આજે અમદાવાદ-ગાંધીનગરમાં એકાઉન્ટન્ટ, ઓડિટર, સબ ટ્રેઝરી ઓફિસરની ભરતી માટે લેવાશે પરીક્ષા
આજે એકાઉન્ટન્ટ, ઓડિટર, સબ ટ્રેઝરી ઓફિસરની પરીક્ષા લેવામાં આવશે. માત્ર 30 જગ્યા માટે કુલ 46,966 ઉમેદવારો પરીક્ષા આપશે. ગાંધીનગર અને અમદાવાદ માત્ર બે સેન્ટરો પર જ પરીક્ષા લેવામા આવશે.
અમદાવાદઃ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આજે એકાઉન્ટન્ટ, ઓડિટર, સબ ટ્રેઝરી ઓફિસરની પરીક્ષા લેવામાં આવશે. માત્ર 30 જગ્યા માટે કુલ 46,966 ઉમેદવારો પરીક્ષા આપશે. ગાંધીનગર અને અમદાવાદ માત્ર બે સેન્ટરો પર જ પરીક્ષા લેવામા આવશે.
આ બે શહેરોમાં 46966 પરીક્ષાર્થીઓ માટે કુલ 129 પરીક્ષા સેન્ટર તૈયાર કરવામાં આવ્યાં છે, જેમા સવારે 11 વાગ્યા થી 1 વાગ્યા વચ્ચે પરીક્ષા લેવાશે. કોરોના સંક્રમણની પરિસ્થિતિ અને તેને લઈને તમામ ગાઈડ લાઇન સાથે આ પરીક્ષા યોજાશે. એક પરીક્ષા ખંડમાં વધુમાં વધુ ૨૫ પરીક્ષાર્થીઓને જ બેસવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છએ.
નોંધનીય છે કે, ગઈ કાલે ગુજરાત સરકારે મિનિ લોકડાઉનમાં કેટલીક છૂટછાટ આપી છે. રાજકીય, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમોમાં તેમજ ધાર્મિક સ્થળોએ ખુલ્લામાં મહત્તમ 200 વ્યકિતઓ અને બંધ સ્થળોએ જગ્યાની ક્ષમતાના મહત્તમ 200 વ્યક્તિઓની મર્યાદામાં વ્યકિતઓ એકત્રિત થઇ શકશે. તો ધોરણ 9થી પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્ષ સુધીના કોચિંગ ક્લાસિસ તેમજ તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના કોચિંગ સેન્ટરો સ્થળની ક્ષમતાના મહત્તમ 50 % વિદ્યાર્થીઓ સાથે બેચવાઇઝ કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે ચાલુ રાખી શકાશે.
કોરોના સંક્રમણના કારણે રાજ્યમાં લગાવેલા નિયંત્રણોમાં સરકારે છૂટછાટ આપી છે. રાજ્યમાં હવે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર એમ આઠ મહાનગરોમાં જ રાત્રિ કર્ફ્યૂનો અમલ કરાશે. જ્યારે 10 શહેર ભૂજ, મોરબી, પાટણ, મહેસાણા, ભરૂચ, નવસારી, વલસાડ, અંકલેશ્વર, ગાંધીધામ અને વાપીને રાત્રિ કર્ફ્યૂમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. આ સાથે ગુજરાત સરકારે વેપારીઓને મોટી રાહત થાય તેવી જાહેરાત કરી છે.
અગાઉ વેપારીઓ માટે ફરજિયાત 10 જુલાઇ સુધીમાં કોરોનાની રસી લેવાની હતી. આ સમયમર્યાદા વધારવામાં આવી છે. હવે 31 જુલાઇ સુધીમાં કોરોનાનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કોર કમિટીએ એવો પણ નિર્ણય કર્યો છે કે, રાત્રિ કરફયુ અમલમાં છે તે શહેરોમાં તમામ દુકાનો, વાણિજ્યક સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્સ, માર્કેટીંગ યાર્ડ, અઠવાડીક ગુજરી/બજાર/હાટ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ રાત્રિના ૦૯:૦૦ કલાક સુધી ખુલ્લા રાખી શકાશે.
દરમિયાન તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યકિતઓએ તા.૩૧.૦૭.૨૦૨૧ સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે અન્યથા આવા વાણિજ્યિક એકમો ચાલુ રાખી શકાશે નહી.