(Source: ECI/ABP News/ABP Majha)
અમદાવાદમાં સતત ત્રીજા દિવસે કોરોનાના કેસ 500ને પાર, જાણો ક્યા વિસ્તારમાં સંક્રમણ વધ્યું
ગુરૂવારે 551 કેસ નોંધાતા અત્યાર સુધીમાં કોરોનાના કુલ 64 હજાર 773 કેસ ગયા માર્ચથી અત્યાર સુધીમાં નોંધાયા છે.
અમદાવાદ શહેરમાં સતત ત્રીજા દિવસે કોરોનાના 500 ઉપરાંત કેસ નોંધાયા છે. ગુરૂવારે કોરોનાના નવા 551 કેસ નોંધાયા છે. જે અત્યાર સુધીના વિક્રમજનક કેસ છે. તો કોરોના સંક્રમિત એક વ્યકિતનું મોત થયું છે. શહેરમાં કોરોનાના નવા કેસ વધવાની સાથે એકિટવ કેસની સંખ્યા પણ વધીને 1434 ઉપર પહોંચી ગઈ છે. શહેરમાં મંગળવારે કોરોનાના 502 કેસ નોંધાયા હતા. બુધવારે 506 કેસ નોંધાયા હતા.
ગુરૂવારે 551 કેસ નોંધાતા અત્યાર સુધીમાં કોરોનાના કુલ 64 હજાર 773 કેસ ગયા માર્ચથી અત્યાર સુધીમાં નોંધાયા છે. ગુરૂવારે 455 દર્દીઓને રજા આપવામાં આવતા અત્યાર સુધીમાં કુલ 60 હજાર 959 દર્દી કોરોના મુકત થયા. તો વધુ એકના મૃત્યુથી અત્યાર સુધીમાં કુલ 2285 મોત કોરોનાથી થયા છે. શહેરમાં ગોતા ઉપરાંત થલતેજ,બોડકદેવ,જોધપુર સહિતના વિસ્તારોમાં કોરોના સંક્રમણમાં ચિંતાજનક વધારો નોંધાયો છે.
નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં કોરોના વાયરસના નવા 1961 કેસ નોંધાયા હતા. જે એક દિવસમાં નોંધાયેલા અત્યાર સુધીના સૌથી વધુ કેસ છે. જ્યારે વધુ 7 લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયાં હતા. ગઈકાલે રાજ્યમાં 1405 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
રાજ્યમાં અત્યાર સુધી 2,94,130 લોકો કોરોના સંક્રમિત થઈ ચુક્યાં છે. જેમાંથી 280285 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. હાલ 9371 એક્ટિવ કેસ છે, જેમાંથી 81 લોકો વેન્ટિલેટર પર અને 9291 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 95.29 ટકા પર પહોંચ્યો છે.
કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?
ગઈકાલે સુરત કોર્પોરેશનમાં 4, મહિસાગરમાં 2 અને અમદાવાદ કોર્પોરેશનમાં 1 મોત સાથે કુલ 7 લોકોના મોત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4473 લોકોના કોરોનાથી મોત થયા છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
અમદાવાદ કોર્પોરેશનમાં 551, સુરત કોર્પોરેશનમાં 501, વડોદરા કોર્પોરેશનમાં 164 , રાજકોટ કોર્પોરેશનમાં 146, સુરતમાં 127, નર્મદા-27, જામનગર કોર્પોરેશનમાં 24, પાટણ-24, ભાવનગર કોર્પોરેશનમાં 23, રાજકોટમાં 23, ગાંધીનગર કોર્પોરેશન 21, જામનગરમાં-20, વડોદરામાં 20, બનાસકાંઠામાં-19, દાહોદમાં-19, કચ્છમાં 19, ખેડામાં-18, મહેસાણામાં-18, ગાંધીનગરમાં -17, અમરેલીમાં-16, આણંદ-16, સુરેન્દ્રનગરમાં-16, મહીસાગર-15, સાબરકાંઠા-15, મોરબી-13, ભરુચ-11 અને નવસારીમાં 11 કેસ નોંધાયા હતા.