફિક સહિતના નિયમોનું પાલન કરવા માટેની સૂચના આપવામાં આવી છે. આ પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે, વાહનોમાં બ્લેક ફિલ્મ, પોલીસની પ્લેટ વગેરે બાબતો ન કરવાની પણ સૂચના આપવામાં આવી છે. આ સાથે આમ કરનારા પોલીસકર્મીઓ સામે કડક પગલાં ભરવા માટે પણ આદેશ કરવામાં આવ્યો છે.
અહીં ક્લિક કરી વાંચો પરિપત્ર
નોંધનીય છે કે, ડીજીપી વિકાસ સહાય દ્વારા પોલીસનો રોફ જમાવી ફિલ્મ સ્ટાઈલમાં ફરતા પોલીસ કર્મચારીઓને સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે. પરિપત્ર બહાર પાડીને ડીજીપી વિકાસ સહાય દ્વારા પોલીસ કમિશનર, એસપી, જીઆરપી તથા તમામ સેનાપતિઓને આ પરિપત્ર મોકલવામાં આવ્યો છે. નોંધનિય છે કે, આ પરિપત્રમાં લોકો દ્વારા વારંવાર જે બાબતે ફરિયાદ ઉઠતી હોય છે તેનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે.
પોલીસ કર્મચારીઓ હવે જો ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ પાસે પણ હવે ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવશે. હેલમેટ, સીટબેલ્ટ, ચાલુ વાહનને ફોન પર વાત કરવાનું ટાળવું, નંબર પ્લેટ પર લખવામાં આવતા લખાણો, આ ઉપરાંત ટુ-વ્હીલર પર ત્રણ સવારી, રોંગ સાઈડમાં ડ્રાઈવિંગ કરવું, પાર્કિંગના નિયમોનું ઉલ્લંઘન વગેરે બાબતોનું પોલીસે ધ્યાન રાખવું પડશે, જો કોઈ પોલીસ કર્મચારી આ બાબતોનું વાહન ચલાવતી વખતે ધ્યાન નહીં રાખે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ અગે ડીજીપી વિકાસ સહાયએ કહ્યું કે, સૌ પહેલા પોલીસ ટ્રાફિકના કાયદા તેમજ નિયમોનું સંપૂર્ણ ચૂસ્તપણે પાલન કરે અને જાહેર જનતાનું ટ્રાફિક નિયમનું પાલન કરાવે તે જરુરી છે. આપણ જોઈએ છીએ કે, ઘણા પોલીસકર્મીના ખાનગી વાહનોમાં P અથવા Police જેવા લખાણો લખેલા જોવા મળે છે. આ ઉપરાંત તેમની કારમાં બ્લેક ફિલ્મ પણ લગાવેલી હોય છે. હવે આ બાબતે વિકાસ સહાયએ લાલ આંખ કરી છે. કારણ કે, જો પોલીસ જ નિયમોનું ઉલ્લંઘન કરશે તો પ્રજા પાસે કેવી રીતે નિયમો પાલન કરાવી શકશે. તેથી પહેલા પોલીસને નિયમોનું પાલન કરવા ખાસ ગાઈડલાઈન બહાર પાડી છે.